
સુરતઃ ઓઈલ કંપનીની પાઈમ લાઈનમાં પંકચર કરીને ઓઈલ ચોરી કરતી આંતરરાજ્ય ગેન્ગના બે શખસોને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધા છે. આરોપીઓ ખેતર કે કોઈ અવાવરું જગ્યામાંથી પસાર થતી ફૂડ ઓઈલના પાઈપલાઈન અંગેની માહિતી મેળવી તે પાઈપલાઈન અંગે સર્વે કરી સાગરીતો મારફતે પાઈપલાઈનની જગ્યાએ રાત્રિના સમયગાળા દરમિયાન આશરે 6થી 7 ફૂટ જેટલો જમીનમાં ઊંડો ખાડો ખોદી ફ્રુડ ઓઈલની પાઈપલાઈનમાં પંચર પાડી તેમજ ઇલેક્ટ્રિક વેલ્ડીંગ કરી તેમાં વાલ્વફીટ કરી ટેન્કર મંગાવી ફૂડ ઓઈલના પાઈપ લાઈનમાંથી સાગરીતો મારફતે ઓઈલ ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે.
સુરત ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું હતું કે, આઓસીએલ ઓઈલ કંપનીમાંથી રાજસ્થાનના અલગ અલગ જગ્યાએથી પંકચર કરી કરોડોની ઓઈલ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા આરોપી સંજયકુમાર નવીનચંદ્ર સોનીને મહેસાણા ખાતેથી તથા રમેશ વીરજીભાઈ વાછાણીને અમદાવાદથી ઝડપી પાડવામાં આવ્યા હતા. આરોપી સંજયકુમાર નવીનચંદ્ર સોની તથા તેનો સગો નાનો ભાઈ ઘનશ્યામ ઉર્ફે જીણો નવીનચંદ્ર સોની તથા તેના મિત્ર રમેશ વીરજીભાઈ વાછાણી નામના શખસો એક મહિના પહેલા રાજસ્થાન બ્યાવર સાકેતનગરની સીમમાં આવેલા ખેતરમાંથી પસાર થતી ઓઈલની પાઈપ લાઈનમાં પંચર કરી ફ્રુડ ઓઈલની ચોરી કરતા હતા. ઘનશ્યામ ઉર્ફે જીણો નવીનચંદ્ર સોની સાગરીતો સાથે મળી રાત્રીના સમયગાળા દરમિયાન જમીનમાં ખાડો કરી ઓઈલ કેપનીની સલાયા મથુરા પાઈપલાઈનમાં પંચર કરતા હતા. કંપનીના કંટ્રોલરૂમમાં અલાર્મ વાગતા કંપનીના ગાર્ડ આવી પહોચતા પોતાનો ભાઈ ઘનશ્યામ ઉર્ફે જીણો નવીનચંદ્ર સોની તથા સાગરીતો ત્યાંથી નાસી ગયા હતા.
આ સિવાય 2022ના ડિસેમ્બર અથવા 2023 જાન્યુઆરી માસમાં રાત્રિના સમયગાળા દરમિયાન રાજસ્થાન બ્યાવરના સીમમાંથી IOCLની પાઈપલાઈનમાં પંચર કરી પંદર જેટલા ટેન્કરોમાં જેમાં એક ટેન્કરમાં આશરે 24 હજાર લીટર કુલ 3,60,000 લીટર જેની 1 લીટરની 60 રૂપિયા લેખે અંદાજીત 2.16 કરોડના મત્તાનું ભરી રમેશભાઈ વીરજીભાઈ વાછાણીએ વેચાણ માટે હૈદરબાદ ખાતે મોકલી આપ્યું હતું. દરમિયાન રસ્તામાં એક ટેન્કર એમ.પી. ઇન્દોર ખાતે જીએસટી ડીપાર્ટમેન્ટમાં પકડાઈ ગયું હતું.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, આરોપી રમેશભાઈ વીરજીભાઈ વાછાણી મુખ્ય રીસીવર તરીકે કામ કરે છે. આરોપી પોતે ફ્રુડ ઓઈલ ચોરીના કૌભાંડ આચરતા આરોપીઓના સંપર્કમાં રહી પોતે ગુનાઓ આચરવા માટે જરૂરી સાધન સામગ્રી તેમજ ચોરી કરેલું ઓઈલની હેરફેર કરવા માટે જરૂરી વાહનો પુરા પાડે છે. અને આ ચોરેલા ઓઈલનો માલ ત્રીસ રૂપિયા લીટરની કિમંતે હૈદરાબાદ વેચાણ કરવા માટે મોકલી આપતો હતો અને માલના વેચાણ રૂપિયા આંગડીયા મારફતે બ્યાવર તથા અમદાવાદ ખાતે મંગાવતો હતો.