
ગુજરાતમાં 21 તાલુકામાં પડ્યો વરસાદ, આદ્રા નક્ષત્રને લીધે આગામી 10 દિવસ વરસાદની આગાહી
અમદાવાદઃ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ધીમા પગલે વરસાદી માહોલ જામતો જાય છે. આજે મંગળવારે સવારે 6 વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન 21 તાલુકામાં ઝાપટાંથી લઈને બે ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જેમાં અમરેલીના બાબરામાં બે ઈંચ, તથા ગારિયાધાર, લાલીયા, ક્વાંટ ઉંમરગાંમ, નાદોડ, માંડવી કચ્છ, દ્વારકા સહિતના તાલુકામાં ઝાપટાંથી લઈને એક ઈંચ વરસાદ પડ્યો હતો. દરમિયાન આજે મંગળવારે દિવસ દરમિયાન અંકલેશ્વર,ખેરગામ, વેરાવળ, સૂત્રાપાડા, ગારિયાધાર, હાંસોટ, સુરત શહેર, ધરમપુર, વ્યારા, વાલિયા, ઓલપાડ, પલસાણા, વિસાવદર, સિહોર, અને ભરૂચમાં વરસાદના ભારે ઝાપટાં પડ્યા હતા.
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ છવાયો છે. ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. મંગળવારે સવારે 6 વાગ્યે પુરા થતાં 24 કલાક દરમિયાન રાજ્યના 21 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ અમરેલી જિલ્લાના બાબરામાં બે ઇંચ વરસાદ પડ્યો હતો. દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત બાદ ભરૂચ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. જિલ્લાના અંકલેશ્વર પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. તાલુકાના ભડકોદ્રા, કાપોદ્રા પીરામણ, ગડખોલ, અંદાડા કોસમડી સહિતના ગામોમાં વરસાદ પડતાં ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. દરમિયાન આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં ભારે પવન સાથે વરસાદની પડવાની શક્યતા છે. આદ્રા નક્ષત્રને કારણે રાજ્યમાં 19 થી 28 જૂન સુધી રાજ્યમાં વરસાદ પડશે. આદ્રા નક્ષત્રનો વરસાદ ખેડૂતો માટે સારો ગણાય છે.
અમરેલી જિલ્લામાં સતત પાંચમા દિવસે મેઘમહેર જોવા મળી છે. રાજુલા-જાફરાબાદમાં મેઘરાજા મનમૂકીને વરસ્યા હતા. ગઈકાલે સોમવારે સાવરકુંડલાના જીરા, બોરાળા, ખડકલા, જૂના સાવર, લાઠીના હરસુરપુર, બાબરાના વાંડળિયા સહિતના વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. જ્યારે બાબરા અને લીલિયા વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભાવનગરના ગારિયાધારમાં પણ ધોધમાર વરસાદ પડતા સ્થાનિક નદીઓ વહેતી થઇ હતી. આ ઉપરાંત સુરત શહેરમાં આજે સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયુ હતુ. અને પીપલોદ સહિતના વિસ્તારમાં હળવો વરસાદ પડ્યો હતો. હળવા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. આ સાથે જ સવારે સ્કૂલ અને નોકરી પર જતા લોકોને અટવાવાનો વારો આવ્યો હતો. નવસારી શહેર અને જિલ્લામાં વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવો વરસાદ પડ્યો હતો. જેને લઇને બફારાથી લોકોને રાહત મળી છે.