બિયારણ કે ખાતરના વેચાણમાં ગેરરીતિ કરતા તત્વો હવે સીધા જેલ ભેગા થશે
ગાંધીનગર, 11 જુન, 2026 : Strict action against irregularities in the sale of seeds or fertilizers રાજ્યના ખેડૂતોને ઉત્તમ ગુણવત્તાવાળું અને પૂરતા પ્રમાણમાં ખાતર, બિયારણ તેમજ જંતુનાશક દવાઓ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીના નેતૃત્વમાં રાજ્ય સરકાર અસરકારક પગલાં ભરી રહી છે.
કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ગેરરીતિ આચરતા તત્વોને ચેતવણી આપી છે કે, ખેડૂતોના હિત-શત્રુઓ, ગેરકાયદેસર, પ્રતિબંધિત કે ઓછી ગુણવત્તાવાળી કૃષિ સામગ્રી વેચનારા કે સંગ્રહખોરી કરનારા તત્વોને રાજ્ય સરકાર સાંખી નહીં લે. મંત્રીએ આવા ગેરકાનૂની કામ કરતાં તત્વો સામે કાયદાનું શસ્ત્ર ઉગામીને કડક કાનૂની પગલાં ભરવા માટે કૃષિ વિભાગને સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે.
મંત્રીએ કહ્યું કે, રાજ્ય સરકાર ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ગુણવત્તાયુક્ત બિયારણ અને ખાતર મળે તે માટે સરકાર કટિબદ્ધ છે. તેમણે ઉમેર્યું કે, આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ, ૧૯૫૫ હેઠળ ખાતર અને બિયારણની ગુણવત્તા સુનિશ્ચિત કરતા કેન્દ્ર સરકારના ચોક્કસ હુકમો અમલમાં છે. આ કાયદા હેઠળ જો કોઈ પણ સંસ્થા કે વિક્રેતા ગેરકાયદેસર પ્રવૃત્તિ કે અનિયમિતતા આચરતા પકડાશે, તો ગુનાની ગંભીરતા જોઈને માત્ર લાયસન્સ જ રદ નહીં થાય, પણ તેમની સામે સીધી પોલીસ ફરિયાદ કરવામાં આવશે.
મંત્રીએ જણાવ્યું હતુ કે આવી ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્વો અને ઇસમો સામે “ધ પ્રિવેન્શન ઑફ બ્લેક માર્કેટિંગ એન્ડ મેઈન્ટેનન્સ ઓફ સપ્લાઇ ઓફ એસેન્શિયલ કોમોડિટી (પીબીએમ) એક્ટ- ૧૯૮૦ હેઠળ જેલની સજા અને દંડ થાય તેવા કડક આદેશો આપી દેવાયા છે.
ખેડૂતોના હિતોના રક્ષણ માટે કૃષિ વિભાગ હસ્તકનું ગુણવત્તા નિયંત્રણ તંત્ર રાત-દિવસ એક કરીને સતત સતર્કતા સાથે કામ કરી રહ્યું છે. ચાલુ વર્ષે માત્ર ત્રણ જ મહિનામાં ૮૫ વિજીલન્સ ટીમોએ બિયારણ, ખાતર અને જંતુનાશક દવાના કુલ ૩,૫૨૬ ઉત્પાદકો અથવા વિક્રેતાઓ તેમજ ટેકનિકલ ગ્રેડ યુરિયા વાપરતા ૭૪ એકમોની સઘન તપાસ હાથ ધરી હતી. જે દરમિયાન ગુણવત્તાની ચકાસણી માટે કુલ ૧,૦૬૦ નમૂનાઓ લેવામાં આવ્યા છે. તપાસ દરમિયાન અનિયમિતતા જણાતા અત્યાર સુધીમાં ૭૫૨ વિક્રેતાઓને નોટિસ ફટકારવામાં આવી છે. જ્યારે, નિયમોના ઉલ્લંઘન કરતા પકડાયેલા ખાતરના ૪૨, બિયારણના ૦૬ અને જંતુનાશક દવાના ૦૬ મળીને કુલ ૫૪ લાયસન્સ તાત્કાલિક અસરથી સ્થગિત કરી દેવાયા છે.


