
રાજકોટઃ શહેરમાં અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. વધુ એક અકસ્માત મોડી રાત્રે શહેરના ગોંડલ રોડ પર સર્જાયો હતો. જેમાં પૂરપાટ ઝડપે આવતી કારે બાઈકને અડફેટે લઈ ઉલાળતાં બાઇક પર સવાર બે યુવાનો 15 ફૂટ રોડ ઢસડાયા હતા. ગંભીર ઇજાને કારણે બન્ને યુવાનોના મોત નીપજ્યાં હતાં.
પોલીસ સૂત્રોમાંથી આ અકસ્માતના બનાવની એવી વિગત જાણવા મળી છે.કે, શહેરના ગોંડલ રોડ પર મોડી રાત્રે પૂરફાટ ઝડપે આવેલી કારે બાઈકને અડફેટે લેતા બાઈકસવાર બન્ને યુવાનોના મોત નિપજ્યા હતા. અકસ્માતની ઘટનાને પગલે એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ સી.જી. જોશી તેમજ સ્ટાફ બનાવ સ્થળે દોડી ગયા હતા અને સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ મેળવવા તજવીજ આદરી હતી. આજુબાજુના લોકો એકઠા થઈ ગયા હતા તે લોકોએ જણાવ્યું હતું કે, અકસ્માત એવો ગંભીર હતો કે બન્નેને કારે ઉલાળતા 15 ફૂટ સુધી ફંગોળાયા હતા. તેમજ કાર રેઢી મૂકી કારચાલક તેમજ કારમાં મુસાફરી કરતા બે જણાં પલાયન થઈ ગયા હતા. બન્નેને મૃત્યુથી વતનમાં રહેતા તેમના પરિવારને સમગ્ર હકિકત અને જાણ કરવામાં આવતા અરેરાટી મચી ગઇ છે.આ અંગે મૃતકના પરિવારજન દ્વારા એક વીડિયો પણ જાહેર કરવામાં આવ્યો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના ગોંડલ રોડ મક્કમ ચોક પાસે આવેલી રાજ પાઉભાંજીમાં કામ કરતા અને વિજય પ્લોટ શેરી.18માં રહેતા મૂળ ઉત્તરપ્રદેશના વતની સંતોષ ધીરેનકુમાર રાવ(ઉં.વ.18) અને સુનિલકુમાર બજરંગી વર્મા(ઉં.વ.20) બન્ને મધરાત્રે બેથી અઢી વાગ્યે દુકાનેથી કામ પૂરું કરી પરત ઘરે જતા હતા. ત્યારે દુકાનથી થોડે દૂર પહોંચતા ગોંડલ રોડ પરથી પૂર ઝડપે આવી રહેલી આઈ-20 કારના ચાલકે બન્ને યુવકને ઠોકરે લેતા બંને 15 ફૂટ સુધી ફંગોળાયા હતા અને તેમજ અકસ્માતની ઘટનાથી આજુબાજુના લોકો એકઠા થઇ ગયા હતા. તેમજ અકસ્માત સર્જનાર કાર ચાલક સહિત ત્રણેય ત્યાંથી નાસી ગયા હતા. ઘટનાને પગલે પોલીસ દોડી આવી હતી અને જરૂરી કાર્યવાહી બાદ 108ને જાણ કરી હતી. બાદમાં બન્નેના મૃતદેહને પીએમ માટે 108 મારફત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવ બનતાં જ મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા અને કારચાલક સામે રોષ ઠાલવી રહ્યા હતા તેમજ કારના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. પોલીસે ગુનો નોંધી કારચાલકની શોધખોળ હાથ ધરી છે. કારની સ્પીડ એટલી હતી કે રોડની સાઇડમાં ઊભા વીજ ટ્રાન્સફોર્મરને પણ ત્રાસું નાખ્યું હતું. જો વીજ ટ્રાન્સફોર્મર ધરાશાયી થાત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે એમ હતી, પરંતુ વીજ ટ્રાન્સફોર્મર ત્રાસું જ થયું હતું.