
યુક્રેન-રશિયા યુદ્ધઃ વધુ એક ભારતીય વિદ્યાર્થીને ગોળી વાગી
નવી દિલ્હીઃ યુક્રેનમાં રશિયાની સૈન્ય કાર્યવાહી દરમિયાન ગોળીબારમાં તાજેતરમાં જ ભારતીય વિદ્યાર્થીના મોત ઘટના હજુ ભુલાઈ નથી. ત્યાં વધુ એક ભારતીય વિદ્યાર્થી ગોળીબારમાં ઘાયલ થયો હોવાનું જાણવા મળે છે. યુક્રેનની રાજધાની કિવમાં વિદ્યાર્થી ગોળીબારમાં ઘાયલ થયાનું જાણવા મળે છે. સારવાર અર્થે તેને હોસ્પિટલ લઈ જવાયો હતો.
કેન્દ્રીય મંત્રી વીકે સિંહે જણાવ્યું હતું કે યુક્રેનની રાજધાની કિવમાં એક ભારતીય વિદ્યાર્થીને કથિત રીતે ગોળી મારી દેવામાં આવી હતી. મંત્રીના જણાવ્યા અનુસાર, વિદ્યાર્થી કિવથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે તે ફાયરિંગમાં ઘાયલ થયો હતો. આ પછી તેમને શહેરમાં પાછા લઈ જવામાં આવ્યા અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. જનરલ વીકે સિંહે કહ્યું, “અમે એવા અહેવાલો સાંભળ્યા છે કે કિવ છોડી રહેલા વિદ્યાર્થીને ગોળી મારી દેવામાં આવી છે. તેને કિવ પરત લઈ જવામાં આવ્યો. આ બધું યુદ્ધની વચ્ચે થઈ રહ્યું છે.”
યુદ્ધગ્રસ્ત યુક્રેનમાંથી ભારતીયોને બહાર કાઢવાની દેખરેખ માટે યુક્રેનના પાડોશી દેશોમાં વિશેષ દૂત તરીકે મોકલવામાં આવેલા ચાર મંત્રીઓમાં જનરલ સિંહ એક છે. રશિયન સેના યુક્રેનમાં તબાહી મચાવી રહી છે. રશિયાએ યુક્રેનના મોટા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર પણ હુમલો કર્યો છે, જેના કારણે તે પ્લાન્ટમાં આગ લાગી છે. યુક્રેનના વિદેશ પ્રધાન દિમિત્રો કુલેબાએ પરમાણુ ઉર્જા પ્લાન્ટ પરના હુમલાને સમાપ્ત કરવાની હાકલ કરી હતી. તે જ સમયે, રશિયાએ ખાર્કિવના મોટાભાગના ભાગોને નિયંત્રિત કરી લીધા છે. જાનમાલને ઘણું નુકસાન થયું છે. ઘણી ઇમારતો અને વાહનોને ભારે નુકસાન થયું છે.