
યુક્રેન-રશિયા યુદ્ધઃ રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ નાટો ઉપર કર્યાં ગંભીર આક્ષેપ
નવી દિલ્હીઃ યુક્રેન અને રશિયા વચ્ચે સતત 27 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપબતિ ઝેલેન્સકીએ રશિયા અને નાટો સામે ગંભીર આક્ષેપ કર્યાં હતા. યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, આ યુદ્ધને સમાપ્ત કરવા માટે કોઈપણ શરતે અને કોઈપણ સંજોગોમાં રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે વાતચીત જરૂરી છે. ઝેલેન્સકીએ કહ્યું, ‘મને લાગે છે કે મીટિંગ વિના તેઓ યુદ્ધને શું રોકવા માગે છે તે સંપૂર્ણપણે સમજવું અશક્ય છે.’ ઝેલેન્સકીએ ભૂતકાળમાં કહ્યું હતું કે યુદ્ધ વાતચીત વિના સમાપ્ત થઈ શકે નહીં.
રશિયા અને યુક્રેનના પ્રતિનિધિઓએ અનેક તબક્કામાં વાતચીત કરી છે પરંતુ હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. આ યુદ્ધ શરૂ થયાને 27 દિવસ વીતી ગયા છે. દરમિયાન, વોલોડીમીર ઝેલેન્સકીએ નાટોને પણ પ્રશ્ન કર્યો છે કે શું તેણે સ્પષ્ટ કરવું જોઈએ કે તેઓ યુક્રેનને તેમના જોડાણમાં સ્થાન આપી શકશે કે કેમ. નાટોને ખુલ્લીને કહેવું જોઈએ કે, તે રશિયાથી ડરે છે.
યુક્રેનનું કહેવું છે કે રશિયાએ સુમી શહેરની બહાર એક કેમિકલ પ્લાન્ટ પર બોમ્બ ફેંક્યા હતા. રાત્રે રશિયન બોમ્બમારાથી પ્લાન્ટમાં એમોનિયા ગેસ લીક થવા લાગ્યો હતો. ગેસ લીકેજની ઘટના ઉપર કાબુ મેળવવામાં કલાકો લાગ્યાં હતા. રશિયાનું કહેવું છે કે, યુક્રેન ખોટા આરોપો લગાવી રહ્યું છે. યુક્રેનના રિવનેમાં એક સૈન્ય તાલીમ કેન્દ્ર પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં 80થી વધુ જવાનો શહીદ થયા હતા. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને પગલે યુક્રેનમાંથી અનેક લોકો દેશ છોડીને પલાયન થયાં છે.