
યુક્રેન યુદ્ધ સંસ્થાનવાદી વિચારસરણીનું પરિણામઃ વ્લાદિમીર પુતિન
નવી દિલ્હીઃ યુક્રેન અને રશિયા વચ્ચે છ મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન અમેરિકા સહિતના દેશોએ રશિયા સામે આકરા પ્રતિબંધ ફરમાવ્યાં છે. બીજી તરફ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પશ્ચિમી દેશો ઉપર આકરા પ્રહાર કર્યાં હતા.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું હતું કે, પશ્ચિમી દેશ યુક્રેન પર “ખતરનાક, લોહિયાળ અને ગંદી” રમત રમી રહ્યું છે. પશ્ચિમી દેશોની આ હરકતને દુનિયા સમજવા લાગી છે. સમગ્ર વિશ્વમાં સત્તા કબજે કરવા માટે પશ્ચિમી દેશોની રમત ખુલી પડી ગઈ છે. અમેરિકા અને તેના સાથીઓએ આખરે રશિયા સાથે વાત કરવી પડશે.
યુક્રેન અને રશિયા વચ્ચે તનાવગ્રસ્ત સ્થિતિ વચ્ચે વાલ્ડાઈ ડિસ્કશન ક્લબ સાથે વાત કરતાં પુતિને કહ્યું કે ‘પશ્ચિમ સંસ્થાનવાદથી આંધળું થઈ ગયું છે અને બાકીના વિશ્વને આત્મસાત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની સંરચનામાં વૈશ્વિક વિવિધતાને પ્રતિબિંબિત કરવી જોઈએ.’
પુતિને કહ્યું કે ‘રશિયા ન તો નાશ પામ્યું છે અને ન તો ભૂરાજનીતિના નકશામાંથી નાબૂદ થશે. તમામ સંસ્કૃતિઓમાં હવે લોકશાહી વિકાસની તકો છે. યુક્રેન યુદ્ધ સંસ્થાનવાદી વિચારસરણીનું પરિણામ છે. જેના કારણે યુક્રેનને હવે ભારે નુકસાન થઈ રહ્યું છે.’