ઇસ્લામાબાદમાં અઘોષિત કટોકટી: અમેરિકા-ઈરાન બેઠક માટે હજારો નાગરિકો ઘરોમાં કેદ
ઈસ્લામાબાદ, 10 એપ્રિલ 2026: વિશ્વ સ્તરે પોતાની છબી સુધારવા મથી રહેલા પાકિસ્તાને અમેરિકા અને ઈરાન વચ્ચેની મહત્વપૂર્ણ બેઠક પહેલા ઇસ્લામાબાદના હજારો નાગરિકોને તેમના જ ઘરોમાં ‘બંધ’ કરી દીધા છે. શનિવાર, 11 એપ્રિલના રોજ ઇસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ (સીઝફાયર) અંગેની બેઠક યોજાવાની છે. આ બેઠકમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સ અને ઈરાનના સ્પીકર મોહમ્મદ બાઘેર ગાલિબફ હાજર રહેવાના છે, જેમની સુરક્ષાના નામે સમગ્ર ઇસ્લામાબાદને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે.
મીડિયા રિપોર્ટ્સ અને સ્થાનિક અખબાર ‘ડોન’ મુજબ, કડક નાકેબંધીને કારણે સામાન્ય જનજીવન સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયું છે. પોલીસ દ્વારા ગલી-મહોલ્લા અને નાકાઓ પર જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે. રસ્તાઓ પર આવેલી તમામ દુકાનો બળજબરીથી બંધ કરાવી દેવામાં આવી છે. શહેરની શાહ ખાલિદ કોલોની, એરપોર્ટ હાઉસિંગ સોસાયટી અને ફૈઝલ કોલોની જેવા વિસ્તારોમાં રહેતા લોકોનું કહેવું છે કે, તેઓ પોતાના જ ઘરમાં કેદી જેવી જિંદગી જીવી રહ્યા છે.
ઇસ્લામાબાદના રહેવાસીઓ પાયાની જરૂરિયાતો માટે પણ વલખા મારી રહ્યા છે. શાહ ખાલિદ કોલોનીના રહેવાસી મોહમ્મદ ઝફરે જણાવ્યું હતું કે, “અમારા વિસ્તારમાં પાણીના ટેન્કર આવવા દેવામાં આવતા નથી, જેના કારણે પીવાના પાણીની તીવ્ર અછત સર્જાઈ છે.” બીજી તરફ, હોસ્પિટલો અને દવાની દુકાનો પણ બંધ કરાવી દેવામાં આવતા દર્દીઓની હાલત કફોડી બની છે. ગુલઝાર-એ-કાયદના રહેવાસી મોહમ્મદ રિઝવાનના જણાવ્યા અનુસાર, “દવાઓની દુકાનો બંધ હોવાથી ગંભીર દર્દીઓ માટે જીવન-મરણનો પ્રશ્ન ઊભો થયો છે.”
પાકિસ્તાન સરકારે સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે ઇસ્લામાબાદમાં 11,000 થી વધુ જવાનોને તૈનાત કર્યા છે. જે સેરેના હોટલમાં બેઠક યોજાવાની છે તેની આસપાસના 3 કિલોમીટરના વિસ્તારને સંપૂર્ણપણે ‘નો-ગો ઝોન’ જાહેર કરવામાં આવ્યો છે. વહીવટીતંત્રે સમગ્ર વિસ્તારમાં કલમ 144 લાગુ કરી દીધી છે. પાકિસ્તાન પોલીસની સાથે પંજાબ અને સિંધ પોલીસ તેમજ સેનાના જવાનોને પણ વીઆઈપી સુરક્ષામાં લગાડવામાં આવ્યા છે.
પાકિસ્તાની સુરક્ષા દળો ઉપરાંત અમેરિકી સુરક્ષા સેવાના જવાનો પણ ઇસ્લામાબાદમાં સક્રિય થઈ ગયા છે. ‘બ્લુ બુક’ ના નિયમોના આધારે સુરક્ષાની દેખરેખ રાખવામાં આવી રહી છે. પોલીસના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પરથી શેર કરવામાં આવેલી પોસ્ટમાં જવાનો દુકાનો બંધ કરાવતા જોવા મળી રહ્યા છે, જેને પગલે સોશિયલ મીડિયા પર પાકિસ્તાન સરકારની ટીકા થઈ રહી છે.


