
ખેડાના ઉંધેલા ગામે આરોપીઓને જાહેરમાં મારમારતા ચાર પોલીસ કર્મચારીઓ સામે આરોપો ઘડાયા,
અમદાવાદઃ ખેડા જિલ્લાના ઉંધેલા ગામે ગત વર્ષે ઑક્ટોબર 2022માં નવરાત્રિ દરમિયાન, ગરબા કાર્યક્રમ દરમિયાન પથ્થરમારાનો બનાવ બનતા પોલીસે કાર્યવાહી કરીને મુસ્લિમ સમાજના 13 આરોપીઓની ધરપકડ કરી હતી. અને આરોપીઓને ગામના જાહેર મેદાનમાં ઉભા રાખીને લાકડીઓ વડે માર માર્યો હતો. તેના ફોટા અને વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયા હતા.આ મામલો હાઈકોર્ટમાં પહોંચતા આરોપીઓને જાહેરમાં માર મારવાના કેસમાં હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. આ કેસમાં હાઈકોર્ટે ચાર પોલીસ કર્મચારીઓ સામે આરોપો ઘડ્યા છે. કોર્ટે તેમના બચાવનો જવાબ 11 ઓક્ટોબર સુધીમાં માંગ્યો છે
ખેડા જિલ્લાના ઉંઘેલા ગામે ગયા વર્ષે નવરાત્રિના કાર્યક્રમ દરમિયાન પથ્થરમારાના આરોપીઓને જાહેરમાં માર મારવાના કારણે પોલીસ કર્મચારીઓની મુશ્કેલીઓ વધી છે. જાહેરમાં યુવકોને થાંભલા સાથે ઊભા રાખીને માર મારનારા પોલીસકર્મીઓ સામે હાઈકોર્ટે આરોપો ઘડ્યા છે. ગત વર્ષે નવરાત્રિના કાર્યક્રમમાં વિક્ષેપ પાડવા અને પથ્થરમારો કરવાના આરોપસર કેટલાક યુવાનોને પોલીસે તાલિબાની સ્ટાઈલમાં થાંભલા પર ઉભા કરી જાહેરમાં માર માર્યો હતો. ખેડા પોલીસ દ્વારા માર મારવાના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. આ પછી તત્કાલિન ડીજીપી આશિષ ભાટિયાએ તપાસના આદેશ આપ્યા હતા. આ સાથે આ મામલો હાઈકોર્ટમાં પણ પહોંચ્યો હતો.
ગુજરાત હાઈકોર્ટે આ મામલે કડકાઈ દાખવતા ખેડા પોલીસના કર્મચારીઓ એ.વી.પરમાર, ડી.બી. કુમાવત, કનકસિંહ લક્ષ્મણસિંહ અને રાજુ રમેશભાઈ ડાભી સામે યુવકોને જાહેરમાં માર મારવા બદલ આરોપો ઘડ્યા છે. પોલીસ કર્મચારીઓને 11મી ઓક્ટોબર સુધીમાં તેમના બચાવમાં એફિડેવિટ દાખલ કરવા સુચના આપવામાં આવી છે. હાઈકોર્ટે આ મામલે કડક વલણ અપનાવ્યું છે અને ચાર પોલીસ કર્મચારીઓ સામે આરોપો ઘડ્યા છે. (File photo)