
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ઉતર-પૂર્વના પ્રવાસે,આઠ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે
- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ઉતર-પૂર્વ પ્રવાસ
- આઠ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કરશે બેઠક
- શાહની મુલાકાતને લઇ સુરક્ષા વધુ કડક બનાવાય
મેઘાલય : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શનિવારે શિલાંગમાં ઉત્તર-પૂર્વના આઠ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે. શાહ અહીં બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે. શુક્રવારે એક અધિકારીએ આ માહિતી આપી હતી. આ સમય દરમિયાન શાહની મેઘાલયમાં કેટલીક સત્તાવાર કામગીરી પણ છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
ઉત્તર-પૂર્વી રાજ્યોમાં આસામ, મેઘાલય, ત્રિપુરા, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે હાલમાં અસમ વિવિધ કારણોસર અરુણાચલ, મેઘાલય, નાગાલેન્ડ અને મિઝોરમ સાથે સીમા વિવાદ ચાલી રહ્યો છે. બેઠકમાં આ મુદ્દા પર ચર્ચા થઈ શકે છે.
શાહના કાર્યક્રમની વિગતો આપતાં અધિકારીઓએ જણાવ્યું હતું કે, તેઓ શિલાંગની સીમમાં મોઇંગ ખાતે ઇન્ટર-સ્ટેટ બસ ટર્મિનસ અને ન્યુ શિલાંગ ટાઉનશીપ ખાતે એક ક્રાયોજેનિક પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. ગૃહમંત્રી રવિવારે સોહરાની પણ મુલાકાત લેવાના છે.
અહીં તેઓ વનીકરણ પરિયોજના અને ગ્રેટર સોહરા પાણી પુરવઠા યોજનાનું ઉદ્દઘાટન કરશે. આ ઉપરાંત તે રામકૃષ્ણ મિશન આશ્રમની પણ મુલાકાત લેશે. સોહરા શિલોંગથી 65 કિ.મી. દક્ષિણમાં છે. જ્યારે હવામાન સ્પષ્ટ હોય ત્યારે બાંગ્લાદેશના મેદાનોનો નજારો અહીંથી લઈ શકાય છે.
કેન્દ્રીય ગૃહમંત્રીની મુલાકાતને ધ્યાનમાં રાખીને અહીં સુરક્ષા વધુ કડક બનાવવામાં આવી છે. એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે,અમિત શાહની મુલાકાતને ધ્યાનમાં રાખીને અહીંની પોલીસ અને અર્ધલશ્કરી દળોને સજાગ રહેવા કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત શહેરમાં સર્વેલન્સને મજબુત બનાવવા અને વધારવા પણ સુચના આપવામાં આવી છે.