ઉન્નાવ દુષ્કર્મ કેસ: સેંગરની મુક્તિ સુપ્રીમ કોર્ટે અટકાવી, દિલ્હી હાઈકોર્ટના આદેશ પર સ્ટે
નવી દિલ્હી, 29 ડિસેમ્બર 2025: ઉન્નાવ દુષ્કર્મ કેસમાં દોષિત જાહેર થયેલા ભાજપના પૂર્વ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરની મુશ્કેલીઓમાં ફરી વધારો થયો છે. સુપ્રીમ કોર્ટે સોમવારે દિલ્હી હાઈકોર્ટના તે આદેશ પર રોક લગાવી દીધી છે, જેમાં સેંગરની આજીવન કેદની સજાને સ્થગિત કરવામાં આવી હતી. ચીફ જસ્ટિસની આગેવાની હેઠળની બેન્ચે સેંગરને નોટિસ જારી કરી જવાબ માંગ્યો છે.
- CBIની અરજી પર સુપ્રીમ કોર્ટનું આકરુ વલણ
દિલ્હી હાઈકોર્ટે ગત 23 ડિસેમ્બરે માનવતાવાદી ગ્રાઉન્ડ પર કુલદીપ સિંહ સેંગરની સજા સ્થગિત કરી તેને જામીન આપ્યા હતા. હાઈકોર્ટના આ નિર્ણયને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) એ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. CBIની દલીલો સાંભળ્યા બાદ શીર્ષ અદાલતે હાઈકોર્ટના આદેશ પર હાલ પૂરતી રોક લગાવી દીધી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ મામલે વિગતવાર નિર્ણયની રાહ જોવાઈ રહી છે.
આ પણ વાંચોઃ દિલ્હી-NCRમાં પ્રદૂષણ અને ધુમ્મસનો બેવડો માર: AQI 500ની નજીક
બીજી તરફ, રવિવારે ઉન્નાવ દુષ્કર્મ પીડિતા અને તેની માતાએ દિલ્હીના જંતર-મંતર ખાતે સેંગરને મળેલા જામીન વિરુદ્ધ દેખાવો કર્યા હતા. હાથમાં બેનરો અને સૂત્રોચ્ચારો સાથે પીડિતાએ સુરક્ષાની માંગણી કરી હતી. પીડિતાની માતાએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, “અમારા પર કેસ પાછો ખેંચવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. અમને સુપ્રીમ કોર્ટ પર પૂરો ભરોસો છે કે ત્યાંથી ન્યાય મળશે.”
પીડિતાએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને અપીલ કરતા કહ્યું કે, “મને એવી સુરક્ષા આપવામાં આવે જેથી હું કોઈપણ ડર વગર મારી કાયદાકીય લડાઈ લડી શકું.” પીડિતાએ પોતાની અને પરિવારની જાનનું જોખમ હોવાની આશંકા પણ વ્યક્ત કરી છે. એડવોકેટ અંજલિ પટેલ અને પૂજા શિલ્પકાર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓ પર પણ આગામી સમયમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.
ઉન્નાવ દુષ્કર્મ કેસ દેશના સૌથી ચર્ચિત અને સંવેદનશીલ કેસોમાંનો એક છે. 2017માં થયેલા આ દુષ્કર્મ બાદ લાંબી કાયદાકીય લડત બાદ કુલદીપ સિંહ સેંગરને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. હવે સુપ્રીમ કોર્ટનો આ વલણ કેસમાં અત્યંત મહત્વનો વળાંક માનવામાં આવી રહ્યો છે.


