અમેરિકાનો વેનેઝુએલા પર હુમલો, કારાકાસમાં સૈન્ય મથકો-નેવી બેઝ પર બોમ્બમારો
વોશિંગ્ટન, 3 જાન્યુઆરી 2026: શનિવારની વહેલી સવારે અમેરિકી દળોએ વેનેઝુએલા પર મોટો લશ્કરી હુમલો કર્યો હોવાના સમાચારથી સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે. અમેરિકાએ વેનેઝુએલાની રાજધાની કારાકાસ સ્થિત મુખ્ય મિલિટરી બેઝ અને નેવી બેઝને નિશાન બનાવીને શ્રેણીબદ્ધ ધડાકા કર્યા છે. પેન્ટાગન દ્વારા કરવામાં આવેલા આ હુમલામાં રક્ષા મંત્રીના નિવાસસ્થાનને પણ નિશાન બનાવવામાં આવ્યું હોવાના અહેવાલ છે.
સ્થાનિક સમય મુજબ રાત્રે આશરે 1.50 વાગ્યે કારાકાસમાં ભયાનક ધડાકા સંભળાયા હતા. સીએનએન (CNN) ના રિપોર્ટરના જણાવ્યા અનુસાર, એક ધડાકો એટલો જોરદાર હતો કે આસપાસની ઇમારતોની બારીઓ પણ હલી ગઈ હતી. ધડાકા બાદ કારાકાસના આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા અને અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. ડરના માર્યા લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ જ વેનેઝુએલાને ગંભીર પરિણામોની ચેતવણી આપી હતી. ટ્રમ્પ પ્રશાસનનો આરોપ છે કે નિકોલસ માદુરોની સરકાર ડ્રગ કાર્ટેલ ચલાવે છે. અમેરિકી સેનાએ કેરેબિયન અને પેસિફિક મહાસાગરમાં ડ્રગની હેરાફેરી કરતી બોટ પર હુમલા કર્યા છે, જેમાં અત્યાર સુધી 107 લોકોના મોત થયા છે. ટ્રમ્પ માદુરો પર સત્તા છોડવા માટે દબાણ કરી રહ્યા છે અને ઓક્ટોબરમાં જ CIA ને ઓપરેશનની મંજૂરી આપી દીધી હતી.
વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોએ અમેરિકાના તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમનું કહેવું છે કે, “અમેરિકા ડ્રગ્સના બહાને વેનેઝુએલાના વિશ્વના સૌથી મોટા તેલના ભંડાર અને ખનિજ સંસાધનો પર કબજો કરવા માંગે છે.” માદુરોએ સ્પષ્ટ કર્યું છે કે આ તેમની સરકારને તોડી પાડવાનું અમેરિકાનું ષડયંત્ર છે. આ હુમલા બાદ હજુ સુધી વ્હાઇટ હાઉસ કે વેનેઝુએલા સરકાર તરફથી કોઈ સત્તાવાર વિસ્તૃત નિવેદન આવ્યું નથી. જોકે, કારાકાસના આકાશમાં અમેરિકી વિમાનોની ગર્જના અને નેવી બેઝ પર થયેલા હુમલાએ દક્ષિણ અમેરિકામાં મોટા યુદ્ધની આશંકા જન્માવી છે.


