અમેરિકા ભારતને ચોલ કાળની ત્રણ દુર્લભ કાંસ્ય મૂર્તિઓ પરત કરશે
નવી દિલ્હી, 29 જાન્યુઆરી 2026: ભારતની સાંસ્કૃતિક ધરોહરને પરત લાવવાના પ્રયાસોમાં મોટી સફળતા મળી છે. અમેરિકાનું પ્રતિષ્ઠિત ‘નેશનલ મ્યુઝિયમ ઓફ એશિયન આર્ટ – સ્મિથસોનિયન ઇન્સ્ટિટ્યુશન’ દાયકાઓ પહેલા તમિલનાડુના મંદિરોમાંથી ચોરી થયેલી ત્રણ ઐતિહાસિક કાંસ્ય મૂર્તિઓ ભારતને પરત કરશે. આ મૂર્તિઓમાં ચોલ કાળ અને વિજયનગર સામ્રાજ્યની અદભૂત કલાકૃતિઓનો સમાવેશ થાય છે. પરત કરવામાં આવનારી મૂર્તિઓ દક્ષિણ ભારતીય કાંસ્ય કલાના શ્રેષ્ઠ ઉદાહરણો છે.
- કઈ ત્રણ મૂર્તિઓ ભારત પરત આવશે?
નટરાજ: ચોલ કાળની મૂર્તિ (આશરે વર્ષ 990).
સોમસ્કંદ: ચોલ કાળની મૂર્તિ (12મી સદી).
સંત સુંદર અને પરાવઈ: વિજયનગર કાળની મૂર્તિ (16મી સદી).
મ્યુઝિયમે સ્પષ્ટતા કરી છે કે ભારત સરકાર સાથે થયેલી વિશેષ સમજૂતી હેઠળ ‘શિવ નટરાજ’ની મૂર્તિ લાંબા ગાળાના લોન પર અમેરિકામાં જ રહેશે. મ્યુઝિયમ આ મૂર્તિ પ્રદર્શિત કરવાનું ચાલુ રાખશે, પરંતુ તેની સાથે આ મૂર્તિ કેવી રીતે ગેરકાયદેસર રીતે વિદેશ લઈ જવામાં આવી અને તેની ભારતને સોંપણીની સમગ્ર વિગત જાહેર કરવામાં આવશે. વર્ષ 2023માં થયેલા સંશોધનમાં પુષ્ટિ થઈ હતી કે આ ત્રણેય મૂર્તિઓ વર્ષ 1956 થી 1959 દરમિયાન તમિલનાડુના વિવિધ મંદિરોમાં લેવામાં આવેલી તસવીરોમાં જોવા મળી હતી. નટરાજની મૂર્તિ તિરુતુરાઈપુંડીના શ્રી ભવ ઔષધેશ્વર મંદિરની હતી, જે 2002માં એક ગેલેરી પાસેથી ખરીદવામાં આવી હતી. તપાસમાં ખબર પડી કે ગેલેરીએ નકલી દસ્તાવેજો રજૂ કર્યા હતા. સોમસ્કંદ મૂર્તિ અલત્તુર ગામના વિશ્વનાથ મંદિરની હતી. જ્યારે સંત સુંદરર મૂર્તિ વીરસોલાપુરમ ગામના શિવ મંદિરની હતી.
ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) એ પણ આ તથ્યોની સમીક્ષા કરી પુષ્ટિ કરી હતી કે આ મૂર્તિઓ ભારતીય કાયદાનું ઉલ્લંઘન કરીને અમેરિકા લઈ જવામાં આવી હતી. મ્યુઝિયમના ડિરેક્ટર ચેઝ એફ. રોબિન્સને જણાવ્યું હતું કે, “અમે સાંસ્કૃતિક ધરોહરને જવાબદારી અને પારદર્શિતા સાથે સંભાળવા માટે કટિબદ્ધ છીએ. આ મૂર્તિઓની વાપસી અમારા નૈતિક મૂલ્યોનું પ્રમાણ છે. અમે ભારત સરકારના આભારી છીએ કે તેમણે અમને શિવ નટરાજની મૂર્તિ પ્રદર્શિત કરવાની મંજૂરી આપી.” સ્મિથસોનિયન સંસ્થા વિશ્વનું સૌથી મોટું મ્યુઝિયમ સંકુલ છે. ભારત લાંબા સમયથી પોતાની ચોરાયેલી પ્રાચીન કલાકૃતિઓ પરત મેળવવા માટે વૈશ્વિક સ્તરે લડત ચલાવી રહ્યું છે, જેમાં આ એક મહત્વની જીત માનવામાં આવે છે.
આ પણ વાંચોઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાસણગીરમાં વનકર્મીઓ માટેના 183 વાહનોને ફ્લેગ ઓફ કરાવ્યું


