
ઉત્તરપ્રદેશઃ ફતેહપુર નજીક બે ટ્રેન વચ્ચે અકસ્માત, 17 કર્મચારીઓ ઈજાગ્રસ્ત
લખનૌઃ ઉત્તરપ્રદેશના ફતેહપુર જિલ્લામાં ખાગા રેલવે સ્ટેશન નજીક બે સર્વિસ ટ્રેનો વચ્ચે ટક્કર થઈ હતી. જેથી રેલવેના અધિકારીઓ અને કર્મચારીઓ દોડતા થઈ ગયા હતા. આ અકસ્માતમાં 17 જેટલા કર્મચારીઓને ઈજા થઈ હતી. જીએમઆર કંપનીની લોકો માલગાડી અને એલએનટી ટાવર કાર વચ્ચે અકસ્માત સર્જોય હતો. ઈજાગ્રસ્ત તમામ કર્મચારીઓ બાયપાસ રેલવે લાઈનના કાર્યમાં જોડાયેલા હતા. ઈજાગ્રસ્ત પૈકી આઠની હાલત નાજુક હોવાનું જાણવા મળે છે.
સુત્રોના જણાવ્યા અનુસાર એલએનટી ગાડીમાં સવાર થઈને ટ્રેક ચેક કરવાની કામગીરી કરવામાં આવી હતી. આ દરમિયાન અપ લાઈનમાં બંને ટ્રેન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. લોકો માલગાડી રેલવેના પાટાને પ્રયાગરાજથી કાનપુર તરફ લઈ જતી હતી. અકસ્માતમાં ઘવાયેલા કર્મચારીઓને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં લઈ જવાયાં હતા. ફતેહપુર જિલ્લાના ખાગા રેલવે સ્ટેશનના ભીટ બાબાથી પુરવા ગામ પાસે નવી ટ્રેક લાઈન ઉપર સર્વિસ લાઈનનું કામ ચાલી રહ્યું છે. આ દરમિયાન બે ટ્રેન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ બનાવની જાણ થતા પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમ તાત્કાલિસ સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ બચાવ કામગીરી હાથ ધરી હતી. આઠ ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. રેલવે વિભાગ દ્વારા બે ટ્રેન વચ્ચે થયેલા અકસ્માતની તપાસ શરૂ કરવામાં આવી છે.