
ઉતરપ્રદેશ: કોંગ્રેસ સાંસદ શશી થરૂર સહિત 7 લોકો સામે એફઆઇઆર: કોમી હિંસા ફેલાવવા વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
- કોંગ્રેસ સાંસદ શશી થરૂર સહિત 7 લોકો સામે એફઆઇઆર
- ખોટા સમાચાર અને કોમી હિંસા ફેલાવવા વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
- રાજદ્રોહ સહિતની કલમો હેઠળ કેસ દાખલ
ઉત્તરપ્રદેશ પોલીસે કોંગ્રેસના સાંસદ શશી થરૂર, ન્યૂઝ એન્કર રાજદીપ સરદેસાઇ સહિત સાત લોકો સામે કેસ દાખલ કર્યો છે. નોઇડાના સેક્ટર 20 પોલીસ સ્ટેશનમાં આ લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. અર્પિત મિશ્રા નામના વ્યક્તિએ આ લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી, તેમણે કહ્યું કે, “આ નામાંકિત લોકોએ 26 જાન્યુઆરીએ ખોટી પોસ્ટ કરી હતી અને રમખાણો ઉશ્કેરવાનું કાવતરું રચ્યું હતું.”
તેમની સામે આઇપીસીની કલમ 153 એ, 153 બી ,295-એ સહિતના અનેક કલમો લાદવામાં આવ્યા છે. 26 જાન્યુઆરીએ થયેલી હિંસામાં કોંગ્રેસના સાંસદ શશી થરૂર, પત્રકાર રાજદીપ સરદેસાઈ, પત્રકાર મૃણાલ પાંડે, પત્રકાર ઝફર આગા, પરેશનાથ, અનંતનાથ, વિનોદ સામે એફઆઇઆર નોંધવામાં આવી છે.
નોંધપાત્ર વાત એ છે કે, ટ્રેક્ટર પરેડ દરમિયાન દેશના વારસોને નુકસાન પહોંચ્યું છે.આ હિંસામાં કરોડોની સંપત્તિને નુકસાન થયું છે તેમજ 394 પોલીસ જવાન ઘાયલ થયા છે.
દિલ્હી પોલીસ તરફથી નોંધાવેલી એફઆઇઆરમાં સ્પષ્ટ રીતે લખ્યું છે કે, દેશ અને દેશની બહારના તમામ આયોજકો અથવા વ્યક્તિઓની ભૂમિકાની તપાસ કરવામાં આવશે. આ કેસની તપાસ દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ કરશે. સૂત્રોના જણાવ્યા મુજબ, નોંધાયેલી એફઆઇઆરમાં સ્પષ્ટ લખ્યું છે કે, આ સમગ્ર હિંસા એક મોટા ષડયંત્ર હેઠળ કરવામાં આવી છે.
એફઆઇઆરમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, તેમના ટ્વિટ દ્વારા બનાવેલા માહોલને કારણે પ્રદર્શનકારીઓ લાલ કિલ્લા પર પહોંચ્યા હતા અને ધાર્મિક અને અન્ય ધ્વજ લહેરાવ્યા હતા. ભારતના ઇતિહાસમાં આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના માટે નામાંકિતો સંપૂર્ણપણે જવાબદાર છે.
દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ, હિંસાના આ કેસમાં અત્યાર સુધીમાં 33 એફઆઇઆર નોંધાઇ ચૂકી છે, જેમાંથી 9 કેસની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી છે. જેમાં ક્રાઇમ બ્રાંચની ટીમ સમય પુર બાદલી, કોતવાલી, આઇ પી એસ્ટેટ, નાંગલોઇ, બાબા હરિદાસ નગર, નજફગઢ, પાંડવ નગરમાં આ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસોની તપાસ કરશે.
-દેવાંશી