
વડોદરાઃ કંપનીમાં બોઈલર બ્લાસ્ટ કેસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ
- કંપનીના બે ડાયરેક્ટની પોલીસે ધરપકડ કરી
- સમગ્ર ઘટનામાં કંપની સંચાલકોની બેદરકારી સામે આવી
- પોલીસે તપાસનો ધમધમાટ તેજ બનાવ્યો
અમદાવાદઃ વડોદરાની એક કંપનીમાં બોઈલ બ્લાસ્ટ થતા સર્જાયેલી દુર્ઘટનામાં એક બાળકી અને મહિલા મળીને ચાર વ્યક્તિના મોત થયાં હતા. આ કેસમાં પોલીસે તપાસ કરતા ચોંકાવનારો ખુલાસો થયો છે. કંપનીમાં મશીનરી લેઆઉટ પ્લાન મુજબ બોઇલર શેડ નજીક સ્ટોરરૂમ દર્શાવવામાં આવ્યો હતો. જો કે, કંપનીના સંચાલકોએ અહીં ઓરડીઓ બનાવીને શ્રમજીવીઓને રહેવા આપી હતી. પોલીસે આ પ્રકરણમાં કંપનીના બે ડાયરેક્ટર્સની ધરપકડ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાની એક કંપનીમાં બોઈલર ફાટવાની ઘટના બની હતી. જેમાં ચારના મોત અને 11 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા. આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ હાથ ધર્યો હતો. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. તેમજ કંપનીના સંચાલકોની બેદરકારી સામે આવી હતી. જેથી કંપનીના ડાયરેક્ટર અંકિત પટેલ અને તેજસ પટેલની ધરપકડ કરવામાં આવી હતી. તેમજ તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે બંનેની ધરપકડ કર્યા પહેલા કોરોના રિપોર્ટ કરાવ્યો હતો. રિપોર્ટ નેગેટિવ આવ્યાં બાદ ધરપકડ કરવામાં આવી હતી.