1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કચ્છમાં વૈશાખી વાયરા, ભારે પવનને કારણે અનેક હોર્ડિંસ ઊડીને રસ્તાઓ પર પડ્યાં
કચ્છમાં વૈશાખી વાયરા, ભારે પવનને કારણે અનેક હોર્ડિંસ ઊડીને રસ્તાઓ પર પડ્યાં

કચ્છમાં વૈશાખી વાયરા, ભારે પવનને કારણે અનેક હોર્ડિંસ ઊડીને રસ્તાઓ પર પડ્યાં

0
Social Share

ભૂજઃ કચ્છમાં હાલ વૈશાખી વાયરાનું જોર ખૂબ વધી જવા પામ્યું છે, જેના કારણે અનેક સ્થળે જર્જરીત વીજતારને લઈ ભય પ્રસર્યો છે. રવિવારે જિલ્લા મથક ભુજમાં હમીરસર તળાવની પશ્ચિમ દિશાએ લાગેલા હોર્ડિંગ બોર્ડ ભારે પવનના કારણે તૂટી પડ્યા હતા. જેના કારણે નગરપાલિકાની ગ્રીલમાં પણ નુકશાન થયું હતું. જો કે આ ઘટનામાં સદભાગ્યે કોઈને ઇજા પહોંચી નથી. પરંતુ જાહેર માર્ગ પર હોર્ડિંગ ફંગોળાઈને તૂટી પડ્યાના અહેવાલ મળતા લોકોમાં ચિંતા ફેલાઈ હતી.

કચ્છમાં છેલ્લા ઘણા દિવસોથી આકરી ગરમીમાં શેકાયા બાદ છેલ્લા બે દિવસથી ફૂંકાતા વેગીલા વાયરાએ વંટોળ જેવો માહોલ સર્જી દીધો હતો. મહત્તમ તાપમાનમાં વધુ ત્રણથી ચાર ડિગ્રીનો ઘટાડો થતાં ગરમીમાં લોકોને મોટી રાહત મળી હતી. જો કે, વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતાં ઉકળાટ યથાવત્ રહ્યો હતો. હવામાન શાત્રીઓના કહેવા મુજબ  નૈઋત્યના ચોમાસાના પ્રારંભના કાઉન્ટ ડાઉન વચ્ચે પવનની વધેલી ગતિ પ્રી-મોન્સૂન એક્ટિવિટીનો જ એક ભાગ છે. આગામી સપ્તાહમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થાય એવા એંધાણ છે. જિલ્લામાં સરેરાશ 15થી 25 કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા પવનની ઝડપ એક સમયે વધીને કેટલાક વિસ્તારમાં 30 કિલોમીટર સુધી પહોંચી જતાં ધૂળિયો માહોલ છવાઈ ગયો હતો

કચ્છમાં ઉનાળાની સીઝનમાં  ઘણા લાંબા સમય પછી એવું બનવા પામ્યું કે, તમામ કેન્દ્રોમાં મહત્તમ પારો ગગડીને 40 ડિગ્રીથી નીચે ઊતર્યો હતો. ગરમીમાં ઘટાડો થયા લોકોએ રાહત અનુભવી હતી. ખાસ કરીને લૂ વર્ષાનો દોર થંભી ગયો, પણ સામાન્યથી વધુ ઝડપે ફૂંકાયેલા પવને વ્યાપક પ્રમાણમાં ધૂળની ડમરીઓ ઉડાડતાં વાહનચાલકો અને રાહદારીઓને પારાવાર હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. બપોરના સમયે પવનની ગતિ થોડી વધુ જોવા મળી હતી. દરિયાકાંઠા અને રણકાંઠા વિસ્તારોમાં પવનની ઝડપ અન્ય વિસ્તારોની તુલનાએ વધુ રહેતાં ધૂળિયો અને ધૂંધળો માહોલ છવાઈ ગયો હતો. રાપરમાં ગરમીનો પારો 40 ડિગ્રી નોંધાયો હતો. હવામાન વિભાગે આગામી ચારેક દિવસ સુધી પવનની ગતિ સામાન્યથી વધુ રહેવા સાથે ગરમીમાં રાહત મળવાનો સિલસિલો જળવાયેલો રહેવાની શકયતા દેખાડી છે. ભારે ઝડપે પવન ફૂંકાતાં ઝાડ-પાનની સાથે હોર્ડિંગ્સ હલબલી ઊઠયા હતા. હવામાન નિષ્ણાતોએ જણાવ્યું કે, હવે ગરમીનો આકરો દોર આવવાની શકયતા ખૂબ ઓછી છે, પણ હવે વરસાદી આડંગ સમાન બફારો અને ઉકળાટ વધુ પ્રમાણમાં અનુભવાશે

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code