વસુધૈવ કુટુંબકમ 4.0માં ત્રીજા દિવસે વ્યાપક વિચાર-વિમર્શઃ વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો
મુંબઈ, 18 જાન્યુઆરી, 2026: Vasudhaiva Kutumbakam 4.0 ઓગસ્ટ ક્રાંતિ મેદાન ખાતે આયોજિત ‘વસુધૈવ કુટુમ્બકમ કી ઓર‘ કોન્ક્લેવ અને પ્રદર્શનનો ત્રીજો દિવસ ઘણો નોંધપાત્ર રહ્યો. કાયદા ક્ષેત્રના નિષ્ણાતોએ કાયદાકીય ચર્ચા કરી તે ઉપરાંત વિદ્યાર્થી કેન્દ્રિત પ્રવૃત્તિઓમાં પણ યુવાનો ઉત્સાહપૂર્વક જોડાયા. સાથે જાહેર ચર્ચાના મંચ પર ઉપસ્થિત લોકોની સક્રિય ભાગીદારી જોવા મળી.
‘વસુધૈવ કુટુમ્બકમ’ પ્રદર્શન આખો દિવસ ખુલ્લું રહ્યું હતું અને મુલાકાતીઓની સંખ્યા પણ ઉત્સાહપ્રેરક રહી. મુલાકાતીઓએ ન્યાય અને શાશ્વત વિશ્વ વ્યવસ્થા માટે પ્રાચીન ભારતીય જ્ઞાનમાં રહેલા પરિવારના 12 શાશ્વત સિદ્ધાંતોની પ્રસ્તુતિ નિહાળી હતી. આ સાથે ભારતીય બંધારણના 75 વર્ષ પર આધારિત પ્રદર્શન પણ યોજાઈ રહ્યું છે, જેમાં સંયુક્ત પારિવારની સંગઠન ક્ષમતા, બંધારણીય સંતુલન, સામાજિક જવાબદારી અને નૈતિક શાસન જેવા વિષયો રજૂ કરવામાં આવ્યા.

વિદ્યાર્થીઓની સામેલગીરી ઉત્સાહપ્રેરક
આ કોન્ક્લેવ દરમિયાન વિદ્યાર્થીઓની ભાગીદારી મુખ્ય કેન્દ્રબિંદુ રહી હતી. આ માટે ખાસ તૈયાર કરવામાં આવેલા ‘સ્ટુડન્ટ એન્ગેજમેન્ટ ઝોન’ ખાતે મૂટ કોર્ટની સેમી-ફાઈનલ અને ફાઈનલ રાઉન્ડ યોજાયા હતા. કાયદાના વિદ્યાર્થીઓએ વકીલાત, કાયદાકીય તર્ક અને પ્રક્રિયાની સચોટતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. ફાઈનલ રાઉન્ડ બાદ સહભાગીઓના પ્રયત્નો અને શ્રેષ્ઠતાને બિરદાવવા માટે ઔપચારિક સન્માન સમારંભ પણ યોજાયો હતો, જેને કારણે સહભાગીઓનો ઉત્સાહ વધ્યો હતો.
કોન્ક્લેવના સ્થળે મથુરાદાસ હૉલ ખાતે ‘મૂળભૂત અધિકારો’ (Fundamental Rights) વિષય પર પેનલ-3 સાથે કાયદાકીય ચર્ચા વધુ વ્યાપક અને ફળદાયી બની હતી. આ સત્રમાં બોમ્બે હાઈકોર્ટના સિનિયર એડવોકેટો રફીક દાદા, ઝાલ અધ્યારુજીના, પ્રદીપ સંચેતી તથા ચેતન કાપડિયાએ મૂળભૂત અધિકારોના ઉદ્દભવ, અર્થઘટન અને વર્તમાન પડકારો પર વિગતવાર અને માર્ગદર્શક મંતવ્યો રજૂ કર્યા હતા. આ ચર્ચામાં ન્યાયિક સંતુલન, નાગરિક સ્વતંત્રતા અને બંધારણીય સુરક્ષા કવચ જેવા વિષયો આવરી લેવાયા હતા.
વસુધૈવ કુટુંબકમની ઓર વિશેઃ
સ્થળ: ઓગસ્ટ ક્રાંતિ મેદાન, મુંબઈ
તારીખ: 16–22 જાન્યુઆરી 2026
પ્રદર્શનનો સમય: સવારે 9.00 વાગ્યાથી સાજે 9.00 વાગ્યા સુધી
રજિસ્ટ્રેશન: નિઃશુલ્ક અને જાહેર જનતા માટે ખુલ્લું
બપોર પછીના સત્રમાં ‘બંધારણ અને જીવનના અન્ય ક્ષેત્રો’ વિષય પર પેનલ-4 યોજાઈ હતી. જેમાં ભારતના સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ બી.એન. શ્રીકૃષ્ણા, સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ એડવોકેટ સંજય ઉપાધ્યાય, સિનિયર એડવોકેટ નૌશાદ એન્જિનિયર, બીસીએમજીના વાઇસ ચેરમેન ઉદય વરુણજીકર અને બોમ્બે હાઈકોર્ટના એડવોકેટ મયૂર ખાંડેપરકર ઉપસ્થિત રહ્યા હતા. આ પેનલે કાયદો અને ઉભરતાં ક્ષેત્રો વચ્ચેના આંતરસંબંધ, પર્યાવરણીય અને સંસ્થાકીય દ્રષ્ટિકોણ પર ચર્ચા કરી હતી.
સાંજના સમયે રાજકારણ, બિઝનેસ, કિંમતી ધાતુઓ અને પર્યાવરણ-આબોહવા જેવા વિષયો ઉપર પોડકાસ્ટ સત્રો યોજાયા હતા. આ ચર્ચા દ્વારા વ્યાપક જનસમુદાયને સચોટ અને ઉપયોગી માહિતી પ્રાપ્ત થઈ હતી, એટલું જ નહીં પરંતુ આ સત્રથી કોન્ક્લેવમાં પરસ્પર ચર્ચાનું પરિમાણ ઉમેરાયું હતું.
એકંદરે, 18 જાન્યુઆરીનો દિવસ બંધારણીય સંવાદ, વિદ્યાર્થી સશક્તિકરણ અને સાંસ્કૃતિક જોડાણના સમન્વય માટે મહત્ત્વનો રહ્યો હતો.


