1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વાયબ્રન્ટ ગુજરાત–વાયબ્રન્ટ વડોદરા: વિવિધ ક્ષેત્રમાં 19 એકમો દ્વારા રૂ. 5359 કરોડના MOU
વાયબ્રન્ટ ગુજરાત–વાયબ્રન્ટ વડોદરા: વિવિધ ક્ષેત્રમાં 19 એકમો દ્વારા રૂ. 5359 કરોડના MOU

વાયબ્રન્ટ ગુજરાત–વાયબ્રન્ટ વડોદરા: વિવિધ ક્ષેત્રમાં 19 એકમો દ્વારા રૂ. 5359 કરોડના MOU

0
Social Share

અમદાવાદઃ વાયબ્રન્ટ ગુજરાત – વાયબ્રન્ટ વડોદરા અંતર્ગત અહીંના પંડિત દીનદયાળ સભાગૃહ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મૂડી રોકાણકારો વરસી પડ્યા છે અને વિવિધ ક્ષેત્રમાં મૂડી રોકાણ માટે રાજ્ય સરકાર સાથે રૂ. 5359 કરોડના સમજૂતી કરારો કરવામાં આવ્યા છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ટાટા એરબસ, એલએન્ડટી જેવી સાત મોટી કંપનીઓ સાથેની બાયર્સ સેલર્સ મિટમાં 160 જેટલા વેન્ડરો સહભાગી થયા હતા. આગામી જાન્યુઆરી માસમાં યોજાવા જઇ રહેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પૂર્વાર્ધમાં વડોદરા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં 19 જેટલા એકમો દ્વારા રાજ્ય સરકારના વિવિધ સંસ્થાઓ સાથે રૂ. 5359 કરોડના સમજૂતી કરારો કરવામાં આવ્યા હતા. આ રોકાણથી વડોદરામાં આગામી દિવસોમાં 50 હજાર જેટલી પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી ઉભી થવાની ધારણા છે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2003થી શરૂ કરવામાં આવેલા વાયબ્રન્ટ ગુજરાત કાર્યક્રમ થકી ગુજરાતના તમામ જિલ્લાઓમાં ઉદ્યમીઓને નવું બળ મળ્યું છે અને તેના પરિણામે ઔદ્યોગિક વિકાસ થતાં રોજગારીની વિપુલ તકો ઉભી થઇ છે. વાયબ્રન્ટ ગુજરાતના કારણે ગુજરાતની કાયાપલટ થઇ છે. તેમણે એમ પણ ઉમેર્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા આ વખતના વાયબ્રન્ટ ગુજરાત કાર્યક્રમને વધુ વ્યાપક બનાવી તમામ જિલ્લામાં લઇ જવામાં આવ્યો છે. જેમાં ડાંગથી લઇ દાંતા સુધીના ગુજરાતના તમામ વિસ્તારોમાં મૂડી રોકાણ માટે પ્રોત્સાહક વાતાવરણ ઉભું કરવામાં આવી રહ્યું છે. સાથે, જે તે જિલ્લાની એક પ્રોડક્ટને પણ પ્રોજેક્ટ કરવામાં આવી છે. વન ડિસ્ટ્રીક્ટ, વન પ્રોડક્ટ અંતર્ગત વડોદરા જિલ્લાની પારાસિટામોલ ટેબ્લેટને સમાવવામાં આવી છે.

વન ડિસ્ટ્રીક્ટ, વન પ્રોડક્ટ થકી છેવાડાના નાનામાં કારીગરોને પ્રોત્સાહન મળે છે અને તેના કારણે સ્થાનિક ઉત્પાદનને પ્રમોટ કરવામાં ફાયદો થશે, એમ સંઘવીએ ભારપૂર્વક કહ્યું હતું. વડોદરા જિલ્લો ઔદ્યોગિક રીતે અગ્રણી રહ્યો છે અને અહીંના ઉદ્યોગપતિઓ અન્યને માર્ગદર્શન પૂરૂ પાડે એવું વિઝન ધરાવે છે. હવે, વડોદરાના વિકાસ સાથે તેઓ પણ તાલ મેળવી રહ્યા છે. જનપ્રતિનિધઓ પણ લોકોના પ્રશ્નોના ઉકેલ માટે સતત પ્રવૃત્ત રહે છે. તેના કારણે જ રાજ્યમાં સૌથી ઉત્તમ પ્રકારે વાયબ્રન્ટ ગુજરાત – વાયબ્રન્ટ વડોદરા કાર્યક્રમ થયો છે અને તેમાં જિલ્લા વહીવટી તંત્રનું યોગદાન સરાહનીય છે, તેમ તેમણે ઉમેર્યું છે.

ગુજરાતની શાંતિ, સલામતી, ઉદ્યોગ સાહસિક્તા, કુશળ માનવબળની ઉપલબ્ધતા, સર્વોત્તમ માળખાકીય પરિવહનની સુવિધા, સ્થિરતા અને નીતિ નિર્ધારણને કારણે વિશ્વભરના રોકાણકારોનું પસંદગીનું રાજ્ય છે, આ ગુજરાતની ગેરંટી છે, એમ કહેતા સંઘવીએ ઉમેર્યું કે, આ પરિબળોને પરિણામે જે માઇક્રોન, ટાટા એરબસ જેવી કંપનીનું ગુજરાતમાં રોકાણ આવ્યું છે અને તેનાથી અનેક લોકોને રોજગાર મળશે. એક સમયે ગુજરાતમાં રોડ પણ સારા નહોતા, તે ગુજરાતમાં આજે સી-295 જેટલા ડિફેન્સ સેક્ટરના પ્લેન બની રહ્યા છે, આવું કોઇએ વિચાર્યું પણ નહી હોય !

સ્ટાર્ટઅપ પ્રવૃત્તિ સાથે જોડાયેલા યુવાનોને શીખ આપતા સંઘવીએ કહ્યું કે, સપના જોવા, સપનાને જોઇ તેને ભૂલી જવા નહીં, તેને સાકાર કરવા માટે અથાક મહેનત કરવી જોઇએ. ગુજરાત સરકાર તમારી પડખે ઉભી છે અને મદદ કરવા માટે હંમેશા તૈયાર છે. સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટે ઔદ્યોગિક વિકાસની રૂપરેખા આપતા જણાવ્યું કે, ગુજરાત રાજ્યમાં વડોદરા જિલ્લો ઔધોગિકક્ષેત્રે પ્રેરણાદાયી રહ્યો છે. વડોદરા શહેર મોટા ઉદ્યોગો જેમકે પેટ્રોકેમીકલ ફાર્મા ઓટોમોટિવ, સાયન્સ અને ટેકનોલોજી, એન્જીનીયરીંગ અને અન્ય માદયમિક અને ઉચ્ચ પ્રાદ્યોગીક ઉદ્યોગોનું ઘર છે તથા એમએસએમઇ ઉદ્યોગ માટે ઘણી બધી ઔદ્યોગિક વસાહતો છે અને ઘણા ખાનગી ઔદ્યોગિક પાર્ક વિકસી રહ્યા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code