
ગાંધીનગરમાં વાયબ્રન્ટ સમિટને લીધે 69 Dy.SP, 23 PI, 392 PSI, અને 5520 કોન્સ્ટેબલો તૈનાત કરાયાં
ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં આગામી 10મી જાન્યુઆરીથી યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશ-વિદેશના મહાનુભાવો ઉપસ્થિત રહેવાના હોવાથી પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવશે, મહાનુભાવોની સુરક્ષા માટે પોલીસનો લોખંડી બંદોબસ્ત રહેશે. એક એડિશનલ ડીજીપી, 6 આઈજીપી, 21 એસપી, 69 ડીવાયએસપી, 23 પીઆઈ, 392 પીએસઆઈ, અને 5520 જેટલા પોલીસ જવાનો ખડેપગે ફરજ બજાવશે,
ગાંધીનગરના રેન્જ ડી.આઈ.જી. વિરેન્દ્રસિંહ યાદવે જણાવ્યું હતું કે, ગાંધીનગરમાં આગામી 9થી 12 જાન્યુઆરી દરમિયાન યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 અંતર્ગત મહાત્મા મંદિર, સેક્ટર-17 એક્ઝીબીશન સેન્ટર તથા ગીફટ સિટી ખાતે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા દેશ વિદેશના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. જેને અનુલક્ષીને જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ દરમિયાન પોલીસ બંદોબસ્તને કુલ 6 ઝોનમાં વહેચવામાં આવ્યો છે. જેમાં મહાત્મા મંદિર, એક્ઝિબિશન સેન્ટર, ગીફ્ટ સિટી, રાજ ભવન રોડ, પાઈલોટ-પેટ્રોલિંગ અને મોર્ચા સ્ક્વોડનો સમાવેશ થાય છે. જેમાં 1 ADGP, 6 I GP/DIGP, 21 SP, 69 Dy.SP, 233 PI, 391 PSI, 5520 પોલીસ, 100 કમાન્ડો, 21 મોરચા સ્ક્વૉડ, 8 QRT ટીમ, 15 BDDS સહિતના પોલીસ અધિકારી કર્મચારીઓ કર્મચારીઓ તહેનાત રહેશે. એટલું જ નહિ, આડેધડ પાર્કિંગ ન થાય તેની તકેદારી માટે 34 ટ્રાફિક ક્રેઇન પણ શહેરના માર્ગો પર સતત ફરતી રહેશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગાંધીનગરમાં મહાત્મા મંદિર સેકટર-17 એક્ઝીબીશન તથા ગીફ્ટ સિટી ખાતે યોજાનારા કાર્યક્રમ માટે જે તે જગ્યાએ ડ્રોન દ્વારા થ્રીડી મેપીંગ કરવામાં આવ્યું છે. વધારાના સી.સી.ટી.વી. કેમેરા તથા પાર્કીંગમાં પી.ટી. ઝેડ કેમેરા તેમજ એન્ટ્રી-એક્ઝીટ પર કેમેરા લગાવવામાં આવ્યા છે. ડીપ્લોયમેન્ટ માટે પણ પ્લાનીંગ કરવામાં આવ્યું છે તેમજ આર.એફ.આઇ.ડી બેઝ મહાનુભાવોના પ્રવેશ તેમજ મુલાકાતીઓના વાહનોના પાર્કિંગ માટે સિસ્ટમ ઉભી કરવામાં આવી છે. કોમ્યુનિકેશન માટે ફ્રીક્વન્સી ચેનલ ઉભી કરવામાં આવી છે. તમામ સ્થળો પર કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ દ્વારા સિક્યુરિટી મોનીટરીંગ માટે અલગ અલગ કંન્ટ્રોલ રૂમ તેમજ સી.સી.ટી.વી. કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે. અમદાવાદ શહેર તથા ગાંધીનગર જિલ્લા પોલીસ એક બીજાના સંકલનમાં રહે તે માટે રીપીટર થ્રુ ચેનલ ઉભી કરવામાં આવી છે. (File photo)