
અંબાજીમાં હવે VIP દર્શન બંધ, શ્રીમંત હોય કે ગરીબ, લાઈનમાં ઊભા રહીને દર્શન કરી શકાશે
પાલનપુરઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં ગર્ભગૃહમાં વીઆઈપી દર્શનના મુદ્દે વિવાદ ઊભો થતાં અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી વીઆઈપી દર્શનની પ્રથા બંધ કરવામાં આવી છે. રાજા હોય કે રંક, અમીર હોય કે ગરીબ, બધાએ લાઈનમાં ઊભા રહીને જ માતાજીના દર્શન કરી શકશે. ટ્રસ્ટ દ્વારા લેવાયેલા આ નિર્ણયની યાત્રિકોમાં સરાહના થઈ હી છે.
ડાકોરમાં ઠાકોરજીના વીઆઈપી દર્શનનો વિવાદ વકર્યા બાદ અંબાજી મંદિરના ગર્ભગૃહમાં દર્શનનો વિવાદ ઊભો થયો હતો. આ વિવાદને પગલે મહત્વનો નિર્ણય લઈને અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટે વીઆઈપી દર્શન બંધ કરી દીધા છે. હવે અંબાજી મંદિરમાં આવનારા દરેક શ્રદ્ધાળુ માટે એક જ નિયમ રહેશે અને એ લાઈનમાં ઊભા રહીને માં અંબાનાં દર્શન કરશે. અગાઉ કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા હેમાંગ રાવલે 5000 રૂપિયા લઈ અંબાજીમાં વીઆઈપી દર્શન કરાવવામાં આવતાં હોવાના આક્ષેપને લઈ વિવાદ સર્જાયો હતો. તે સમયે અંબાજી મંદિર ટ્રસ્ટે આ આક્ષેપને નકારી કાઢ્યો હતો. અને છેલ્લા 10 દિવસથી ગર્ભગૃહમાં તમામ નાગરિકો માટે દર્શન વ્યવસ્થા સદંતર રીતે બંધ હોવાનું જણાવ્યું હતુ. ત્યાર બાદ હવે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટે વીઆઈપી દર્શનની પ્રથા બંધ કરી દીધા છે.
અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા વીઆઈપી દર્શન ન થતાં હોવાની વાત કરી હતી. શ્રદ્ધાળુઓ અને ભક્તો જે દાન સ્વરૂપે ભેટ આપે છે અને આ ભેટ સ્વરૂપે દર્શન થતાં હોવાની વાત કરી હતી. જે ગેટમાંથી વીઆઈપી દર્શન કરવા માટે લોકો પ્રવેશતા હતા તે દરવાજાને તાળું મારી દેવામાં આવ્યુ છે. અને VIP દર્શન બંધ કરી દેવામાં આવ્યા છે.
મંદિર દેવસ્થાન ટ્રસ્ટના સૂત્રોના કહેવા મુજબ અંબાજી મંદિરમાં છેલ્લા 10 દિવસથી ગર્ભગૃહમાં તમામ નાગરિકો માટે દર્શન વ્યવસ્થા સદંતર રીતે બંધ કરી દેવામાં આવી છે. અને આગામી દિવસોમાં નાગરિકો કે યાત્રિકો તરફથી કે બીજા કોઈ તરફથી સૂચન આપવામાં આવશે કે ગર્ભગૃહનાં દર્શન માટે કોઈ નીતિ નિયમ બનાવવામાં આવે તો એને ચેક્કસ રીતે ધ્યાનમાં લેવામાં આવશે. પણ અત્યારની પરિસ્થિતિએ અમુક વ્યવસ્થાપનનાં કારણો, ભાદરવી પૂનમના મેળાની તૈયારી અને ધાર્મિક આંતરિક કારણોસર ગર્ભગૃહનાં દર્શન સદંતર રીતે બંધ કરી દેવામાં આવ્યાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અંબાજી શક્તિપીઠ એવા અંબાજી મંદિરમાં શ્રી યંત્રની પૂજા થાય છે અને એની પૂજા દરમિયાન પૂજારી પણ આંખે પાટા બાંધીને પૂજા કરે છે. એવા શ્રી યંત્રની પૂજા કરવા માટે દેશ અને દુનિયાભરમાંથી કરોડો શ્રદ્ધાળુઓ માં અંબાનાં ચરણોમાં આવે છે. હવે અંબાજી મંદિરમાં દરેક શ્રદ્ધાળુ માટે એક જ નિયમ રહેશે અને એ લાઈનમાં ઊભા રહીને માઁ અંબાનાં દર્શન કરશે. આ શ્રદ્ધાળુઓ અને લોકો માટે આ હિતકારી નિર્ણય છે.