વિરાટ કોહલીનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડીએક્ટિવેટ થયા બાદ ફરીથી કાર્યરત થયું?
નવી દિલ્હી, 24 જાન્યુઆરી 2026: થોડા કલાકોના રહસ્યમયી ‘વનવાસ’ બાદ સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી ઇન્સ્ટાગ્રામ પર પરત ફર્યા છે. શુક્રવારે સવારે અચાનક તેમનું એકાઉન્ટ ડીએક્ટિવેટ થઈ ગયું હતું, જેના કારણે સોશિયલ મીડિયા પર તેમના કરોડો ચાહકોમાં અફરા-તફરી મચી ગઈ હતી. હવે તેમનું એકાઉન્ટ રાબેતા મુજબ સાર્વજનિક રીતે દેખાઈ રહ્યું છે, પરંતુ આ ઘટના પાછળનું સાચું કારણ હજુ પણ એક કોયડો બનીને રહી ગયું છે.
વિરાટ કોહલી દુનિયાના સૌથી વધુ ફોલો કરવામાં આવતા એથ્લેટ્સમાંના એક છે, તેથી તેમનું પ્લેટફોર્મ પરથી અચાનક ગાયબ થવું સૌને ચોંકાવનારું હતું. એકાઉન્ટ એક્ટિવ થયા બાદ ચાહકો ખુશ છે, પરંતુ અત્યાર સુધી વિરાટ કોહલી, તેમની મેનેજમેન્ટ ટીમ કે ઇન્સ્ટાગ્રામ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. સોશિયલ મીડિયા યુઝર્સ અનેક અટકળો લગાવી રહ્યા છે. એક મોટો વર્ગ માની રહ્યો છે કે આ કોઈ આગામી બ્રાન્ડ કેમ્પેઈન માટેનો ‘PR સ્ટંટ’ (સોચી-સમજેલી યોજના) હોઈ શકે છે. જ્યારે કેટલાકનું માનવું છે કે આ કોઈ સામાન્ય ટેકનિકલ ખામી હતી.
કોહલીનું એકાઉન્ટ ગાયબ થતાં જ સોશિયલ મીડિયા પર મીમ્સ અને પ્રતિક્રિયાઓનું ઘોડાપૂર આવ્યું હતું. કેટલાક ચાહકો ચિંતિત હતા, તો કેટલાકે ઇન્સ્ટાગ્રામને ટેગ કરીને સવાલો પૂછ્યા હતા. આ ઘટનાએ ‘ડિજિટલ વેલનેસ’ના મુદ્દાને પણ ચર્ચામાં લાવી દીધો છે. નિષ્ણાતો જેને ‘ડિજિટલ ઓવરલોડ’ કહે છે, તેનાથી બચવા માટે લોકો બ્રેક લેતા હોય છે.
સતત સ્ક્રીન ટાઈમ અને કનેક્ટિવિટી માનસિક સ્વાસ્થ્ય અને એકાગ્રતા પર અસર કરે છે, તેથી સેલિબ્રિટીઝ દ્વારા ‘ડિજિટલ ડિટોક્સ’ લેવું હવે સામાન્ય બની રહ્યું છે. કદાચ કોહલીનો ઇરાદો પણ આવો જ કઈંક હોઈ શકે છે. હાલ તો કિંગ કોહલી પરત ફર્યા છે, પણ તેમના અચાનક ગાયબ થવાનું રહસ્ય હજુ પણ અકબંધ છે, જેના જવાબની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
આ પણ વાંચોઃ બાપુની પુણ્યતિથિ: ખડગે અને રાહુલ સહિતના નેતાઓએ પાઠવી શ્રદ્ધાંજલિ


