સોશિયલ મીડિયા પર AI ફોટો-વીડિયો પર વોટરમાર્ક ફરજિયાત, જાણો નવા નિયમો
નવી દિલ્હી, 10 ફેબ્રુઆરી 2026: ડિજિટલ દુનિયામાં વધતા જતા એઆઈ (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ)ના દુરુપયોગને રોકવા માટે કેન્દ્ર સરકારે મંગળવારે એક મોટો અને કડક નિર્ણય લીધો છે. નવા આદેશ અનુસાર, હવે તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે એઆઈ દ્વારા જનરેટ કરવામાં આવેલી સામગ્રી પર સ્પષ્ટપણે લેબલ અથવા ‘વોટરમાર્ક’ લગાવવો પડશે. આ પગલાનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય નાગરિકો અસલી અને નકલી (એઆઈ જનરેટેડ) કન્ટેન્ટ વચ્ચેનો તફાવત સમજી શકે તે માટેનો છે.
સરકારે સ્પષ્ટ કર્યું છે કે, કોમ્પ્યુટર કે અન્ય ડિજિટલ માધ્યમોથી બનાવેલા અથવા એડિટ કરેલા ઓડિયો, વીડિયો, ફોટો કે ગ્રાફિક્સ પર મેટા ડેટા અથવા લેબલ લગાવવું પડશે. એકવાર આ લેબલ લાગી ગયા પછી કોઈ પણ વ્યક્તિ તેને હટાવી શકશે નહીં કે છુપાવી શકશે નહીં. આનાથી ડિજિટલ કન્ટેન્ટમાં પારદર્શિતા અને જવાબદારી નક્કી થશે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે હવે એવી ટેકનોલોજીનો ઉપયોગ કરવો પડશે જે આપમેળે (ઓટોમેટેડ) અશ્લીલ, ગેરકાયદેસર, છેતરપિંડીયુક્ત અથવા બાળકોના યૌન શોષણ સાથે જોડાયેલી સામગ્રીને રોકી શકે. જો કોઈ યૂઝર આવી સામગ્રી બનાવશે કે શેર કરશે, તો પ્લેટફોર્મે તાત્કાલિક પગલાં લેવા પડશે.
સરકારે કાર્યવાહી માટેની સમયમર્યાદામાં પણ મોટો ફેરફાર કર્યો છે. અગાઉ કોઈ નિયમના ઉલ્લંઘન પર કાર્યવાહી કરવા માટે 36 કલાકનો સમય મળતો હતો, જે હવે ઘટાડીને માત્ર 3 કલાક કરી દેવામાં આવ્યો છે. પ્લેટફોર્મ્સે નિયમોના ઉલ્લંઘનની સૂચના મળ્યાના ત્રણ કલાકની અંદર યોગ્ય કાર્યવાહી કરવી અનિવાર્ય રહેશે.
દરેક પ્લેટફોર્મે દર ત્રણ મહિને તેના યૂઝર્સને ચેતવણી આપવી પડશે કે નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ સજા કે દંડ થઈ શકે છે. જો કોઈ યૂઝર વારંવાર નિયમો તોડશે, તો તેનું એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવશે અને વાંધાજનક સામગ્રી હટાવી દેવાશે. સરકારના આ પગલાથી ડીપફેક જેવી ગંભીર સમસ્યાઓ પર નિયંત્રણ આવશે અને સોશિયલ મીડિયા યૂઝર્સ વધુ સુરક્ષિત બનશે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર 6.8 કિલો હેરોઈન પકડાયું


