
આજે શીતળા સાતમ, ઘરે ઘરે ટાઢું ખાવાની જળવાઈ રહેલી વર્ષો જૂની પરંપરા
- આજે શીતળા સાતમ
- મહિલાઓ દ્વારા કરાઈ પૂજા – અર્ચના
- ઘરે ઘરે ટાઢું ખાવાની જળવાઈ રહેલી વર્ષો જૂની પરંપરા
શ્રાવણ માસમાં વિવિધ ધાર્મિક તહેવારો આવે છે .જે ભાવિ ભક્તો ઉજવીને ધન્યતા ઉજવે છે.ત્યારે જન્માષ્ટમીના પર્વની શરૂઆત થઈ ચૂકી છે. આજે શીતળા સાતમ છે.ગુજરાતમાં આ તહેવાર ખૂબ જ ભાવથી મનાવવામાં આવે છે. આ દિવસનું અનેરું મહત્વ છે. જેમાં સૌભાગ્યવતિ સ્ત્રીઓ શીતળા માતાનું વ્રત રાખીને ખાસ પુજા-અર્ચના કરે છે.
આ પ્રસંગે શહેર અને જિલ્લામાં ચુલો ઠારી પૂજન અર્ચન કરવાની પરંપરા બહેનોએ નિભાવી હતી. આજના દિવસે અગ્નિતત્વના અધિષ્ઠાતા દેવ સૂર્યની પૂજાનું પણ સવિશેષ મહત્વ છે. તેમજ માતા શીતળાની પૂજા અર્ચના કરવાનું ભારે મહાત્મ્ય હોય. બહેનો દ્વારા શીતળા માતાજીની શાસ્ત્રોકત રીતે પૂજન અર્ચન કરવામાં આવે છે. એટલુ જ નહી રાંધણ છઠ્ઠના દિવસે પરિવારની ગૃહિણીઓ દ્વારા તૈયાર કરાયેલી ટાઢી રસોઈ જમીને વ્રત કરવામાં આવે છે.
છઠ્ઠના પર્વે રસોઈ કરી સાતમના પર્વે ચુલાની પૂજા કરવાની હોય આજના દિવસે કોઈ પણ ગરમ ખાદ્યસામગ્રી બનાવાતી નથી. આજના સાતમના પર્વે વ્રતધારી ગૃહિણીઓ દ્વારા ઠંડા દૂધ, જળ, ચંદન અને કંકું,ચોખા વગેરેથી શીતળા માતાજીની પૂજા કરવામાં આવે છે. ધાર્મિક ગ્રંથોમાં દર્શાવાયા મુજબ વારંવાર માંદુ પડતા બાળકના વાલી જો આ વ્રત કરે તો તેના બાળકને માતાજી રોગમુકત કરે છે.