
પશ્ચિમ બંગાળ: 300 વર્ષ જુનું તારકેશ્વર મહાદેવ મંદિર આવતીકાલથી ફરી ખુલશે, ભક્તો ગર્ભગૃહમાં પ્રવેશ કરી શકશે નહીં
- 300 વર્ષ જુનું તારકેશ્વર મહાદેવ મંદિર આવતીકાલથી ફરી ખુલશે
- ભક્તો ગર્ભગૃહમાં પ્રવેશ કરી શકશે નહીં
- કોરોનાના કેસ વધતા મંદિરને કરાયું હતું બંધ
પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના તારકેશ્વર સ્થિત બાબા તારકનાથનું મંદિર આવતીકાલથી કેટલાક પ્રતિબંધો સાથે ફરી ખુલશે. આવતીકાલથી મંદિર દરરોજ સવારે 7 થી બપોરે 12 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. ભક્તો 1નંબર અને 2 નંબર ના ગેટથી મંદિરમાં પ્રવેશ કરી શકશે, પરંતુ ભક્તોને મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશની મંજૂરી નથી.
કોરોનાના વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને 9 મેથી તારકેશ્વર મંદિરમાં પ્રવેશ સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવ્યો હતો. મંદિરના અધિકારીઓનું કહેવું છે કે, આગામી દિવસોમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને આગામી નિર્ણય લેવામાં આવશે.
સવારથી જ મંદિરમાં માઈક દ્વારા મંદિર ખોલવાની માહિતી આપવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, કોરોનાની બીજી લહેરની અસર 10 એપ્રિલથી શરૂ થઈ ત્યારથી ભક્તોને મંદિરના ગર્ભગૃહમાં અનિશ્ચિત સમય માટે પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો હતો. જોકે, કોરોનાના નિયમોને પગલે ત્રણ કલાક સુધી મંદિરમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ 9 મેથી મંદિર અનિશ્ચિત સમય માટે બંધ કરવામાં આવ્યું હતું.કોરોનાની બીજી લહેરમાં લોકડાઉનના બીજા તબક્કામાં રાજ્ય સરકારે કેટલાક પ્રતિબંધોમાં છૂટ આપી છે તો કેટલાક પ્રતિબંધો ફરીથી લાદવામાં આવ્યા છે અને આવી સ્થિતિમાં આવતીકાલથી તારકેશ્વર મંદિર ભક્તો માટે ખુલશે.