1. Home
  2. ગુજરાતી
  3. મિશન શક્તિ : ASAT સિસ્ટમ ધરાવતો ભારત દુનિયાનો ચોથો દેશ, શું છે એન્ટિ સેટેલાઈટ મિસાઈલ વેપન?
મિશન શક્તિ : ASAT સિસ્ટમ ધરાવતો ભારત દુનિયાનો ચોથો દેશ, શું છે એન્ટિ સેટેલાઈટ મિસાઈલ વેપન?

મિશન શક્તિ : ASAT સિસ્ટમ ધરાવતો ભારત દુનિયાનો ચોથો દેશ, શું છે એન્ટિ સેટેલાઈટ મિસાઈલ વેપન?

0
Social Share

ભારત હવે દુનિયાની એવી ચુનિંદા મહાસત્તાઓમાં સામેલ થઈ ગયું છે કે જેમની પાસે સેટેલાઈટ વિરોધી મિસાઈલ ક્ષમતા છે. એટલે કે ભારત પાસે મિશન શક્તિની સફળતાની સાથે અંતરીક્ષમાં કોઈપણ ઉપગ્રહને તોડી પાડવાની ક્ષમતા પણ પ્રાપ્ત થઈ ચુકી છે. પીએમ મોદીએ બુધવારે દેશના નામે પોતાના સંદેશામાં જણાવ્યું હતું કે ભારતે અંતરીક્ષની ઓર્બિટમાં એક લાઈવ સેટેલાઈટને તોડી પાડ્યો છે. મોદીએ કહ્યુ હતુ કે મિશન શક્તિ હેઠળ એન્ટિ સેટેલાઈટ મિસાઈલ એ-સેટ દ્વારા ત્રણ મિનિટની અંદર એક લાઈવ સેટેલાઈટને તોડી પાડવામાં આવ્યો છે. પીએમ મોદીએ કહ્યુ હતુ કે નીચલી કક્ષામાં ઉપગ્રહને તોડી પાડવો દેશ માટે એક દુર્લભ સિદ્ધિ છે. હવે ભારત આમ કરવાની ક્ષમતા ધરાવતો દુનિયાનો ચોથો દેશ બની ગયો છે. આ પહેલા અમેરિકા, રશિયા અને ચીન પાસે જ આવી સિદ્ધિ હતી.

એન્ટિ સેટેલાઈટ વેપન્સ અથવા મિસાઈલ

એન્ટિ સેટેલાઈટ અથવા મિસાઈલ ખાસ કરીને સૈન્ય ઉદેશ્યથી અંતરીક્ષમાં સેટેલાઈટ્સને તબાહ કરવા માટે વાપરવામાં આવે છે. આ તકનીકને એ-સેટ સિસ્ટમ પણ કહેવામાં આવે છે. જો કે હજી સુધી દુનિયાની સામે એવી સ્થિતિ ઉભી થઈ નથી કે જ્યારે આવા ખાસ હથિયારનો ઉપયોગ કરવો પડે. વિભિન્ન દેશોએ આ ક્ષેત્રમાં પોતાની ક્ષમતા પ્રદર્શિત કરવા માટે ખુદના સેટેલાઈટને તોડી પાડયા છે. એટલે કે ભારતની સાથે કુલ મળીને ચાર દેશોએ આવી શક્તિનું પ્રદર્શન કર્યું છે. આ શક્તિને પ્રાપ્ત કરવાની દિશામાં પ્રારંભિક પ્રયાસો અમેરિકા અને સોવિયત રશિયા દ્વારા કરવામાં આવ્યા હતા.

શરૂઆતમાં 50ના દશકમાં જમીનથી લોન્ચ થનારી મિસાઈલ દ્વારા ઉપગ્રહને નિશાન બનાવવામાં આવ્યા હતા. બાદમાં કેટલીક અન્ય તકનીકને પણ સામેલ કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, સોવિયત સંઘ દ્વારા અંતરીક્ષમાં સેટેલાઈટને તોડી પાડવાની ક્ષમતાના પ્રદર્શન કરાયા બાદ અમેરિકાની એરફોર્સે એર લોન્ચ્ડ એન્ટિ સેટેલાઈટ મિસાઈલ પર કામ કરવાનું શરૂ કર્યું હતું. આ એક ટૂ સ્ટેજ મિસાઈલ છે. તેની ટોચ પર મિનિએચર હોમિંગ વ્હીકલ લગાવવામાં આવે છે. મિસાઈલથી અલગ થયા બાદ આ એમએચવી સેટેલાઈટ સાથે સીધા ટકરાઈને તેને નષ્ટ કરી નાખતું હતું. જો કે અમેરિકાની વાયુસેનાએ 80ના દશકના આખરમાં એસેટ પ્રોગ્રામને કેટલાક વખત માટે કોલ્ડ બોક્ષમાં નાખી દીધો હતો.

અમેરિકાએ આ શક્તિને પ્રાપ્ત કરીને પોતાના તકનીકી વિકાસના ક્રમમાં મોટું પગલું 1985માં ભર્યું હતું. તે સમયે એક એફ-15 ફાઈટર જેટે અમેરિકાના એડવર્ડ એરફોર્સ બેસ પરથી 38 હજાર ફૂટની ઊંચાઈ સુધી ઉડાણ ભરી હતી. યુદ્ધવિમાને આ ઊંચાઈ પરથી ઉપરની દિશામાં એક મિસાઈલ લોન્ચ કરી હતી. મિસાઈલ દ્વારા સોલવિંડ પી-78-1 નામના અમેરિકાના ગામ રે સ્પેક્ટ્રોસ્કોપી સેટેલાઈટથી 555 કિલોમીટરના વ્યાસમાં ચક્કર કાપી રહેલા સેટેલાઈટને  નિશાન બનાવવામાં આવ્યો હતો. તો 2008માં પણ અમેરિકાએ એક ખરાબ થઈ ચુકેલા જાસૂસી સેટેલાઈટ યુએસએ-193ને શિપથી ફાયર કરવામાં આવેલી રિમ-161 મિસાઈલથી નિશાન બનાવ્યો હતો.

જ્યાં સુધી પાડોશી દેશ ચીનનો સવાલ છે, ડ્રેગને જાન્યુઆરી-2007માં આ તકનીકનું સફળ પરીક્ષણ કર્યું હતું. ચીને એન્ટિ સેટેલાઈટ મિસાઈલ સિસ્ટમ દ્વારા ખરાબ થઈ ચુકેલા હવામાન બાબતોની જાણકારી આપતા સેટેલાઈટને તોડી પાડયો હતો. ચીને 2005, 2006, 2010 અને 2013માં પણ આવી તકનીકના પરીક્ષણ કર્યા હતા. હાલની વાત કરીએ, તો એવા અહેવાલ આવ્યા હતા કે ચીને ફેબ્રુઆરી-2018માં એન્ટિ સેટેલાઈટ વેપન તરીકે એક્સોએટમોસપેરિક બેલેસ્ટિક મિસાઈલનો ઉપયોગ કર્યો હતો.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code