ભાવનગરઃ ભારત ગૌરવ ડીલક્સ એસી ટૂરિસ્ટ ટ્રેનને દિલ્હી સફદરજંગ રેલવે સ્ટેશનથી “ગરવી ગુજરાત” પ્રવાસ માટે ફ્લેગ ઓફ કરવામાં આવી હતી. આ પ્રવાસી ટ્રેનના રૂટ્સમાં ગુજરાતના દ્વારકા, સોમનાથ, અમદાવાદ, વડોદરા સહિતના પ્રવાસન અને ધાર્મિક સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ જૈનોના પવિત્ર યાત્રધામ પાલિતાણાની બાદબાકી કરવામાં આવી છે. ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને ભવ્ય ઐતિહાસિક સ્થળોને ભારત અને વિશ્વના લોકો સમક્ષ પ્રદર્શિત કરવા ભારત ગૌરવ નીતિ શરૂ કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં 16 ભારત ગૌરવ સર્કિટની સ્થાપના કરવામાં આવી છે, અને આ ગરવી ગુજરાત યાત્રા વાઇબ્રન્ટ ગુજરાતના વારસાને દર્શાવવા માટે ભારત સરકારની “એક ભારત શ્રેષ્ઠ ભારત” યોજનાની તર્જ પર 17મી સર્કિટ છે. “ગરવી ગુજરાત” ટ્રેનમાં ગુજરાતના સ્ટેચ્યુ ઓફ યુનિટી, સોમનાથ મંદિર, દ્વારકાધિશ ધમ, નાગેશ્વર જ્યોતિર્લિંગ, બેટ દ્વારકા, સાબરમતિ આશ્રમ, દાંડી કુટિર, અક્ષરધામ મંદિર, સૂર્યમંદિર, રાણીની વાવ જેવા સ્થળોનો સમાવેશ કરવામાં આવેલો છે. ત્યારે જૈનોના યાત્રાધામ પાલિતાણાનો સમાવેશ કેમ કરાયો નથી એવો પ્રશ્ન ઊઠ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ભારત અને સમગ્ર વિશ્વમાં વસેલા જૈન ધર્મના લોકો પાલિતાણાની યાત્રા અવશ્ય કરે છે. અને જૈનેત્તર લોકોને પણ પાલિતાણા યાત્રાધામ અંગે ભારે ઉત્સુક્તા હોય છે. ઉપરાંત પાલિતાણા સુધી બ્રોડગેજ લાઇન પણ મોજુદ છે, છતા “ગરવી ગુજરાત” ટ્રેનના રૂટ્સમાં પાલિતાણાનો સમાવેશ કરવામાં આવ્યો નથી. આ ટ્રેન ટૂર ભારત સરકારની “એક ભારત શ્રેષ્ઠ ભારત” યોજનાની તર્જ પર વાઇબ્રન્ટ ગુજરાતના વારસાને દર્શાવવા માટે તૈયાર કરવામાં આવી છે. ફર્સ્ટ એસી અને સેકન્ડ એસી ક્લાસ સાથેની અત્યાધુનિક ભારત ગૌરવ ડીલક્સ એસી પ્રવાસી ટ્રેન 8 દિવસ માટે તમામ સમાવેશી પ્રવાસ માટે ચલાવવામાં આવશે. પ્રવાસી ટ્રેનમાં 4 ફર્સ્ટ એસી કોચ, 2 સેકન્ડ એસી કોચ, એક સુસજ્જ પેન્ટ્રી કાર અને બે રેલ રેસ્ટોરન્ટનો સમાવેશ થાય છે. તેમાં 156 પ્રવાસીઓ બેસી શકે છે. ગરવી ગુજરાતના ટ્રેનના રૂટ્સમાં પાલિતાણાનો સમાવેશ કરવાની માગ ઊઠી છે.