
શું સૌરાષ્ટ્રની આ બેઠકો પર નડશે ભાજપને ક્ષત્રિય ફેક્ટર, કઇ બેઠકો પર ભાજપનું પલડું ભારે ?
પોરબંદર લોકસભા બેઠક
પોરબંદર લોકસભા બેઠક ભાજપ તરફથી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા મેદાને છે. જયારે કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયા તેમની સામે ઉભા રહ્યા છે. આ બેઠક પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ છે, ત્યારે ભાજપ માટે અર્જુન મોઢવાડિયાનું પાસું મજબૂત સાબિત થઈ શકે છે. ભલે કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ માંડવીયા સામે આયાતી ઉમેદવારનો આક્ષેપ કર્યો હોય, પરંતુ તેમાં તેને સફળતા મળી નથી, એવું લાગી રહ્યું છે. ત્યારે ભાજપને અર્જુન મોઢવાડિયાને કારણે પોરબંદરમાં ફાયદો થઈ શકે એવી લાગે છે. આ સીટ પર મનસુખ માંડવિયાની જીત નક્કી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
ભાવનગર લોકસભા બેઠક
ભાવનગર બેઠક કોળી બહુમતી ધરાવતી બેઠક છે. અહીં ભાજપે નિમુ બાંભણિયાને ઉમેદવાર બનાવ્યા છે, જયારે આ બેઠક ઇન્ડિયા ગઠબંધનની બેઠક છે. તાય્રે આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ઉમેશ મકવાણા ઉભા રહ્યા છે. અહીં પણ ક્ષત્રિય આંદોલનની અસર જોવા મળી છે. અહીં 1.60 લાખ મત ક્ષત્રિય સમાજના છે, પણ સૌથી વધારે કોળી સમાજના 3 લાખ મતો છે. આ સિવાય બ્રાહ્મણ, પાટીદાર અને ઓબીસી સમાજની પણ મોટી વોટબેંક છે. ભલે ભાજપને ક્ષત્રિય આંદોલનને કારણે થોડું નુકસાન થાય પણ કોળી અને ઓબીસી મતદારોને કારણે અહીં ભાજપનું પલડું ભારે જોવા મળી રહ્યું છે.
સુરેન્દ્રનગર લોકસભા બેઠક
સુરેન્દ્રનગરની બેઠક પર તળપદા કોળી અને ચુંવાળીયા કોળી જ્ઞાતિના ઉમેદવારનો વિવાદ થયો. સ્થાનિકોની માંગ તળપદા કોળી ઉમેદવારની હતી, પણ ભાજપે હળવદના ચુંવાળીયા કોળી ચંદુભાઈ શિહોરને ઉમેદવાર બનાવ્યા. સામે કોંગ્રેસે ઋત્વિક મકવાણાને ટિકિટ આપી જે તળપદા કોળી સમાજના છે. અહીં સાડા ચાર લાખ કોળી મતદારમાં તળપદાનો હિસ્સો ત્રણ લાખ જેવો છે. આ સિવાય ક્ષત્રિયનો ભાજપ સામે વિરોધ પણ અહીં મતદાન માટે મહત્ત્વનું પરિબળ રહેશે.
જૂનાગઢ લોકસભા બેઠક
જૂનાગઢ બેઠક ઉપર ભાજપના રાજેશ ચુડાસમાનો વિરોધ થઈ રહ્યો છે, તો વેરાવળના અગ્રણી ડોક્ટરની આત્મહત્યામાં કથિત ભૂમિકાના આક્ષેપ અને તેમની નેતાગીરી અંગે લોકોમાં વિરોધ છે. અહીં તેમણે પ્રજા માટે કામ નથી કર્યું, એવા વિરોધ વચ્ચે કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવા પ્રજાલક્ષી કાર્યો કરવા માટે જાણીતા છે. હીરાભાઈ જોટવાએ પ્રચાર પણ ભરપૂર કર્યો છે, ત્યારે ડોક્ટરની આત્મહત્યા અને ક્ષત્રિય સમાજનો વિરોધ ભાજપ માટે પડકાર છે.
જામનગર લોકસભા બેઠક
જામનગર બેઠક પર ભાજપના ઉમેદવાર પૂનમ માડમ છે, તો કોંગ્રેસે જે પી મારવિયાને ઉમેદવાર તરીકે ઉભા રાખ્યા છે. અહીં ક્ષત્રિય આંદોલનની સૌથી વધારે અસર જોવા મળી છે. ક્ષત્રિય આંદોલનની સિવાય આંતરિક જુથવાદ, લેઉવા પાટીદાર અને લધુમતીઓની નારાજગી ભાજપ માટે પડકાર બની રહેશે, ત્યારે ભાજપને આ વખતે તેની પરંપરાગત વોટબેંકમાં નુકસાન થઈ શકે છે. ક્ષત્રિય આંદોલનને ખાળવાના અનેક પ્રયાસો છતાં અને પૂનમ માડમના વ્યક્તિગત વિરોધને કારણે અહીં ભાજપને નુકસાન થઈ શકે છે. આ બેઠક પર લેઉવા પાટીદાર મતદારો નિર્ણાયક સાબિત થશે.