
ગાંધીનગરઃ જિલ્લામાં ગત વર્ષની સરખામણીએ આ વખતે રવિપાકના વાવેતર વિસ્તારમાં વધારો થયો છે. જિલ્લામાં 75 હજાર હેક્ટરની સરેરાશ સામે કુલ વાવેતર 55 હજાર હેક્ટરથી વધુ વિસ્તારમાં વાવણીનું કાર્ય સંપન્ન થયુ છે. જેમાં ઘઉંનું 17, 400 હેકટરમાં અને બટાટાનું 11 500 હેક્ટરમાં વાવેતર થયું હોવાનું કૃષિ વિભાગના સૂત્રો દ્વારા જણાવાયું હતુ.
ગાંધીનગરના કૃષિ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ જિલ્લાના ચાર તાલુકા પૈકી ગાંધીનગર તાલુકામાં સૌથી વધુ વાવેતર 17 હજાર 756 હેક્ટરમાં થયું છે. જ્યારે માણસા તાલુકામાં 17 હજાર 212 હેક્ટરમાં, દહેગામ તાલુકામાં 11 હજાર 294 હેક્ટરમાં અને કલોલ તાલુકામાં સૌથી ઓછું વાવેતર 8 હજાર 829 હેક્ટર વિસ્તારમાં કરાયું છે. સુત્રોનાં જણાવ્યા અનુસાર મુખ્ય પાક એવા ઘઉંનું ગાંધીનગર તાલુકામાં 5 હજાર 731 હેક્ટરમાં, માણસામાં 4 હજાર 266 હેક્ટરમાં, દહેગામમાં 3 હજાર 622 હેક્ટરમાં અને કલોલમાં 3 હજાર 578 હેક્ટરમાં વાવેતર થયું છે. જ્યારે બટાટાનું ગાંધીનગર તાલુકામાં 5 હજાર 838 હેક્ટરમાં, દહેગામમાં 3 હજાર 153 હેક્ટરમાં, માણસામાં 2 હજાર 209 હેક્ટરમાં અને કલોલ તાલુકામાં 81 હેક્ટરમાં ખેડૂતો દ્વારા વાવેતર કરવામાં આવ્યું છે.
સૂત્રોએ વધુમાં ઉમેર્યું હતું કે, સમગ્ર જિલ્લામાં મળીને ઘાસચારાનું વાવેતર 15 હજાર 115હેક્ટરમાં, શાકભાજીનું 5 હજાર 598 હેક્ટરમાં, તમાકુનું 2 હજાર 951 હેક્ટરમાં, રાઇનું 1 હજાર 460 હેક્ટરમાં, ચણાનું 832 હેક્ટરમાં અને વરીયાળીનું 657 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. ગત વર્ષે ડિસેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહમાં ચાર તાલુકા પૈકી માણસા તાલુકામાં 23 હજાર 399 હેક્ટરની સરેરાશ સામે 18 હજાર 543 હેક્ટરમાં, ગાંધીનગર તાલુકામાં 20 હજાર 057 હેક્ટરની સામે 14 હજાર 696 હેક્ટરમાં, દહેગામ તાલુકામાં 17 હજાર 823 હેક્ટરની સામે 14 હજાર 496 હેક્ટરમાં અને કલોલ તાલુકામાં 14 હજાર 409 હેક્ટર વિસ્તારમાં વાવેતરની સરેરાશ સામે 6 હજાર 054 હેક્ટર વિસ્તારમાં વાવેતર મળીને 51 હજાર હેક્ટરથી ઓછા વિસ્તારમાં વાવેતર થયું હતું.