
નવસારી : દક્ષિણ ગુજરાતમાં મેઘાનું આગમન થઈ ગયું છે. પર્યટક સ્થળ સાપુતારામાં તો વર્ષારાણીના આગમનથી લીલીછમ વનરાજીએ સોળે શણગાર સજ્યો હોય એવો નજારો જોવા મળી રહ્યો છે. સાપુતારાની ગીરીમાળાઓમાંથી ખળખળ વહેતા ઝરણાઓથી આહલાદક દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ કુદરતી સુંદરતાનો અદ્દભુત નજારો માણવા માટે પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા.
રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં ચોમાસાની શરૂઆત થઇ ગઇ છે. ચોમાસું શરૂ થતાં જ પ્રકૃતિ સોળેય કલાએ ખીલી ઉઠી છે. એમાં પણ ખાસ કરીને સાપુતારામાં ચોમાસાની સિઝનમાં કાશ્મીરની વાદીઓ જેવો સુંદર નજારો સર્જાયો છે. ગિરિમથક સાપુતારામાં સોમવારે વહેલી સવારે વરસાદી ઝાપટું પડ્યા બાદ ધુમ્મસિયું વાતાવરણ જોવા મળ્યું હતું. જેથી સાપુતારામાં વાદળો સાથે વાતો કરતી પર્વતમાળાના દ્રશ્યો જોવા મળ્યા હતા. આ કુદરતી સુંદરતાનો અદ્દભુત નજારો માણવા માટે પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા.
ડાંગ જિલ્લો એમાંય ખાસ કરીને સાપુતારામાં ચોમાસાની સિઝનમાં હરિયાળી છવાઇ જાય છે. ચોમાસું શરૂ થતાં જ અહીં પ્રવાસીઓની ભીડ જામતી હોય છે. કારણ કે આ હિલ સ્ટેશન ગુજરાત અને મહારાષ્ટ્રની વચ્ચે આવેલું હોવાથી અહીં બંને રાજ્યોમાંથી પ્રવાસીઓ ઉમટી પડે છે. ચોમાસાની સિઝનમાં સાપુતારાને ચાર ચાંદ લાગી જાય છે. કુદરતી સૈદર્યના નયનરમ્ય દ્રશ્યો સર્જાતા હોવાથી પ્રકૃતિપ્રેમીઓની ભીડ પણ જોવા મળે છે. સોમવારે વહેલી સવારે વરસાદી ઝાપટું પડ્યા બાદ વાતાવરણ બદલાતા ધુમ્મસિયું વાતાવરણ જોવા મળ્યું હતું. ગાઢ ધુમ્મસ છતાં સહેલાણીઓ પરિવાર સાથે ટેબલ પોઈન્ટ સાપુતારાના લેક ગાર્ડનમાં મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. સાથે જ ધુમ્મસ ભર્યા વાતાવરણમાં ઝીરો વિઝીબિલિટીને કારણે વાહન ચાલકોને મુશ્કેલી પણ પડી હતી. સાપુતારામાં મોટાભાગની હોટલો પ્રવાસીઓથી ફુલ થઈ ગઈ છે. વરસાદના સમયાંતરે ઝાપટાં પડી રહ્યા હોવાથી ઢોળાવવાળા માર્ગો પર વાહનચાલકોને તકેદારી રાખવા તંત્ર દ્વારા સુચના આપવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં સોમવારે વહેલી સવારથી મેઘમહેર જામી હતી. વલસાડ જિલ્લામાં સવારથી સૌથી વધુ વરસાદ ઉમરગામમાં 9 ઈંચ ખાબક્યો હતો,