WPL 2026: મહિલા પ્રીમિયર લીગનો આજથી પ્રારંભ, ઓપનિંગ સેરેમનીમાં હની સિંહ અને જેકલીન મચાવશે ધૂમ
મુંબઈ 09 જાન્યુઆરી 2026: ક્રિકેટ ચાહકો માટે આજથી રોમાંચની નવી સીઝન શરૂ થઈ રહી છે. મહિલા પ્રીમિયર લીગ (WPL) 2026 નો આજથી શાનદાર પ્રારંભ થઈ રહ્યો છે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં ગત વિજેતા મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામસામે ટકરાશે. નવી મુંબઈના ડી.વાય. પાટિલ સ્પોર્ટ્સ એકેડમી ખાતે રમાનારી આ મેચ હાઈ-વોલ્ટેજ રહેવાની પૂરી શક્યતા છે.
ગ્લેમર અને મ્યુઝિકનો તડકો: ઓપનિંગ સેરેમની
મેચ શરૂ થતા પહેલા સાંજે 6.45 વાગ્યે એક ભવ્ય ઓપનિંગ સેરેમની યોજાશે. જેમાં બોલીવુડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસ, મિસ યુનિવર્સ હરનાઝ સંધુ અને ફેમસ રેપર યો યો હની સિંહ પર્ફોર્મ કરશે. ખાસ વાત એ છે કે હની સિંહ ભારતમાં પ્રથમ વખત કોઈ સ્પોર્ટ્સ ઈવેન્ટમાં પોતાની કળા પ્રદર્શિત કરશે. નવી મુંબઈના ડો. ડીવાય પાટિલ સ્પોર્ટ્સ એકેડમી ખાતે સાંજના 7 કલાકે ટોસ ઉડાવવામાં આવશે અને 7.30 કલાકે મેચનો પ્રારંભ થશે.
હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં મુંબઈ ઈન્ડિયન્સ અને સ્મૃતિ મંધાનાની આગેવાનીમાં આરસીબી મેદાનમાં ઉતરશે. અત્યાર સુધી બંને ટીમો વચ્ચે 7 મુકાબલા થયા છે, જેમાં મુંબઈ 4 અને બેંગ્લોર 3 મેચ જીત્યું છે. WPLની અત્યાર સુધીની 3 સીઝનમાં મુંબઈ 2 વાર અને આરસીબી 1 વાર ચેમ્પિયન બન્યું છે, જ્યારે દિલ્હી કેપિટલ્સ ત્રણેય વખત રનર-અપ રહી છે.
મુંબઈ ઈન્ડિયન્સ (MI): હરમનપ્રીત કૌર (કેપ્ટન), હેલી મેથ્યુઝ, જી. કમાલિની (વિકેટકીપર), નેટ સાયવર-બ્રન્ટ, એમેલિયા કેર, અમનજોત કૌર, સજીવન સજના, પૂનમ ખેમનાર, સંસ્કૃતિ ગુપ્તા, શબનીમ ઈસ્માઈલ, ત્રિવેણી વશિષ્ઠ, નલ્લા રેડ્ડી, રાહિલા ફિરદોસ, મિલી ઈલિંગવર્થ, સાયકા ઈશાક, નિકોલા કેરી.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB): સ્મૃતિ મંધાના (કેપ્ટન), જ્યોર્જિયા વોલ, ગૌતમી નાઈક, ગ્રેસ હેરિસ, રિચા ઘોષ (વિકેટકીપર), નાદિન ડી ક્લાર્ક, પૂજા વસ્ત્રાકર, રાધા યાદવ, શ્રેયંકા પાટિલ, અરુંધતી રેડ્ડી, લોરેન બેલ, કુમાર પ્રત્યુષા, સયાલી સતઘરે, પ્રેમા રાવત, દયાલન હેમલતા, લિન્સે સ્મિથ.
વધુ વાંચો: કાશીમાં કડકડતી ઠંડી પર આસ્થા ભારે: બાબાના દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર


