1. Home
  2. ગુજરાતી
  3. મહેનત તમારા સિદ્ધાંતોનું પાલન કરવા માટે કરો અને જીવનમાં તેના માટે જ લડવાનું હોય છે: કલ્પન શાહ
મહેનત તમારા સિદ્ધાંતોનું પાલન કરવા માટે કરો અને જીવનમાં તેના માટે જ લડવાનું હોય છે: કલ્પન શાહ

મહેનત તમારા સિદ્ધાંતોનું પાલન કરવા માટે કરો અને જીવનમાં તેના માટે જ લડવાનું હોય છે: કલ્પન શાહ

0

-વિનાયક બારોટ

અમદાવાદ: “જનસેવા એજ પ્રભુસેવા” આ વાતને તો અનેક વ્યક્તિઓ માને છે અને તેને લગભગ બધા જ અનુસરતા હશે પણ આ સિવાય દુનિયામાં એવા અસંખ્ય લોકો છે જેમના માટે જનસેવા નહીં પણ દરેક જીવની સેવા એ પ્રભુ સેવા છે. દરેક જીવની સેવા એટલે કે માણસોની સાથે સાથે પ્રાણી-પક્ષીઓની પણ સેવા.

આવા વિશેષ વ્યક્તિઓમાંથી એક છે કલ્પન શાહ, જેમને સ્વ.રમણલાલ શાહ(સાધના સાપ્તાહિક)ના પૌત્ર અને શ્રી અજીતભાઈ શાહ(અજીત એડ્સ)ના પુત્ર તરીકે આપણે સૌ પરીચીત છે જ – પરંતુ આજે જીવદયાને સમર્પિત અને જીવદયા માટે નિષ્ઠાપૂર્વક કામ કરનારા એવા કલ્પન શાહની ઓળખાણ કરાવીશું જેઓ હાલ સૌથી નાની ઉંમરમાં જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ પાંજરાપોળના ટ્રસ્ટી છે અને જીવદયા માટે એમના જીવનના શું ઉદેશ્યો છે તે વિશે જણાવીશું.  

કલ્પન શાહએ શેઠ સીએન કોલેજમાંથી ફાઈન આટર્સ કર્યું છે અને એમકોમમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. કલ્પન શાહ પોતાના જીવનમાં પ્રાણી-પક્ષીઓની સેવાને ખૂબ મહત્વ આપે છે અને માને છે કે દરેક જીવને જીવવાને અધિકાર છે.

કલ્પન શાહની બાળપણથી જ પ્રાણી-પક્ષીઓ પ્રત્યે લાગણી

કલ્પન શાહએ પોતાના બાળપણના એક પ્રસંગને યાદ કરતા જણાવ્યું કે તેઓ નાનપણથી જે પ્રાણીઓ સાથે રહેવું વધારે ગમતું હતું અને તેથી તેઓ તેમના ઘરે દૂધ આપવાવાળા પાસેથી થોડું વધારે દૂધ લેતા હતા અને પોતાના ઘરની આજુબાજુના કુતરાના બચ્ચાઓને દૂધ પીવડાવી દેતા હતા. નાનપણમાં તેમને ઘરમાં પ્રાણીઓ પાળવાનો શોખ હતો પણ ઘરમાંથી પરવાનગી ન મળવાના કારણે તેમનો એ શોખ પુરો થયો નહીં.

જીવદયા ટ્રસ્ટ સાથે પહેલી યાદગાર મુલાકાત અને તે બાદ જીવદયા પર વિશ્વાસ

કલ્પન શાહની જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ સાથે પહેલી મુલાકાત ત્યારે થઈ જ્યારે તેઓ મણીનગરથી સિફ્ટ થઈને પાલડી રહેવા આવ્યા હતા અને ઉતરાયણના દિવસે તેઓ એક ઈજાગ્રસ્ત પક્ષીને લઈને જીવદયા ટ્રસ્ટમાં ગયા હતા અને ત્યાં ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કહેવામાં આવ્યું કે આ પક્ષી જીવી શકશે નહીં જો કે આવુ કહ્યા બાદ કલ્પન શાહ તેમના પક્ષીને લઈને બહાર નીકળી ગયા હતા.

કલ્પન શાહ તે સમયે મૂંઝવણમાં હતા અને જીવદયા સંસ્થા વિશે કાંઈ ખાસ જાણતા પણ હતા નહીં,  તેથી તે વિચારતા હતા કે અજાણ્યા વ્યક્તિની હાથમાં એક પક્ષીને કેવી રીતે સોંપી દે? પણ થોડા સમય બાદ તેમની મુલાકાત એક વ્યક્તિ સાથે થઈ હતી અને તેમણે કહ્યું હતું કે જીવદયા સંસ્થા પ્રાણી-પક્ષીઓ માટે અમદાવાદની શ્રેષ્ઠ સંસ્થા છે અને વિશ્વાસ કરીને આપી દો અને તે બાદ વિશ્વાસ કરી પક્ષીને જીવદયામાં આપી દીધું.

કલ્પન શાહએ તે અજાણી વ્યક્તિના કહેવા પર જીવદયામાં પક્ષી એટલે આપ્યું હતું કારણ કે તેમના માટે  સંસ્થા પર વિશ્વાસ કર્યા કરતા વધારે જરૂરી પક્ષીનો જીવ બચાવવાનું હતું. જો કે જીવદયાના નિયમો મુજબ જે કોઈ પણ પક્ષીને ત્યાં લઈને આવે છે ત્યાર બાદ તે પક્ષીની સારવાર કરીને તેને આઝાદ કરી દેવામાં આવે છે અને તેને કેદ કરવામાં આવતું નથી કે પરત કરવામાં પણ આવતું નથી.

જીવદયા માટે કામ કરવાનું શરૂ કર્યું

પક્ષીનો જીવ બચાવ્યા બાદ કલ્પન શાહે નિયમિત રીતે જીવદયામાં જવાનું શરૂ કર્યું હતુ અને અમુક મુલાકાત કર્યા બાદ તેમને પાંજરાને લઈને સંસ્થાની અનેક સમસ્યાઓ જોવા મળી હતી. આ સમસ્યાઓનું નિરાકરણ આવે તે માટે કલ્પન શાહએ જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટને એક પ્લાન આપ્યો હતો. આ બાબતે જીવદયાના મેનેજર અને ટ્રસ્ટીએ ચર્ચા કર્યા બાદ કલ્પન શાહને તે પ્રોજેક્ટ પર કામ કરવાની તક આપી હતી અને તે સમય હતો જ્યારે કલ્પન શાહએ જીવદયા માટે સ્વયંસેવક તરીકે કામ કર્યું હતુ.

આ બાદ વર્ષ 2009-10માં તેમણે જીવદયા ટ્રસ્ટને મેનેજમેન્ટ પ્લાન આપ્યો પણ હતો અને તેના પર કામ કરવાની તક મળી હતી, જો કે આ સમયે જીવદયા ટ્રસ્ટ 2-3 વર્ષ જુનું હશે તેવું કલ્પન શાહએ કહ્યું હતુ.

જીવદયા ટ્રસ્ટમાં એડવાઈઝરી બોર્ડના સદસ્ય

કલ્પન શાહ જે રીતે જીવદયા ટ્રસ્ટ માટે કામ કરતા હતા તે વાતથી સૌ કોઈ જાણકાર હતા અને તેમની કામ કરવાની નિષ્ઠા અને ધગશને કારણે તેમને નાની ઉંમરે જ એડવાઈઝરી બોર્ડના મેમ્બર બનાવવામાં આવ્યા હતા.

કલ્પન શાહને તેના ટુંક સમયમાં તો ટ્રસ્ટી પદની જવાબદારી સંભાળવાનું પણ કહેવામાં આવ્યું હતું અને તે સમયે તેમની ઉંમર 24 વર્ષની હતી. કલ્પન શાહએ કહ્યું કે જીવદયાના ઈતિહાસમાં તે એક જ હતા કે જેમને સૌથી નાની ઉંમર પર આ જવાબદારી માટે યોગ્ય સમજવામાં આવ્યા હતા.

પિતાશ્રી તરફથી મળેલું મહત્વનું સલાહ-સૂચન

કલ્પન શાહની પ્રગતિ, નિષ્ઠા અને કામ પ્રત્યેના લગાવથી તેમની આસપાસના દરેક વ્યક્તિ ખુશ હતા અને તેથી તેમના પિતાશ્રીએ તેમને મહત્વની વાત કહી હતી જે કલ્પન શાહ માટે ખૂબ જરૂરી હતી. કલ્પન શાહને ખુબ નાની ઉંમરમાં વધારે સફળતા મળી હતી અને આ બાબતે તેમના પિતાશ્રીએ તેમને મહત્વનું સલાહ-સૂચન આપતા જણાવ્યું હતું કે “સામાજીક સંસ્થામાં આટલી ઝડપથી કોઈને આગળ આવવા દેતા નથી, પણ તારી પ્રગતિ થઈ છે. આમાં તારી મહેનત અને પૂણ્ય છે પણ આ મળવાથી છકી ન જતો અને ભવિષ્યમાં તારા કારણે સંસ્થાને કોઈ નુક્સાન થાય તેવુ પણ ન કરતો.”

ટ્રસ્ટીની જવાબદારી ન અસ્વીકાર અને તેનું કારણ

કલ્પન શાહને નાની ઉંમરે ટ્રસ્ટી પદની જવાબદારી સંભાળવાની તક મળી હતી પણ તેનો તેમણે સ્વીકાર કર્યો હતો નહીં. આ પાછળનું કારણ એક જ હતું કે તેઓ તે સમયે પોતાને ટ્રસ્ટી પદને યોગ્ય સમજતા ન હતા અને તેમને સ્વયંસેવક તરીકે વધારે કામ કરવું હતુ. જો કે આ બાબતે તેઓએ નિર્ણય લીધો હતો કે  જ્યારે તેઓ પોતાને ટ્રસ્ટીના પદ માટે યોગ્ય સમજશે ત્યારે જણાવશે.

હાલ તેઓ છેલ્લા દોઢ વર્ષથી જીવદયાના ટ્રસ્ટી તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે અને મોટી વાત તો એ છે કે તેઓ આજે પણ પોતાને એ સામાન્ય જીવદયાના કાર્યકરથી વધારે માનતા નથી.

જીવદયામાં આવેલા બદલાવ વિશે કલ્પન શાહનો મંતવ્ય

જીવદયામાં કલ્પન શાહ છેલ્લા કેટલાક વર્ષોથી જોડાયેલા છે અને આ સમય દરમિયાન તેમણે કેટલીક મોટી જવાબદારીઓ પોતાના ખભા પર ઉપાડી અને નિષ્ઠાપુર્વક કામ કર્યું. જીવદયામાં છેલ્લા કેટલાક વર્ષોમાં આવેલા બદલાવ વિશે તેમણે કહ્યું કે જીવદયા જેટલા પણ અંશે બદલાયું છે તેની પાછળ જીવદયામાં કામ કરનારા સહભાગી અને તેમની ટીમને શ્રેય જાય છે અને જીવદયાના નવા અને જૂના ટ્રસ્ટીઓનું જીવદયાના સર્જનમાં ખૂબ મહત્વનું યોગદાન છે. જીવદયા સાથે સંકળાયેલા દરેક લોકોએ નવા વિચારોને અને નવી વાતોને સ્વીકારી.

17 વર્ષની ઉંમરે 600 જેટલા ઘેટા-બકરાને કતલખાનાથી બચાવ્યા

આ ઘટના છે વર્ષ 2005ના આસપાસની, કે જ્યારે તેમના ફ્લેટમાંથી એક વ્યક્તિએ 600 જેટલા ઘેટા-બકરાને કતલખાનાએથી છોડાવ્યા હતા અને તે બાદ તે ઘેટા-બકરાને પાંજરાપોળ મુકી આવ્યા હતા. આ ઘટના બાદ કલ્પન શાહને પણ લાગ્યું કે તેમણે પણ આવું કાંઈક કરવું જોઈએ અને તે માટે તેમણે સોસાયટીના મિત્રો સાથે મળીને ભંડોળ એકત્રિત કરવાનું નક્કી કર્યું હતુ.

નસીબ જોગે જે વાત તેમને અશક્ય બરાબર લાગતી હતી તે વાત સાચી સાબિત થઈ અને તેમણે અને તેમના મિત્રોએ ભેગા થઈને પહેલા જ દિવસે 1 લાખ રૂપિયા એકત્રિત કર્યા હતા. જો કે આ પછી બીજા અને ત્રીજા દિવસે પણ 1 લાખ જેટલા રૂપિયા ભેગા કર્યા હતા.

મહત્વની વાત તે હતી કે આ પ્રકારની મદદમાં તેમને એક સોસાયટીના સદસ્યએ જણાવ્યું હતું કે તેઓ જેટલા રૂપિયા ભેગા કરશે એટલા રૂપિયા તે વ્યક્તિ પણ આપશે, તો આમ કુલ કલ્પન શાહ અને તેમના મિત્રોએ ભેગા થઈને 4.5 લાખ જેટલા રૂપિયા ભેગા કર્યા અને તેમને જે વ્યક્તિએ વચન આપ્યું હતુ તેમણે પણ 4.5 લાખ રૂપિયા આપ્યા, એટલે કે કલ્પન શાહ અને તેમની ટીમ પાસે એક જ અઠવાડિયામાં 9 લાખ રૂપિયા ભેગા થઈ ગયા હતા.

આ ભંડોળથી કલ્પન શાહ અને તેમની ટીમે 600થી વધારે ઘેટા-બકરાને છોડાવ્યા હતા અને આ કામ કર્યા બાદ તેઓને એક વાત ખબર પડી કે સારું કામ કરવું હોય તો ઈશ્વર પણ મદદ કરે છે.

પ્રાણીઓને લઈને કલ્પન શાહ અને જીવદયાની લાગણી

આજના સમયમાં ઘણા બધા લોકો અનાથ આશ્રમ કે બાળ આશ્રમમાંથી બાળકોને દત્તક લેતા હોય છે અને સારસંભાળ કરતા હોય છે પણ પ્રાણીઓમાં જો પ્રાણી કે પક્ષીની માતાનું મૃત્યું થાય તો શુ.? તો આ માટે પણ જીવદયા કામ કરે છે. જીવદયામાં કામ કરતા લોકોએ એવી ટેક્નિક બનાવી છે અને તેમાં તેઓ કોઈ શ્વાનના બચ્ચાની મા મરી ગઈ હોય તો તે એકલું ન પડે અથવા બચ્ચા મરી ગયા હોય અને માદા શ્વાનને એકલતા ન લાગે તે માટે શ્વાનના બચ્ચાઓની ફેરબદલ કરે છે જેથી કે પ્રાણીઓની લાગણી સચવાઈ રહે અને એકલતા ન અનુભવે.

અનાથ વાંદરાના બચ્ચાને વાંદરાના ટોળામાં ભેળવ્યું

અત્યાર સુધીમાં કલ્પન શાહ અને ટીમ દ્વારા અસંખ્ય પ્રાણીઓને તેમના અનુકુળ વાતાવરણમાં પરત મોકલવામાં આવ્યા છે અને તેમાનો એક પ્રયોગ તેમણે કપીરાજ પર પણ કર્યો છે. આ ઘટનામાં કલ્પન શાહ દ્વારા 14-16 દિવસ અનાથ વાંદરાના બચ્ચાને બહારના વાંદરાના ટોળા સાથે મુકતા હતા અને સમય જતા જતા અન્ય વાંદરાનું ટોળું બસ તે અનાથ વાંદરા બચ્ચા માટે આવતું થઈ ગયું. જતા જતા એક દિવસ એવો પણ આવ્યો કે તે વાંદરાનું ટોળુ અનાથ વાંદરાના બચ્ચાને પોતાની સાથે લઈને જતું રહ્યું.

તો કલ્પન શાહ દ્વારા પ્રાણીઓને લઈને આ પ્રકારના પ્રયાસો પણ કરવામાં આવે છે અને પ્રાણીઓ પોતાના અનુકુળ વાતાવરણમાં રહે તા માટે પણ પ્રયત્નો કરી રહ્યા છે.

6 લાખથી વધારે પ્રાણી અને પક્ષીઓની ટ્રિટમેન્ટ

કલ્પન શાહે પોતાના કામ અને તેની જવાબદારી વિશે વધારે જણાવતા કહ્યું કે તેમના ટ્રસ્ટ દ્વારા 6 લાખથી વધારે પ્રાણી અને પક્ષીઓને સારવાર આપવામાં આવી છે. જીવદયાના કામ વિશે જણાવતા કહ્યું કે પ્રાણીઓ અને પક્ષીની સારવાર માટે મોબાઈલ વાન સેવા પણ શરૂ કરવામાં આવી છે અને કેટલીક વાર ફંડની પણ મુશ્કેલી પડી શકે છે પણ જીવદયા માને છે કે જીવદયાનું કામ ઈશ્વરનું કામ છે.

જીવદયા વિશે મહત્વની વાત કરતા જણાવ્યું કે ભંડોળના કારણે જીવદયાને બંધ કરવાનો વારો આવ્યો નથી અને ક્યાંકથી ને ક્યાંકથી મદદ મળી જ જાય છે. લોકડાઉનના સમયમાં પણ રોજના અલગ અલગ વિસ્તારમાં જઈને 500-600 શ્વાનને ભોજન પુરું પાડતા હતા.

પ્રાણી-પક્ષીઓને લઈને તેમની અને તેમના પરિવારની વિચારધારા

ઘર્મેથી જૈન – કલ્પન શાહ માને છે કે તેમના ઘરમાં જો કીડી પણ નીકળે તો તેને બહાર મુકી દેવામાં આવે છે પરંતુ કોઈ પણ જીવને મારવામાં આવતો નથી. તેમન ઘરમાં તમામ લોકો માને છે કે આ દુનિયામાં દરેક જીવને જીવવાનો અધિકાર છે.

જીવનમાં પ્રાણીઓ-પક્ષીઓ માટે આટલું કર્યા પછી તેમને અનુભવ થયો કે જ્યારે તેઓ પોતાનો પ્રાણી પ્રત્યેનો પ્રેમ વિશ્વવના તમામ પ્રાણીઓ માટે રાખી શકે છે તો કોઈ એક પ્રાણીને ઘરે લાવીને તે પ્રેમને મર્યાદિત કેમ કરે અને આ વાતે તેમને પ્રાણીઓને સેવા માટે પ્રોત્સાહિત કર્યા છે.

દાદા રમણલાલ શાહ તરફથી મળેલા સંસ્કાર

કલ્પન શાહએ કહ્યું કે તેમને તેમના દાદા રમણલાલ શાહ પાસેથી અનેક વાતો જાણવા મળી છે અને તેમાંથી તેઓ ઘણું બધુ શીખતા હતા. તેમના દાદા વિશે કલ્પન શાહએ કહ્યું કે “મારા દાદા મને હંમેશા કહેતા હતા કે કલ્પન જ્યાં સુધી તારામાં સેવાનો ભાવ છે અને તુ નિ:સ્વાર્થ છે ત્યાં સુધી કોઈ જીવદયાના કામને રોકી નહી શકે પણ જે દિવસે નીતિ બગડી તે દિવસે અને જો કાંઈ ખરાબ થયું ત્યારે વિચારજે કે કાંઈ ખોટું થઈ રહ્યુ છે.”  

કલ્પન શાહ તેમના દાદાએ શીખવાડેલી વાતોનું નિષ્ઠાપૂર્વક પાલન કરી રહ્યા છે, સ્વ.રમણલાલ શાહએ તેમના પૌત્ર કલ્પન શાહને કહ્યું હતું કે “ક્યારેય આ સંસ્થાના માલિક બનવાનો પ્રયત્ન ન કરતા, કારણ કે આ સમાજની જવાબદારી છે અને સમાજે આ જવાબદારી તમને આપી છે તો ક્યારેય આ જવાબદારીને લઈને ઘમંડ કે અભિમાની પણ ન બનતા.”

જીવદયામાં કામ કર્યાનો સંતોષ

જીવદયામાં આગળ કેટલા વર્ષો કામ કરતા રહેશે તેના વિશે કલ્પન શાહે જણાવ્યું નહીં પણ તેમણે જે જીવદયાની સેવાને લઈને જે વાત કરી તે દરેક લોકોએ શીખવી જોઈએ.

કલ્પન શાહે કહ્યું કે તેમને પ્રાણીઓ અને પક્ષીઓને સેવા કરવાનો સંતોષ છે અને કહ્યું કે “જ્યારે કદાચ હું મરીશ ત્યારે મને અફસોસ નહીં હોય, કારણ કે તેમણે માત્ર પૈસા જ નહીં કમાયા હોય પણ તેમને તે વાતનો ગર્વ પણ હશે કે તેઓએ પોતાના જીવનમાં અનેક સારા કામ કર્યા છે અને જીવદયાનો ઉપકાર છે કે જીવદયાએ તેમને આ કામ કરવા માટે તક આપી છે.

જીવદયાના કેવી રીતે ચાલે છે તેના વિશે તેના જીવનની યાદગાર પળ

ગત ઉતરાયણનો કિસ્સાને યાદ કરતા તેમણે જણાવ્યું કે તેમની પાસે એક વ્યક્તિ આવ્યા હતા અને તેમણે પુછ્યું હતું કે તમારી પાસે મુડી સિવાયનું ભંડોળ કેટલું?  આ બાબતે કલ્પન શાહે જવાબ આપતા કહ્યું કે જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ દર વર્ષે પ્રાણી અને પક્ષીઓની સેવા માટે 1.5 કરોડ વાપરે છે અને જીવદયાની ટીમ ક્યારેય પગાર લેતી નથી અને ક્યાંય કોઈ જગ્યા પર જમ્યા પણ હોય તો તેના પૈસા પણ મુકે છે. કલ્પન શાહએ કહ્યું કે સમાજે જે જવાબદારી સોપી છે તે ભાગરુપે તેઓ કામ કરી રહ્યા છે માણસ છે તો અને ભૂલ થઈ શકે છે પણ ક્યારેય કોઈ બાબતે ખોટી ઈચ્છા રાખતા નથી અને જીવદયાને પોતાની જાગીર પણ સમજતા નથી.

તેઓ તે પણ કહ્યું કે જે વ્યક્તિ સંસ્થાને યોગ્ય હશે તેને જવાબદારી આપવામાં આવશે અને જ્યારે જો કદાચ ફંડનો પ્રોબ્લેમ ઉભો થશે તો સમજીશું કે આપણું પુણ્ય અને કામ ક્યાંક ઓછુ છે અને બંધ કરી દઈશું પણ આજ સુધી તેઓ દિવસ આવ્યો નથી. જ્યારે પણ ખોટ આવે ત્યારે કદાચ થોડા સમય માટે નુક્સાન થાય છે પણ પછી ક્યાંકથી પૈસા પણ આવી જ જાય છે.

આ વાત સાંભળ્યા બાદ તે બાદ તે વ્યક્તિએ 1 લાખ રૂપિયાનો બ્લેન્ક ચેક આપ્યો અને કલ્પન શાહે કહ્યું કે ઈશ્વર જ અમારી મદદ કરે છે અને તમે અત્યારે ઈશ્વર બનીને આવ્યા છો. જીવદયાને ચલાવવાની જવાબદારી સમાજની છે કલ્પનશાહની નહીં.

કલ્પન શાહના જીવનની અન્ય વાતો

કલ્પન શાહનો પોતાનો ફેમિલી બિઝનેસ પણ છે જેમાં બિઝનેસમાં પણ તેઓ માને છે કે જે વસ્તું કોઈ જીવની હત્યા સાથે જોડાયેલી હોય કે કોઈની જીવનને નુક્સાન પહોંચાડતી હોય તે વસ્તુની જાહેરાત કે તેનું કામ હાથમાં લેતા નથી.

કલ્પન શાહ તેમની એડ એજન્સી( જાહેરાત એજન્સી)માં કોઈ એવા રેસ્ટોરેન્ટ, નોન-વેજ, ગુટખા, પાન, તમ્બાકુ કે કોઈ પણ વસ્તુની જાહેરાતનું કામ પણ હાથમાં લેતા નથી જેમાં કોઈના જીવનું જોખમ રહેલું હોય.

જીવનમાં પૈસાના મહત્વ પર કલ્પન શાહનો અભિપ્રાય

કલ્પન શાહ માને છે કે જીવનમાં પૈસા કમાવવા જરૂરી છે પણ જીવનમાં રૂપિયા બધું જ નથી, તેઓ માને છે કે જીવનમાં પૈસા હોય તો તેને સારા કામમાં વાપરી નાખવા જોઈએ અને જો તમે નહીં વાપરો તો રૂપિયા પણ ભગવાનનું સ્વરૂપ છે તે ક્યાંકને ક્યાંક પોતાનો રસ્તો શોધી જ લેશે.

તો આ છે કલ્પન શાહની જીવન ગાથા, કે જેઓએ સમાજમાં પ્રાણી અને પક્ષીઓ માટે અનેક કામ કર્યા, અને આ કામથી તેઓ સંતુષ્ટ પણ છે. કલ્પન શાહ માને છે કે મહેનત તમારા જીવનના સારા સિદ્ધાંતોના પાલન કરવા માટે કરવાની છે અને જીવનમાં તેના માટે જ લડવાનું હોય છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.