1. Home
  2. પાણીની અછત વચ્ચે ઉનાળુ વાવેતર ઘટ્યુઃ ગત વર્ષ કરતા 12 ટકા ઓછું

પાણીની અછત વચ્ચે ઉનાળુ વાવેતર ઘટ્યુઃ ગત વર્ષ કરતા 12 ટકા ઓછું

0

અમદાવાદઃ રાજ્યમાં ગત ચોમાસામાં ઓછો વરસાદ થયો હોવાથી જળાશયોમાં નવા પાણીની ઓછી આવક થઈ હતી. જેથી ઉનાળાના આરંભ પૂર્વે જ જળાશયોના તળીયા દેખાવા લાગ્યાં હતા. જેથી ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીની સમસ્યા ઉભી થઈ છે. પાણીની અછત ઉનાળુ પાકના વાવેતર પર જોવા મળે છે. આ વર્ષે ગત વર્ષની સરખામણીમાં લગભગ 12.34 ટકા જેટલુ ઓછું વાવેતર થયું છે.

ખેડૂતો ઉનાળા પહેલાથી જ સિંચાઈ માટે પાણીની માંગણી કરી રહ્યાં છે. બીજી તરફ રાજ્યમાં દુષ્કાળના ડાકલા વાગી રહ્યાં છે. ત્યારે રાજ્યમાં ઉનાળામાં ડાંગર, બાજરી જેવા ધાન્ય પાક, કઠોળ અને તેલિબિયા પાકનું ઓછુ વાવેતર થયું છે. અંદાજે 96611 હેકટર જમીનમાં ઉનાળુ વાવેતર ઓછું થયું છે. ડાંગર, મગફળી, મગ, અડદ અને મગફળીનું વાવેતર પણ ઘટ્યું છે. ઉનાળુ વાવેતર ઘટતા ડાંગર, બાજરી, મગફળી અને ડુંગળીના ભાવમાં આગામી દિવસોમાં વધારો થાય તેવી શકયતા છે.

રાજ્યના કૃષિ વિભાગ દ્વારા જાહેર કરવામાં ઉનાળુ વાવેતરના રિપોર્ટના આધારે ગુજરાતમાં ઉનાળામાં કુલ 7.83 લાખ હેકટર જમીનમાં વિવિધ પાકોનું વાવેતર થાય છે. ચાલુ વર્ષે દુષ્કાળનો સામનો કરતા રાજ્યના ખેડૂતો સિંચાઈના પાણી માટે વલખા મારી રહ્યાં છે. તેની અસર ઉનાળુ વાવેતર પર જોવા મળી છે. ચાલુ વર્ષે ઉનાળામાં 6,86 લાખ હેકટરમાં જ વાવેતર થયું છે. એટલે કે રાજ્યના કુલ વાવેતર વિસ્તારની સરખામણીમાં 97 હજાર હેકટર જમીનમાં ઓછુ વાવેતર થયું છે.

રાજ્યમાં ચિંતાજનક બાબત એ છે કે મગફળીના કુલ વાવેતર વિસ્તારમાં સૌથી વધુ 53.58 ટકા એટલે કે 32390 હેકટરનો ઘટાડો થયો છે. ડાંગર અને બાજરી જેવા ધાન્ય પાકોના કુલ વાવેતર વિસ્તારમાં 47538 અને કઠોળના વાવેતરના વિસ્તારમાં 16498 હેકટરનો ઘટાડો નોંધાયો છે. રાજયમાં ઉનાળામાં 11375 હેકટરમાં વાવેતર થાય છે. જેની સરખામણીએ ચાલુ વર્ષે માત્ર 1814 હેકટરમાં જ વાવેતર થયું છે. આમ ડુંગડીના વાવેતરના વિસ્તારમાં 84 ટકાનો ઘટાડો થયો છે. આ ઉપરાંત શેરડીના વાવેતરમાં 48.87 ટકા ઘટાડો નોંધાયો છે.

રાજ્યના ઝોન અનુસાર નજર કરવામાં આવે તો કચ્છ ઝોનમાં 23,400 હેકટરમાં, સૌરાષ્ટ્રમાં 86200, ઉત્તર ગુજરાતમાં 3.52 લાખ, મધ્ય ગુજરાતમાં 1.70 લાખ અને દક્ષિણ ગુજરાતનાં 54800 હેકટર જમીનમાં ઉનાળુ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code