ગાંધીનગર, 15 ઓક્ટોબર 2026: ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં આવેલી છત્રાલ GIDCની કેમિકલ કંપનીમાં બોઈલર ફાટવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં કંપનીમાં કામ કરી રહેલા ચાર પરપ્રાંતિય શ્રમિકો મોતને ભેટ્યા છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, છત્રાલ GIDCમાં આવેલી ‘કોવિકા ડાઈઝ’ નામની કેમિકલ કંપનીમાં આજે શ્રમિકો રાબેતા મુજબ કામ કરી રહ્યા હતા. આ દરમિયાન કેમિકલ પ્લાન્ટની બોઈલર નોઝલમાં અચાનક પ્રેશર વધી ગયું હતુ, જેના પરિણામે બોઈલ પ્રચંડ ધડાકા સાથે ફાટ્યું હતુ.
આ વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે, બોઈલરની આસપાસ કામ કરી રહેલા પરપ્રાંતિય શ્રમિકો હવામાં ફંગોળાઈને ફેક્ટરીની દીવાલ સાથે ભટકાઈને નીચે પટકાયા હતા. આ ઘટનામાં ચારેય શ્રમિકોને ગંભીર ઈજા પહોંચતા તેમના સ્થળ પર જ મોત નીપજ્યા હતા.
બીજી તરફ આ ઘટનાની જાણ થતાં કલોલ તાલુકા પોલીસ તેમજ ફાયર બ્રિગેડ, મામલતદાર અને FSL સહિતનો કાફલો તાત્કાલિક સ્થળ પર આવી પહોંચ્યો હતો. હાલ તો બ્લાસ્ટ થવાનું ચોક્કસ કારણ જાણવાની દિશામાં તપાસનો દોર લંબાવ્યો છે.
પ્રાથમિક તપાસમાં મૃતકોની ઓળખ, વિનોદ શિંદ, ટેડા દેહારી, લભણ મીણા, સિકંદર દેહરી તરીકે થઈ છે. જ્યારે કંપની પાસે જરૂરી ફાયર NOC હોવાનું પણ સામે આવ્યું છે. FSLના રિપોર્ટ બાદ જ બ્લાસ્ટ થવાનું ચોક્કસ કારણ સામે આવશે.
વધુ વાંચો: નાઇજીરિયામાં સૈન્ય બેઝ પર ઇસ્લામિક કટ્ટરપંથીઓનો હુમલો, 10 સૈનિકોનાં મોત


