નખત્રાણા, 13 ઓક્ટોબર, 2026 : Seva cleaning campaign કચ્છના સુપ્રસિદ્ધ તિર્થસ્થાન માતાના મઢ એવા આશાપુરા માતાજીના દર્શનાર્થે પદયાત્રીઓ આવી રહ્યા છે. દુર દુરથી આવતા પદયાત્રીઓ માટે માર્ગો પર ઠેર ઠેર સેવા કેમ્પો ઊભા કરવામાં આવ્યા છે. જોકે છેલ્લા બે દિવસથી પદયાત્રીઓનો પ્રવાહ ઘટતાં જ સેવા સાથે સ્વચ્છતાને પ્રાથમિકતા આપીને વહીવટી તંત્ર દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. નખત્રાણા પ્રાંત અધિકારીની સૂચના અને માર્ગદર્શન હેઠળ નખત્રાણા તાલુકામાં 20 તથા લખપત તાલુકામાં પાંચ ટીમોની રચના કરીને સફાઈ કામગીરીની કરવામાં આવી રહી છે. સેવા કેમ્પો પાસેથી કચરો ઉઠાવીને સાફ-સફાઈ કરવામાં આવી રહી છે.
નવરાત્રી દરમિયાન માતાના મઢમાં આશાપુરા માતાજી માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. જેમાં નવરાત્રીના પર્વ પહેલા જ મોટી સંખ્યામાં દુર દુરથી પદયાત્રીઓ માતાજીના દર્શન માટે આવ્યા હતા. માતાના મઢ તરફ જતા માર્ગ પર વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા પદયાત્રીઓ માટે ભોજન, પાણી અને અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. જોકે, યાત્રા પૂર્ણ થયા બાદ કેમ્પોની આસપાસ સ્વચ્છતા જાળવવી પણ એટલી જ જરૂરી હોવાથી વહીવટી તંત્રએ આયોજનબદ્ધ કામગીરી શરૂ કરી છે. નખત્રાણા મામલતદાર દ્વારા 20 ટીમો બનાવી દેશલપરથી લીફરી સુધીના માર્ગ પર સફાઈની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જ્યારે લખપત મામલતદાર દ્વારા પાંચ ટીમો બનાવી માતાના મઢ તથા આસપાસના કેમ્પોની સફાઈ સુનિશ્ચિત કરવા પગલાં લેવાયાં છે.
નખત્રાણા તાલુકામાં કેમ્પની આસપાસના 100 મીટરના વિસ્તારને સ્વચ્છ કરવાની જવાબદારી સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓને સોંપવામાં આવી છે. કેમ્પ પૂર્ણ થયા બાદ 24 કલાકની અંદર સફાઈ કામગીરી પૂરી કરાવવા સૂચના આપવામાં આવી છે. માર્ગના અલગ-અલગ રૂટની જવાબદારી સોંપીને ટીમવર્કના આધારે કામગીરી હાથ ધરવામાં આવશે. કેમ્પ સંચાલકોને પણ આ અભિયાનમાં સહભાગી બનાવી હાઇવે અને તેની આસપાસના વિસ્તારોને સ્વચ્છ રાખવા પર ભાર મૂકાયો છે.
લખપત તાલુકામાં માતાના મઢ તરફના કેમ્પો તથા આસપાસના 500 મીટરના વિસ્તારની સફાઈ માટે પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ કામગીરીના નિરીક્ષણ સાથે દરેક કેમ્પની મુલાકાત અને વિગતવાર સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે. આ અભિયાનમાં સ્વચ્છતા જાળવવા માટે કેમ્પ સંચાલકોને પ્રોત્સાહિત કરવાના હેતુથી વહીવટી તંત્ર દ્વારા વિશેષ નિર્ણય લેવાયો છે.


