નવી દિલ્હીઃ પાકિસ્તાનના આતંકવાદ પ્રભાવિત બલૂચિસ્તાન પ્રાંતના, ખુઝદાર શહેરમાં રવિવારે મોડી સાંજે થયેલા શક્તિશાળી બોમ્બ વિસ્ફોટમાં, ઓછામાં ઓછા બે લોકો માર્યા ગયા અને પાંચ ઘાયલ થયા. સ્થાનિક પોલીસે, આ માહિતી આપી હતી. વિસ્ફોટ ખુઝદારના વ્યસ્ત શોપિંગ વિસ્તારમાં ઓમર ફારૂક ચોકમાં થયો હતો. બ્લાસ્ટ સમયે, મહિલાઓ અને બાળકો સહિત મોટી સંખ્યામાં લોકો ઈદની ખરીદીમાં વ્યસ્ત હતા. આ વિસ્ફોટમાં બે લોકોના મોત થયા છે અને પાંચ લોકો ઘાયલ થયા છે.’
પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે,’ અજાણ્યા હુમલાખોરોએ મોટરસાઇકલમાં ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (આઈઇડી) ફીટ કર્યું હતું અને તેને ઓમર ફારૂક ચોકમાં પાર્ક કર્યું હતું. વિસ્ફોટ રિમોટ કંટ્રોલ દ્વારા, કરવામાં આવ્યો હતો. બ્લાસ્ટની જવાબદારી હજુ સુધી કોઈએ લીધી નથી.’ પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં થયેલા બોમ્બ બ્લાસ્ટને પગલે સુરક્ષા એજન્સીઓ વધારે એલર્ટ બની છે. બીજી તરફ સમગ્ર ઘટના અંગે પોલીસે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ તેજ બન્યો છે. તેમજ આ પ્રકરણમાં સંડોવાયેલા લોકોને ઝડપી લેવા માટે ચક્રોગતિમાન કર્યાં છે.
આતંકવાદને પ્રોત્સાહન આપનાર પાકિસ્તાન સામે જ હવે આતંકવાદીઓએ હથિયાર ઉઠાવ્યાં છે. ભારતમાં ભાંગફોડની પ્રવૃતિને પ્રોત્સાહન આપવા માટે પોતાની ધરતી ઉપર આતંકવાદીઓને પાકિસ્તાન તાલીમ આપી રહ્યું છે. આ મામલે ભારતે યુએન સહિતના પ્લેટફોર્મ ઉપર અવાજ ઉઠાવ્યો છે. બીજી તરફ હવે પાકિસ્તાનમાં જ આતંકવાદીઓ આતંકી હુમલાને અંજામ આપી રહ્યાં છે તેમજ સુરક્ષા એજન્સીઓને નિશાન બનાવી રહ્યાં છે. તાજેતરમાં જ ચાઈનીઝ કર્મચારીઓના વાહનને નિશાન બનાવ્યું હતા. આ બનાવમાં પાંચ ચાઈનીઝ નાગરિકના મોત થયાં હતા.

