મિડલ ઈસ્ટમાં યુદ્ધ અંગે જયશંકરે રાજ્યસભામાં વ્યક્ત કરી ચિંતા, 67,000 ભારતીયોની સુરક્ષિત વાપસી
નવી દિલ્હી, 9 માર્ચ 2026: મધ્ય પૂર્વમાં ઈરાન પર અમેરિકા અને ઈઝરાયેલના હુમલા બાદ સર્જાયેલી અશાંતિ વચ્ચે આજે વિદેશ મંત્રી એસ. જયશંકરે સંસદના બંને ગૃહોમાં ભારત સરકારનો પક્ષ રાખ્યો હતો. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, આ સંઘર્ષમાં નિર્દોષ લોકોના મોતથી ભારત દુઃખી છે અને પશ્ચિમ એશિયામાં સ્થિરતા જાળવવી એ ભારતની પ્રાથમિકતા છે. વિદેશ મંત્રીએ રાજ્યસભામાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે ખાડી દેશોના નેતાઓ સાથે સતત સંપર્કમાં છે અને સ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે. ભારતે ઈરાનના વિદેશ મંત્રી સાથે પણ વાતચીત કરી છે. જયશંકરે ઉમેર્યું કે, “આ વિસ્તારમાં વસતા આશરે એક કરોડ ભારતીયોની સુરક્ષા અને ભલાઈ સરકાર માટે સર્વોપરી છે.”
જયશંકરે પશ્ચિમ એશિયાની સ્થિરતાના મહત્વ પર ભાર મૂકતા ત્રણ મુખ્ય મુદ્દાઓ ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ખાડી દેશોમાં 1 કરોડ અને ઈરાનમાં હજારો ભારતીય વિદ્યાર્થીઓ તથા નોકરીયાત વર્ગ છે. ભારત તેની ઊર્જા જરૂરિયાતો (તેલ અને ગેસ) માટે આ વિસ્તાર પર નિર્ભર છે. યુદ્ધને કારણે સપ્લાય ચેઈનમાં અવરોધ ભારતની અર્થવ્યવસ્થાને અસર કરી શકે છે. વિદેશ મંત્રીએ માહિતી આપી કે અત્યાર સુધીમાં આશરે 67,000 ભારતીયો આંતરરાષ્ટ્રીય સરહદો ઓળંગી સુરક્ષિત રીતે પરત ફર્યા છે. ઈરાનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે, જ્યારે વ્યવસાય અર્થે ગયેલા નાગરિકોને આર્મેનિયાના રસ્તે ભારત લાવવામાં મદદ કરવામાં આવી છે. તેહરાનમાં ભારતીય દૂતાવાસ 24 કલાક કાર્યરત અને હાઈ એલર્ટ પર છે.
બીજી તરફ, ખાડી સંકટ અને મોંઘવારી મુદ્દે વિપક્ષે આક્રમક વલણ અપનાવ્યું છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, સપા પ્રમુખ અખિલેશ યાદવ અને અન્ય ‘ઈન્ડિ’ ગઠબંધનના નેતાઓએ સંસદ પરિસરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિપક્ષે ભારતને નેતૃત્વની જરૂર છે, મૌનની નહીં લખેલા બેનરો સાથે પીએમ મોદી પર દેશના હિતો સાથે બાંધછોડ કરવાનો આરોપ લગાવ્યો હતો. લોકસભામાં વિદેશ મંત્રીના ભાષણ દરમિયાન પણ વિપક્ષી સાંસદોએ હોબાળો કરી આ મુદ્દે વિસ્તૃત ચર્ચાની માંગ કરી હતી.
જયશંકરે ફરીથી જણાવ્યું હતું કે, ભારત ‘શાંતિ, સંવાદ અને કૂટનીતિ’ માં માને છે. તેમણે તમામ પક્ષોને સંયમ રાખવા અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અપીલ કરી હતી. ઈરાન અને અમેરિકા-ઈઝરાયેલ વચ્ચે વધતા તણાવને કારણે ઊર્જાના ભાવમાં થયેલા વધારા અંગે તેમણે કહ્યું કે, સરકાર એનર્જી માર્કેટની ઉપલબ્ધતા અને ખર્ચ પર સતત નજર રાખી રહી છે.
આ પણ વાંચોઃ મિડલ ઈસ્ટમાં યુદ્ધ અંગે જયશંકરે રાજ્યસભામાં વ્યક્ત કરી ચિંતા, 67,000 ભારતીયોની સુરક્ષિત વાપસી


