
ભારતના રાજકારણની દિશા અડવાણીની રામજન્મભૂમિ આંદોલન માટેની રથયાત્રાએ બદલી. અડવાણી રામમંદિર નિર્માણ માટે રથમાં ચઢયા તેની સાથે જ ભાજપની દિલ્હી તરફ પહોંચવાની ગતિ પણ ઉત્તરોત્તર વધી ગઈ. 1996માં 13 દિવસ, 1998માં 13 માસ અને 1999માં એક ટર્મ માટે ભાજપને જોડાણ સરકાર બનાવવાનો મોકો મળ્યો હતો. તો 2014માં ભાજપને 30 વર્ષમાં પહેલીવાર લોકસભામાં બહુમતી મેળવનારા પક્ષ તરીકેનું બહુમાન સાંપડયું. નિશ્ચિતપણે 2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદનો ચહેરો હતા. પરંતુ તેની સાથે જ રામજન્મભૂમિ આંદોલન સાથે ભાજપની હિંદુત્વવાદી પાર્ટી તરીકેની છાપ અને નરેન્દ્ર મોદીના રાષ્ટ્રવાદી ચહેરાના કોમ્બિનેશને 2014માં ભાજપને તેના ઈતિહાસની અત્યાર સુધીની સૌથી મોટી જીત અપાવી હતી. આ રામજન્મભૂમિ આંદોલન અને તેના મૂળમાં રહેલા રામમંદિર-બાબરી મસ્જિદ કેસની તારીખની તવારીખ પર એક નજર કરીએ.

1528-29
બાબરના સેનાપતિ મીર બાંકીએ એક મસ્જિદ બનાવડાવી અને તેનું નામ બાબરી મસ્જિદ આપવામાં આવ્યું. હિંદુ માન્યતાઓ પ્રમાણે આ સ્થાન ભગવાન રામનું જન્મસ્થાન છે અને હિંદુ સંગઠનો માની રહ્યા છે કે રામમંદિરને તોડીને મસ્જિદ બનાવવામાં આવી. આ આખા વિવાદની અસલી શરૂઆત 18મી સદીથી થઈ હોવાના દાવા કરાય છે. પરંતુ તે સમયગાળા દરમિયાન પણ ઘણી નાની-મોટી લડાઈ અને ઘર્ષણ થયાના પણ દાવાઓ થઈ રહ્યા છે.
1853
આ સ્થાન પર મંદિર-મસ્જિદને લઈને વિવાદ સામે આવ્યો અને તેમા હિંદુઓએ આરોપ લગાવ્યો હતો કે મંદિર તોડીને મુસ્લિમોએ પોતાનું ધર્મસ્થાન બનાવ્યું છે. આ વાતને લઈને હિંસાના પણ પ્રમાણ મળે છે.
1859
અંગ્રેજી હકૂમતની મધ્યસ્થા દ્વારા વિવાદીત સ્થાનની વહેંચણી કરીને તારની વાડથી બંને સ્થાનોને અલગ કરીને હિંદુ અને મુસ્લિમોને પોતપોતાની પ્રાર્થના કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
1885
પહેલીવાર વિવાદ અદાલતમાં પહોંચ્યો હતો. મહંત રઘુબર દાસે ફૈઝાબાદ કોર્ટમાં બાબરી મસ્જિદ પરિસરમાં રામમંદિર બનાવવા માટે મંજૂરી માંગી. જો કે કોર્ટે આ અપીલ ફગાવી દીધી હતી. બાદમાં આ મામલો વધુ ઘેરો બન્યો અને તેની તબક્કાવાર ઘટનાનો ઉલ્લેખ મળે છે.
1949
હિંદુઓએ મસ્જિદમાં કથિતપણે ભગવાન રામની મૂર્તિ મૂકી દીધી. ત્યારથી હિંદુ જ પૂજા કરવા લાગ્યા.
1950
ફૈઝાબાદ અદાલતમાં એક અપીલ દાખલ કરીને ગોપાલસિંહ વિશારદે ભગવાન રામની પૂજાની મંજૂરી માંગી હતી
1950
મહંત રામચંદ્ર દાસે મસ્જિદમાં હિંદુઓ દ્વારા પૂજા ચાલુ રાખવા માટે અરજી દાખલ કરી. તે વખતે મસ્જિદને ઢાંચા તરીકે સંબોધિત કરવામાં આવી.
1959
નિર્મોહી અખાડાએ વિવાદીત સ્થાનના હસ્તાંતરણ માટે કેસ કર્યો

1961
ઉત્તરપ્રદેશ સુન્ની વક્ફ બોર્ડે બાબરી મસ્જિદ પર માલિકીપણાના હક માટે કેસ દાખલ કર્યો
1984
વિશ્વ હિંદુ પરિષદે બાબરી મસ્જિદના તાળા ખોલવા અને તે સ્થાન પર મંદિર નિર્માણ માટે અભિયાન શરૂ કર્યું તથા તેના માટે સમિતિની રચના કરી હતી.
ફેબ્રુઆરી, 1986
એક મહત્વના ચુકાદામાં સ્થાનિક કોર્ટે વિવાદીત સ્થાન પર હિંદુઓને પૂજાની મંજૂરી આપી હતી અને તાળા ફરીથી ખોલવામાં આવ્યા હતા. તાથી નારાજ મુસ્લિમ પક્ષકારોએ ચુકાદાના વિરોધમાં બાબરી મસ્જિદ એક્શન કમિટી બનાવી.
જૂન, 1989
ભાજપે આ મામલામાં વિશ્વ હિંદુ પરિષદને ઔપચારીક સમર્થન જાહેર કર્યું હતું.
નવેમ્બર, 1989
લોકસભા ચૂંટણીના કેટલાક મહીના પહેલા તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધીની સરકારે બાબરી મસ્જિદ નજીક શિલાન્યાસની મંજૂરી આપી
25 સપ્ટેમ્બર, 1990
ભાજપના તત્કાલિન અધ્યક્ષ લાલકૃષ્ણ અડવાણીએ ગુજરાતના સોમનાથથી ઉત્તરપ્રદેશના અયોધ્યા સુધી રથયાત્રા કાઢી હતી. જેથી હિંદુઓને આ મહત્વપૂર્ણ મુદ્દાથી અવગત કરીને જાગૃત કરી શકાય. હજારો કારસેવકો અયોધ્યામાં એકઠા થયા હતા. આ યાત્રા બાદ હુલ્લડો પણ થયા હતા.

30 ઓક્ટોબર, 1990
અયોધ્યામાં કારસેવા દરમિયાન યુપીના તત્કાલિન મુખ્યપ્રધાન મુલાયમસિંહ યાદવની સરકારે ગોળીબાર કરાવ્યો અને ઘણાં કારસેવકોના જીવ ગયા હતા.
નવેમ્બર, 1990
બિહારના સમસ્તીપુરથી અડવાણીને એરેસ્ટ કરવામાં આવ્યા હતા. બાદમાં ભાજપે વી. પી. સિંહની સરકારને આપેલો ટેકો પાછો ખેંચ્યો હતો.
6 ડિસેમ્બર, 1992
ફરી એકવાર કારસેવા થઈ. યુપીમાં ભાજપના કલ્યાણસિંહની સરકાર હતી. આ દિવસે સેંકડો કારસેવકો અયોધ્યા પહોંચ્યા હતા અને તેમણે બાબરી ઢાંચો ધ્વસ્ત કર્યો અને અસ્થાયી રામમંદિર બનાવી દીધું હતું. દેશમાં બાબરી ધ્વંસ બાદ થયેલા હુલ્લડોમાં લગભગ 2000 લોકોએ જીવ ગુમાવ્યા હતા.
16 ડિસેમ્બર, 1992
બાબરી ધ્વંસની ઘટનાની તપાસ માટે લિબરાહન પંચની રચના કરાઈ અને જસ્ટિસ એમ. એસ. લિબરાહનના નેતૃત્વમાં તપાસ શરૂ કરાઈ હતી.
સપ્ટેમ્બર, 1997
બાબરી ધ્વંસની ઘટનાના મામલે સુનાવણી કરી રહેલી વિશેષ અદાલતે 49 લોકોને દોષિત ઠેરવ્યા અને તેમાં ભાજપના કેટલાક મુખ્ય નેતાઓના નામ પણ સામેલ હતા
2001
વીએચપીએ માર્ચ-2002માં અયોધ્યામાં રામમંદિર નિર્માણ માટેની ડેડલાઈન નક્કી કરી
એપ્રિલ-2002
અલ્હાબાદહાઈકોર્ટે ત્રણ ન્યાયાધીશોની ખંડપીઠે અયોધ્યાના વિવાદીત સ્થાનના માલિકી હકને લઈને સુનાવણી શરૂ કરી હતી

માર્ચ-ઓગસ્ટ, 2003
અલ્હાબાદ હાઈકોર્ટના નિર્દેશ પ્રમાણે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે અયોધ્યામાં ખોદકામ કર્યું. પુરાતત્વવિદોએ કહ્યુ કે મસ્જિદની નીચે મંદિરના અવશેષનું પ્રમાણ મળે છે. જો કે આને લઈને પણ અલગ-અલગ અભિપ્રાયો સપાટી પર આવ્યા હતા.
જુલાઈ, 2009
પોતાની રચનાના લગભગ દોઢ દશક બાદ તત્કાલિન વડાપ્રધાન મનમોહનસિંહને લિબરાહન પંચે તપાસ રિપોર્ટ સોંપ્યો હતો.
28 સપ્ટેમ્બર, 2010
સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના વિવાદીત સ્થાનના મામલે ચુકાદો આપવાથી રોકવાની માગણી કરતી અરજીને નામંજૂર કરી હતી.
30 સપ્ટેમ્બર, 2010
અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચે ઐતિહાસિક ચુકાદો આપતા વિવાદીત જમીનને ત્રણ ભાગમાં સરખા પ્રમાણમાં વહેંચવાનો આદેશ આપ્યો હતો. જેમાં એક ભાગ રામલલા વિરાજમાન, બીજો ભાગ સુન્ની વક્ફ બોર્ડ અને ત્રીજો ભાગ નિર્મોહી અખાડાને આપ્યો હતો.
9 મે, 2011
સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદા પર રોક લગાવી દીધી હતી
21 માર્ચ, 2011
સુપ્રીમ કોર્ટે પરસ્પર સંમતિથી વિવાદ ઉકેલવાની સલાહ આપી
19 એપ્રિલ, 2017
સુપ્રીમ કોર્ટે બાબરી ધ્વંસના મામલામાં ભાજપ અને આરએસએસના ઘણાં નેતાઓ વિરુદ્ધ ફોજદારી કેસ ચલાવવાનો આદેશ આપ્યો.
1 ડિસેમ્બર, 2017
લગભગ 32 સિવિલ રાઈટ્સ એક્ટિવિસ્ટોએ અલ્હાબાદ હાઈકોર્ટના 2010ના ચુકાદાને પડકાર્યો હતો
8 ફેબ્રુઆરી, 2018
સુપ્રીમ કોર્ટે સિવિલ અપીલ પર સુનાવણી શરૂ કરી હતી
20 જુલાઈ, 2018
સુપ્રીમ કોર્ટે મામલા પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો
29 ઓક્ટોબર, 2018
સુપ્રીમ કોર્ટે મામલાની ઝડપી સુનાવણીનો ઈન્કાર કરતા કેસ જાન્યુઆરી-2019 સુધી ટાળી દીધો હતો
24 નવેમ્બર, 2018
અયોધ્યામાં શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ રામલલાના દર્શન કર્યા અને ભાજપને કુંભકર્ણ ગણાવીને નિશાન સાધ્યું હતું
25 નવેમ્બર, 2018
વીએચપીની આગેવાનીમાં ધર્મસભા યોજાઈ
1 જાન્યુઆરી, 2019
પીએમ મોદીએ 2019ના વર્ષના પોતાના પ્રથમ ઈન્ટરવ્યૂમાં કહ્યુ હતુ કે રામમંદિર નિર્માણ મામલે વટહુકમ પર નિર્ણય કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ લઈ શકાય છે. આ મામલો સુપ્રીમ કોર્ટમાં છે અને કદાચ તેના આખરી તબક્કામાં છે. કાયદાકીય પ્રક્રિયાને પૂર્ણ થવા દો, તેના પછી સરકારની જવાબદારી હશે તેને પુરી કરવામાં આવશે.
4 જાન્યુઆરી, 2019
10મી જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટની નવી ખંડપીઠ દ્વારા સુનાવણી કરવાનું ઠેરવવામાં આવ્યું
26 ફેબ્રુઆરી, 2019
મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈની આગેવાનીવાળી પાંચ ન્યાયાધીશોની બંધારણીય ખંડપીઠે સુનાવણી કરી અને મધ્યસ્થતા દ્વારા રામમંદિર કેસનો ઉકેલ લાવવાની સલાહ આપી.
6 માર્ચ, 2019
સુપ્રીમ કોર્ટના પાંચ ન્યાયાધીશોની બંધારણીય ખંડપીઠે કોર્ટ દ્વારા મોનિટરિંગ સાથેના મીડિયેશનના મામલે ઓર્ડરને અનામત રાખ્યો. પક્ષકારો પાસેથી મીડિયેટરના નામ માંગવામાં આવ્યા

8 માર્ચ, 2019
સુપ્રીમ કોર્ટે કેસમાં અદાલતના નિરીક્ષણ હેઠળના મીડિયેશન માટે ત્રણ સદસ્યોની પેનલની રચના કરી. પેનલના અધ્યક્ષ તરીકે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ કલીફુલ્લાહને જવાબદારી સોંપવામાં આવી છે. આ પેનલના અન્ય બે સદસ્યોમાં આધ્યાત્મિક ગુરુ શ્રીશ્રી રવિશંકર અને એડવોકેટ શ્રીરામ પંચૂ સામેલ છે.