
બાવળાના માર્કેટયાર્ડમાં નવા વર્ષના કામકાજના પ્રારંભે જ ડાંગરના પાકની 1.60 લાખ મણની આવક
અમદાવાદઃ જિલ્લામાં આ વખતે સારા વરસાદ અને સાનુકૂળ હવામાનને લીધે ડાગરના પાકનું સારૂએવું ઉત્પાદન થતાં માર્કેટ યાર્ડમાં ડાંગરના પાકની ધૂમ આવક થઈ રહી છે. જેમાં બાવળા અને વિરમગામના એ.પી.એમ.સીમાં નવા વર્ષના પહેલા દિવસે જ ડાંગરની ધૂમ આવક થઈ હતી. પહેલા દિવસે જ 800થી વધારે ટ્રેકટર આવતાં બંને માર્કેટયાર્ડની જગ્યા ભરાઇ જવા પામી હતી. અને માર્કેટની બહાર પણ ટ્રેક્ટરો ઉભા રાખવાનો વારો આવ્યો હતો. હરાજીમાં 1 મણ ડાંગરના 350થી 400 રૂપિયા ભાવ ઉપજ્યા હતા. બાવળા માર્કેટયાર્ડમાં ડાંગરની હરાજી માટે બાવળા, ધોળકા, સાણંદ, વિરમગામ, ધંધુકા તેમજ તારાપુર, ખેડા જિલ્લામાંથી મોટી સંખ્યામાં ખેડુતો ડાંગર વેચવા માટે આવી રહ્યા છે.
બાવળાનું માર્કેટ યાર્ડ દિવાળીની રજાઓ બાદ સોમવારથી કાર્યરત થતા મોટી સંખ્યામાં ખેડુતો પોતાની ડાંગર વેચવા માટે આવી પહોંચ્યા હતા. ખેડુતોએ રવિવારથી જ પોતાના ટ્રેકટરો નંબર પ્રમાણે હરાજીની લાઇનમાં મુકી દીધા હતા. સોમવારે સવારે તો ગામની અંદરનું મોટું-જુનું માર્કેટયાર્ડ તેમજ હાઇ-વે ઉપર આવેલું નવું માર્કેટયાર્ડ ટ્રેક્ટરોથી ભરાયું ગયું હતું. ખેડુતોએ દિવાળીનાં તહેવારોમાં જ ડાંગરની કાંપણી કરીને ડાંગરનો પાક વેચવા માટે તૈયાર રાખ્યો હતો. બાવળા માર્કેટ યાર્ડમાં પહેલા દિવસે જ 800થી વધારે ડાંગરના ટ્રેક્ટરની આવક થતાં બંને માર્કેટયાર્ડ ભરાઈ ગયા હતાં તથા માર્કેટયાર્ડ બહાર પણ ટ્રેકટરોની લાઇન લાગી હતી . દિવાળી સહિતની રજાઓના કારણે એક અઠવાડિયાથી વિરમગામ એપીએમસી માર્કેટમાં રજા જાહેર કરવામાં આવી હતી. ત્યારે 31 ઓક્ટોબરના દિવસે સવારે એપીએમસી માર્કેટ ખાતે વેપારીઓએ માલની ખરીદી શરૂ કરી હતી.