1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. શેર બજારમાં રોકાણના નામે 42 લાખની છેતરપિંડી, સાબરફ્રોડ ગેન્ગનો આરોપી પકડાયો
શેર બજારમાં રોકાણના નામે 42 લાખની છેતરપિંડી, સાબરફ્રોડ ગેન્ગનો આરોપી પકડાયો

શેર બજારમાં રોકાણના નામે 42 લાખની છેતરપિંડી, સાબરફ્રોડ ગેન્ગનો આરોપી પકડાયો

0
Social Share

સુરત, 4 ફેબ્રુઆરી 2026:  શહેરમાં સાયબર ફ્રોડના બનાવો વધતા જાય છે. શેર બજારમાં ઊંચા વળતરની લાલચ આપીને છેતરપિંડી કરતી આંતરરાજ્ય ગેન્ગના સૂત્રધારને પોલીસે દબોચી લીધો છે. શહેરના સિનિયર સિટીઝન સાથે 42,28,856 ની છેતરપિંડી આચરનાર આરોપી વિશાલ ઉર્ફે વિધાતા ઝાલાવાડિયાની પોલીસે ધરપકડ કરી છે. 29 વર્ષીય વિશાલ, જે બી.કોમ. થયેલો છે, તેણે બેંક મેનેજર રાહુલ મિસ્ત્રી સાથે મળીને છેતરપિંડીના નાણાં છુપાવવા માટે પોતાના મિત્રો અને પરિચિતોના નામે કુલ 7 જેટલા ‘મ્યુલ’ બેંક ખાતાઓ ખોલાવી આપ્યા હતા. આ સમગ્ર કૌભાંડમાં વિશાલની ભૂમિકા નાણાકીય લેવડદેવડ માટેનું માળખું પૂરું પાડવાની હતી, જેના આધારે પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી છે કે, શહેરમાં સિનિયર સિટીઝનનો વોટ્સએપ દ્વારા સંપર્ક કરી તેમને શેરબજારમાં ટૂંકા ગાળામાં મોટો નફો મેળવવાની લાલચ આપી હતી. આરોપીઓએ પ્રતિષ્ઠિત કંપનીના નામે વિશ્વાસ જીતવા માટે સેબી (SEBI) નું એક બોગસ સર્ટિફિકેટ પણ મોકલી આપ્યું હતું. આથી સિનિયર સિટિઝન સાયબર માફિયાની જાળમાં ફસાઈ ગયા હતા. ફરિયાદીને સસ્તા દરે આઈપીઓ (IPO) અપાવવાની ખાતરી આપી, આરોપીઓએ અલગ-અલગ તબક્કે કુલ Rs. 42,28,856 જેટલી રકમ પોતાની જાળમાં ફસાવીને ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લીધી હતી.

પોલીસે સાયબર ફ્રોડના આરોપી વિશાલ ઝાલાવાડિયાની પૂછતાછ કરતા એવી હકિકત મળી હતી કે, આરોપી વિશાલ ઝાલાવાડિયા અગાઉ ભરૂચ ખાતે રેતી-કપચીના વ્યવસાય સાથે સંકળાયેલો હતો. આ દરમિયાન તેની ઓળખાણ એક ખાનગી બેંકના મેનેજર રાહુલ મિસ્ત્રી સાથે થઈ હતી. રાહુલે તેને કમિશનની લાલચ આપતા, વિશાલે પોતાના મિત્ર તુષાર વિરાણી અને અન્ય લોકોના દસ્તાવેજોનો ઉપયોગ કરી કુલ 7 બેંક ખાતાઓ ખોલાવ્યા હતા. આ ખાતાઓનો ઉપયોગ સાયબર ફ્રોડના નાણાં ફેરવવા માટે કરવામાં આવતો હતો. સાયબર ક્રાઇમ સેલે આ ગુનામાં અત્યાર સુધીમાં કુલ 7 શખ્સોને દબોચી લીધા છે. પકડાયેલા આરોપીઓમાં વિશાલ ઉપરાંત બેંક મેનેજર રાહુલ મિસ્ત્રી (ઉ.વ.45 ), મીત સેલીયા (ઉ.વ. 27 ), દીપક નાયક (ઉ.વ. 27 ), કેવલ દિયોરા (ઉ.વ.27 ), મિલન સાંગાણી (ઉ.વ. 31 ) અને ઉર્વિશ નસીત (ઉ.વ.22 ) નો સમાવેશ થાય છે. આ ટોળકી અત્યંત સંગઠિત રીતે કામ કરતી હતી અને નિર્દોષ લોકોના નામે કરંટ એકાઉન્ટ ખોલાવી ગુનાને અંજામ આપતી હતી.

સુરત પોલીસે વિશાલ ઝાલાવાડિયાને કોર્ટમાં રજૂ કરી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ મ્યુલ એકાઉન્ટ્સમાં અત્યાર સુધીમાં કેટલા કરોડના વ્યવહારો થયા છે અને આ ગેંગના તાર અન્ય કયા રાજ્યો કે દેશો સાથે જોડાયેલા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code