ભાવનગરઃ અલંગને લીધે ભાવનગર વિસ્તારમાં સ્ટીલ ઉદ્યોગનો વિકાસ થયો છે. અને અનેક રિ-રોલિંગ મિલો કાર્યરત બની છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખભાઇ માંડવિયાએ તાજેતરમાં સિહોર પાસે આવેલી એ.પી.પી.એલ.કન્ટેઇનર્સ પ્રાઇવેટ લિમિટેડમાં કાર્ગો કન્ટેઇનર્સનું નિરીક્ષણ કર્યું હતું. આ સમયે તેમણે ભાવનગરમાં કન્ટેનરનું ઉત્પાદન કરતી વધુ 10 કંપનીઓ કાર્યરત થશે તેમ જણાવ્યું હતું.
કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાએ તેમના ભાવનગર જિલ્લાના પ્રવાસ દરમિયાન કન્ટેઇનર્સ નિર્માણની તલસ્પર્શી વિગતો જાણી કન્ટેઇનર્સ નિર્માણ ફેક્ટરીની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું કે, વૈશ્વિક સ્તરે કન્ટેઇનર્સની ઉણપ છે. વિશ્વમાં વાર્ષિક 3 લાખ કન્ટેઇનર્સની જરૂરત પડે છે. ભારતમાં પણ તેની મોટી માંગ છે. છ મહિના પહેલા ભાવનગર ચેમ્બર ઓફ કોમર્સમાં તે અંગેની વાત કરી હતી અને માત્ર છ મહિનામાં ભાવનગરની કંપની દ્વારા કન્ટેઇનર્સ નિર્માણનું કામ વિધિવત રીતે શરૂ થઈ ગયું છે તે આનંદની વાત છે. તેમણે ઉમેર્યું કે, આ કંપનીની શરૂઆત બાદ અન્ય છ કંપનીઓ સાથે 10 ઉત્પાદકો ભાવનગરમાં કન્ટેઇનર્સ નિર્માણ કરવાની શરૂઆત કરવાનાં છે. આ રીતે કન્ટેઇનર્સ બનાવવાં ભારતનાં અભિયાનમાં ભાવનગર લીડ લેશે.ભાવનનગરમાં કન્ટેઇનર્સ નિર્માણની શરૂઆત થતાં એક ઇકો સિસ્ટરમ બનશે તેનાં આધારે ક્લસ્ટર બનાવાશે અને ભારતમાં જ નિર્મિત કન્ટેઇનર્સ દ્વારા આત્મનિર્ભર ભારતનો મંત્ર સાકાર કરી શકાશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.તેમણે આ સંદર્ભમાં કહ્યું કે, ભારત સરકાર આવાં કન્ટેઇનર્સ નિર્માતાઓને મદદરૂપ બનવા અંગેની નીતિ પણ ઘડશે.મંત્રીએ કંપનીનાં ઉત્પાદન એકમની મુલાકાત લઇ તેની ઉત્પાદન પ્રક્રિયાને પ્રત્યક્ષ નિહાળી હતી.