
અમદાવાદઃ દિવાળીના તહેવારો દરમિયાન ફટાકડા અને હવાઈ રોકેટને કારણે આગ લાગવાની ઘટનાઓ દર વર્ષે બનતી હોય છે. છેલ્લા ત્રણ દિવસમાં અમદાવાદ શહેરમાં ફટાકડા સહિત અન્ય કારણોસર આગ લાગવાના કુલ 206 જેટલા બનાવો બન્યા હતા. શહેરના ફાયરબ્રિગેડને સૌથી વધારે રવિવારે દિવાળીના દિવસે રાત્રે 10 વાગ્યાથી સવારે છ વાગ્યા સુધીમાં 88 જેટલા કોલ મળ્યા હતા. છેલ્લા 24 કલાક દરમિયાન કુલ 137 જેટલા આગના કોલ મળતા ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને આગને કાબુમાં લીધી હતી. ખુલ્લાં પ્લોટ અને ઘરના મકાનની ગેલેરીમાં આગ લાગવાના બનાવો બન્યા હતા.
અમદાવાદ ફાયર બ્રિગેડના સૂત્રોના જણાવ્યા મુજબ દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડાના કારણે આગ લાગવાના 137 બનાવો બન્યા હતા. શહેરના વાસણા વિસ્તારમાં સ્વામિનારાયણ પાર્ક-3ની પાછળ આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટમાં ફટાકડાના કારણે મોડીરાત્રે ભીષણ આગ લાગી હતી. ફાયર ફાઈટરની સાત જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. ઝાડી-ઝાંખરા અને કચરો સહિતની વસ્તુઓ સૌથી વધારે હોવાના કારણે આગ એટલી બધી વિકરાળ બની ગઈ હતી કે એક કિલોમીટર દૂર સુધી આગની જ્વાળાઓ લોકોને દેખાતી હતી. મ્યુનિસિપલ પ્લોટની બાજુમાં જ સ્વામિનારાયણ પાર્ક-3 નામના ફ્લેટ આવેલા હતા. જેની બહાર ફાઈટર સિસ્ટમની પણ મદદ લેવામાં આવી હતી અને તેના દ્વારા આગને કાબુમાં લેવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. સ્થાનિક ધારાસભ્ય અમિત શાહ પણ જાણ થતા તાત્કાલિક તેઓ ત્યાં પહોંચી ગયા હતા. ફ્લેટમાં લાગેલી ફાયર સિસ્ટમનો યોગ્ય ઉપયોગ કરી અને એક કલાકની જહેમત બાદ આગને કાબુમાં લઈને આવી હતી. આ ઉપરાંત વેજલપુર વિસ્તારમાં બકેરી સિટીમાં પણ એક મકાનના ગેલેરીમાં રોકેટના કારણે આગ લાગી હતી. જેના કારણે આખી ગેલેરી બળીને ખાખ થઈ ગઈ હતી.
શહેરના બોપલ વિસ્તારમાં આવેલા ફ્લેટમાં 11મા માળે આવેલા મકાનની ગેલેરીમાં રોકેટ પડતાં આગ લાગી હતી. જેની ફાયરબ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા બોપલ ફાયર સ્ટેશનની ગાડી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. વોટર મોનિટરિંગ સિસ્ટમથી નીચે ગ્રાઉન્ડ ફ્લોરથી લઈ અને 11મા માળ સુધી સીધો પાણીનો મારો ચલાવી અને આગને તાત્કાલિક કાબુમાં લઈ લેવામાં આવી હતી. શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં સતાધાર ચાર રસ્તા પાસે આવેલા મેપલ ટ્રી નામના ફ્લેટમાં બીજા માળે ડોક્ટરના મકાનમાં આગ લાગી હતી. ઘરમાં રહેલા ત્રણ લોકોને તાત્કાલિક બહાર કાઢી અને આગને કાબુમાં લઈ લેવામાં આવી હતી. આગના બનાવમાં ક્યાંય પણ કોઈ મોટી જાનહાનિ થઈ નથી. આગ લાગવાની ઘટનામાં મકાનના ગેલેરીમાં આગ લાગે છે. ગેલેરીમાં લોકો વેલ સહિત અન્ય જાળીઓ વગેરે લગાવેલી હોય છે, જેના કારણે ફટાકડો તેના ઉપર પડતાં જ આગ લાગતી હોય છે. જેથી દિવાળીના સમય દરમિયાન આ રીતના ગેલેરીમાં લગાવેલી જાળી અને વેલના કારણે વધુ ઝડપથી આગ પ્રસરી જાય છે. દિવાળીની રાત્રે બે મકાનમાં આ જ રીતે વેલ અને અન્ય જાળીઓ લગાવીને હોવાથી આખી ગેલેરીમાં આગ લાગી હતી. શહેરના નિકોલ, નરોડા, બહેરામપુરા, દાણીલીમડા, વાસણા, સરખેજ, જુહાપુરા, બોપલ, ઓઢવ સહિતના વિસ્તારોમાં કચરામાં આગ લાગવાની ઘટના બની હતી. આમ દિવાળીની રાત્રે ફાયરબ્રિગેડની ગાડીઓ સતત રોડ ઉપર દોડતી જોવા મળી હતી.