ગુજરાત યુનિવર્સિટીના ખાસ પદવીદાન સમારોહમાં 13,892 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાઈ
અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં સોમવારે ખાસ પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં અલગ અલગ વિદ્યાશાખાના 13,892 વિદ્યાર્થીને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાશુ પંડ્યાની ટર્મ આગામી 30મી જૂને પુરી થઈ રહી હોવાથી તેમણે અંતિમ પદવીદાન સમારોહમાં હાજરી આપી હતી અનેઆ પ્રસંગે તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન થયેલા અનુભવ પણ વર્ણવ્યા હતા.
ગુજરાત યુનિવર્સિટીમાં આગામી સોમવારે ખાસ પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં આર્ટ્સમાં 2521, સાયન્સમાં 1262, ઇજનેરીમાં 18, લોમાં 413, મેડીકલમાં 2357, કોમર્સમાં 6006, ડેન્ટલમાં 496 વિદ્યાર્થીઓ મળીને કુલ 13,892 વિદ્યાર્થીઓને પદવી એનયાત કરવામાં આવી હતી. ગુજરાત યુનિવર્સિટીમાં વર્ષ દરમિયાન 2 વખત પદવીદાન સમારોહ યોજવામાં આવે છે. દર વર્ષની શરૂઆતમાં રેગ્યુલર પદવીદાન સમારોહ યોજવામાં આવે છે. ત્યારબાદ વર્ષના જૂન અથવા જુલાઈ મહિનામાં ખાસ પદવીદાન સમારોહ યોજાય છે. જે વિદ્યાર્થીએ અગાઉ ફોર્મ ના ભર્યું હોય અથવા રિટેસ્ટ આપી હોય અથવા નિયમિત કરતા મોડા પરીક્ષા આપીને પાસ કરી હોય તેવા વિદ્યાર્થીઓ માટે આ ખાસ પદવીદાન સમારોહ યોજવામાં આવ્યો હતો.
ગુજરાત યુનિવર્સિટીના ખાસ પદવીદાન સમારોહમાં કુલપતિ હિમાંશુ પંડ્યાએ જણાવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટી પાસે રિસર્ચ પાર્ક છે, જે એક માત્ર યુનિવર્સિટી છે. યુનિવર્સિટીની ગરીમાં ઊંચી છે, જેથી બહારના વિદ્યાર્થીઓ પણ અભ્યાસ માટે અહીં આવે છે. રિસર્ચ, થિસીસનો વિષય લોકોને ઉપયોગી હોય તેવો હોવો જોઈએ. કોઈ પણ યુનિવર્સિટીએ પ્રતિષ્ઠા નથી મેળવી જેટલી ગુજરાત યુનિવર્સિટીએ મેળવી છે. મને મળવા આવેલા લોકોએ સૂચન આપ્યા છે, તે પોઝિટિવ છે તેને લઈને આગળ વધ્યો છું. યુનિવર્સિટીમાં ચાલી રહેલા કેટલાક વિવાદ અંગે ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે, ઘરમાં મા, દીકરો અને પિતા એક જ ઘરમાં પરદો લગાવવા માટે અલગ અલગ કલરની પસંદગી કરે છે. જેને લઈને તકરાર ચાલે છે, પરંતુ ત્રણેયનો લક્ષ્ય એક જ છે કે, ઘરમાં સારો પરદો લાગવો જોઈએ. તે જ પ્રમાણે ગુજરાત યુનિવર્સિટી માટે સૌ સારું કરવા માંગે છે, પણ હઠાગ્રહ છે.