
ગાંધીનગરઃ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તા. 10મી નવેમ્બરના રોજ અમદાવાદ ખાતેથી સમગ્ર રાજ્યમાં શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત નવા 155 ભોજન વિતરણ કેન્દ્રોનો શુભારંભ કરાવશે. વિવિધ કડીયાનાકા ખાતે શરુ થનારા આ ભોજન વિતરણ કેન્દ્રો ખાતેથી બાંધકામ શ્રમિકો અને તેમના પરિવારોને વ્યક્તિ દીઠ માત્ર પાંચ રૂપિયામાં પૌષ્ટિક ભોજન પૂરું પાડવામાં આવશે. આ સ્થાયી કેન્દ્રો ઉપરાંત જે બાંધકામ સાઈટ પર 50થી વધુ શ્રમિકો આ યોજનાનો લાભ મેળવવા માગતા હોય તેમને ડોરસ્ટેપ ડિલિવરીની પણ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આગામી તા. 10મી નવેમ્બરે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ અમદાવાદમાં 49, સુરતમાં 22, ગાંધીનગરમાં 8, વડોદરામાં 9, ભાવનગરમાં 2, જામનગરમાં 10, ભરૂચમાં 3, મહેસાણા અને રાજકોટમાં 5-5, ખેડા, આણંદ, વલસાડ અને સાબરકાંઠામાં 4-4, પાટણ અને બનાસકાંઠામાં 7-7, નવસારી અને મોરબીમાં 6-6, કડીયાનાકા મળી કુલ 17 જિલ્લામાં નવા 155 ભોજન વિતરણ કેન્દ્રોનો શુભારંભ થશે, જેનો દરરોજ 75 હજારથી વધુ શ્રમિકોને લાભ મળશે.
રાજ્યમાં અત્યારે 10 જિલ્લાના કુલ 118 કડીયાનાકા ખાતે ભોજન વિતરણ કેન્દ્રો કાર્યરત છે. છેલ્લા એક વર્ષમાં આ ભોજન વિતરણ કેન્દ્રો ખાતેથી 55 લાખથી પણ વધારે ભોજન વિતરણ થયું છે. અહીંથી સરેરાશે દરરોજ 27 હજાર કરતાં વધારે ભોજન વિતરણ થાય છે. જે માટે વર્ષ 2022-23 અને 2023-24માં કુલ રૂ. 2502 લાખ કરતાં વધારેનો ખર્ચ થયો છે. ત્યારે હવે નવા 155 ભોજન વિતરણ કેન્દ્રોનો શુભારંભ થતા રાજ્યમાં કુલ 273 કડીયાનાકાઓ ખાતેથી શ્રમિક પરિવારને પાંચ રૂપિયામાં પૌષ્ટિક ભોજનનો લાભ મળશે.
રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ ઝડપી પહોંચાડવા માટે રાજ્ય સરકાર દ્વારા 6.94 લાખ બાંધકામ શ્રમિકોને ઈ-નિર્માણ કાર્ડ આપવામાં આવ્યા છે, જેમાં આરોગ્ય, રહેઠાણ, શિક્ષણ, પરિવહન તથા સામાજિક સુરક્ષા સંબંધિત 17 યોજનાઓ કાર્યરત છે. શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો લાભ પણ ઇ-નિર્માણ કાર્ડ ધારક શ્રમિકોને આપવામાં આવે છે. ભોજન વિતરણ કેન્દ્રો ખાતે શ્રમિકના ઈ-નિર્માણ કાર્ડ ઉપર દર્શાવેલા ઈ-નિર્માણ નંબર અથવા ક્યુ.આર. કોડ સ્કેન કરી ભોજન આપવામ આવે છે. ત્યાં શ્રમિકને એક સમયનું ભોજન વધુમાં વધુ ૬ વ્યક્તિની મર્યાદામાં આપવામાં આવે છે. જે લાભાર્થીઓ પાસે ઈ-નિર્માણ કાર્ડ ના હોય, તેવા બાંધકામ શ્રમિકોની બુથ પર જ હંગામી નોંધણી થાય છે અને તેના આધારે 15 દિવસ સુધી ભોજન આપવામાં આવે છે. ત્યારબાદ ઈ-નિર્માણ કાર્ડ ઈશ્યુ થયેથી તે કાર્ડના આધારે શ્રમિક ભોજન મેળવી શકે છે. શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત શ્રમિક તથા તેના પરિવારને માત્ર પાંચ રૂપિયામાં રોટલી, શાક, કઠોળ, ભાત, અથાણુ, મરચા અને ગોળ સહિતનું પૌષ્ટિક ભોજન આપવામાં આવે છે. વધુમાં સપ્તાહમાં એક વાર સુખડી જેવા મિષ્ટાન્નનો પણ સમાવેશ કરવામાં આવે છે.