સૂત્રાપાડામાં 16 ઈંચ , ધોરાજીમાં 12 ઈંચ વરસાદ, લોકોના ઘરમાં પાણી ઘૂંસ્યા, 158 તાલુકામાં મેઘમહેર
અમદાવાદઃ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કર્યા બાદ મંગળવારે સાંજથી સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મેઘાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતુ. ગીરસોમનાથના સૂત્રાપાડા અને રાજકોટના ધોરાજીમાં ધોધમાર વરસાદ પડ્યો છે. જેમાં સૂત્રાપાડામાં દિવસ દરમિયાન 16 ઈંચ અને ધોરાજીમાં 12 ઈંચ વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. આ બંને તાલુકામાં હજી પણ વરસાદ વરસી રહ્યો છે. મંગળવારે રાત્રે 8 વાગ્યા સુધીમાં 151 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં 39 તાલુકામાં એક ઈઁચ કે તેનાથી વધુ વરસાદ નોંધાયો છે. જસદણ તાલુકામાં વીજળી પડવાના કારણે એક યુવતીનું મોત નિપજ્યુ હતુ. જામકંડારણાના પીપરડી ગામે પાંચ કલાકમાં 13 ઈંચ વરસાદ પડ્યો છે.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરના સૂત્રોના જણાવ્યા મુજબ મંગળવારે સવારે 6 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધીમાં રાજ્યના 158 તાલુકામાં વરસાદ પડ્યો હતો. ગીર સોમનાથના સૂત્રાપાડામાં 16 ઈંચ, ધોરાજીમાં 12 ઈંચ, તથા કોડિનાર, વેરાવળ, 8 ઈંચ તેમજ જામ કંડોરણા, ઉપલેટા, મેંદરડા, તલાલા, સુરત શહેર, પેટલાદ,માળિયા હાટિના, દસાડા, અને કેશોદમાં ત્રણથી ચાર ઈંચ વરસાદ પડ્યો છે.
ગુજરાતમાં ત્રીજા રાઉન્ડમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવવાનું શરૂ કરી દીધુ છે. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં 12 ઈંચ વરસાદ પડતા અનેક જગ્યાએ પાણી ભરાયા છે. શહેરના નીચાણ વાળા વિસ્તારો બહારપુરા, ભંગાર બજાર, શાકમાર્કેટ, સરદાર ચોક, આંબેડકર ચોક, સ્વાતિ ચોક, પટેલ ચોક ગેલેક્સી ચોક વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. બહાર પુરાના ભંગાર બજારમાં કમર સમા પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે કુંભારવાડા વિસ્તાર, રામપુરા વિસ્તાર અને બહારપુરા વિસ્તાર બેટમાં ફેરવાયા છે, તેમજ દરગાહ પાસેના ભંગાર બજારમાં વાહનો ડૂબ્યા હતા. શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાયાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સફુરા નદી બે કાંઠે વહેતી થઇ છે.
ગીર સોમનાથના સૂત્રાપાડામાં તો આભ ફાટ્યુ હોય તેમ સાંબેલાધારે 16 ઈંચ વરસાદ પડતા અનેક વિસ્તારોમાં કેડસમા પાણી ભરાયા હતા. મેઘરાજા અનરાધાર વરસતા આફત આવી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. સુત્રાપાડામાં 16 ઈંચ વરસાદને લીધે લોકોના ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી ગયા હતા. શહેરની સ્થિતિ વિકટ બનેલી છે. ચારેકાર પાણી જ નજરે પડી રહ્યું છે, ભારે વરસાદને લીધે વીજળી પુરવઠો પણ ખોરવાય ગયો છે. જિલ્લાના કોડીનારમાં 8 ઈંચ, વેરાવળ 8 ઈંચ, તાલાલા 4 ઈંચ, ગીર ગઢડા 1.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. તાલાલા પંથકમાં પણ ભારે વરસાદ પડ્યો છે. આંબશાળ ગામ બેટમાં ફેરવાઇ ગયું છે.ગામમાં જ નદી વહેતી થઇ હોય તેવા દૃશ્ય જોવા મળ્યા છે. જેમાં ગામની શેરી અને રસ્તા પાણીમાં ડૂબ્યા છે.ચારેય તરફ વરસાદી પાણી ભરાયા છે. હજુ પણ આગામી 72 કલાક સુધી સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ ખાબકી શકે છે
રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં મંગળવારે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. ત્યારે કડુકા ગામમાં વીજળી પડવાને કારણે ખેતરમાં કામ કરી રહેલાં પાયલ સંજયભાઈ બેરાણી નામની યુવતીનું મોત નીપજ્યું હતું. યુવતીના મૃતદેહને જસદણ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
સુરતના જિલ્લામાં ધોધમાર વરસાદનું આગમન થયું છે.બારડોલી અને કડોદરામાં વરસાદ ખાબક્યો છે.કડોદરામાં અનેક સ્થળ પર વરસાદી પાણી ભરાયા છે.કરોડોના ખર્ચે બનેલા અંડરપાસમાં પાણી ભરાયા છે.અંડરપાસમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોને હાલાકી પડી હતી.પાણી ભરાઇ જતા વાહન ચાલકો મુશ્કેલી પડી હતી.