
- કોરોનાવાયરસના કેસ હજુ પણ ચિંતાનો વિષય
- દુનિયામાં 18.5 કરોડ લોકો થયા સંક્રમિત
- બદલાતા વેરિયન્ટ સૌથી મોટો પડકાર
દિલ્હી : કોરોનાવાયરસની મહામારી સમગ્ર વિશ્વના દેશો માટે ચિંતાનો વિષય બની ગઈ છે. કારણ છે કે કોરોના વાયરસના કારણે વિશ્વમાં લાખોની સંખ્યામાં લોકોના મોત થયા છે તો કરોડોની સંખ્યામાં લોકો સંક્રમિત થયા છે. વિશ્વમાં કોરોનાવાયરસના 18.5 કરોડથી પણ વધારે કેસ નોંધવામાં આવ્યા છે.
આ મહામારીનાં કારણે અત્યાર સુધીમાં 40 લાખથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે અને લગભગ 3.35 અબજ લોકોને રસી આપવામાં આવી છે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી દ્વારા આ આંકડા શેર કરવામાં આવ્યા છે. શુક્રવારે સવારે યુનિવર્સિટીનાં સેન્ટર ફોર સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (સીએસએસઇ) એ તેના તાજેતરનાં અપડેટમાં જણાવ્યું છે કે હાલનાં વૈશ્વિક કેસો, મૃત્યુઆંક અને વહીવટી રસીઓની કુલ સંખ્યા 18,55,00,538, 40,09,084 અને 3,35,13,37,474 થઇ ગઇ છે.
જો વાત કરવામાં આવે કોરોનાવાયરસને લઈને અનેક પ્રકારના અભ્યાસ પણ કરવામાં આવ્યા છે અને તેના કારણે મોટા પ્રમાણમાં કોરોનાની અસર વિશે જાણકારી પણ મળી છે. સીએસએસઇ અનુસાર, દુનિયામાં સૌથી વધુ કેસો અને મોતની સંખ્યા 3,37,90,136 અને 6,06,468 ની સાથે અમેરિકા સૌથી વધુ કોરોનાથી પ્રભાવિત દેશ બન્યો છે. કોરોના સંક્રમણનાં મામલે ભારત દુનિયામાં બીજી સ્થાન પર છે. જ્યા કોરોનાનાં 3,07,09,557 કેસો નોંધાયા છે.
કોરોનાથી થયેલા મોતનાં આંકડા પર નજર કરીએ તો બ્રાઝિલ 5,30,179 કેસો સાથે વિશ્વમાં બીજા નંબરે છે. ભારતમાં (4,05,028), મેક્સિકો (2,34,458), પેરુ (1,93,743), રશિયા (1,38,441), યુકે (1,28,601), ઇટાલી (1,27,731), ફ્રાંસ (1,11,473) અને કોલમ્બિયા (1,11,155) માં 1,00,000 થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે.