
વડોદરામાં એક મહિનામાં 20 મગરોનું રેસ્ક્યુ કરાયું, સેન્ટ્રલ જેલમાંથી મગર ઘૂંસતા ભાગદોડ મચી
વડોદરાઃ શહેરની વિશ્વામિત્રી નદી ઉપરાંત તળાવો અને જિલ્લાના જળાશયોમાં વર્ષોથી મગરોનો વસવાટ છે. જેમાં વિશ્વામિત્રી નદીમાંથી મગરો ઘણીવાર રોડ-રસ્તાઓ પર પણ આવી જતા હોય છે. છેલ્લા એક મહિનામાં વન વિભાગ દ્વારા રહેણાંક વિસ્તારોમાં આવી ગયેલા 20 જેટલાં મગરોનું રેસ્ક્યુ કરીને સલામત સ્થળે મુક્ત કરી દેવામાં આવ્યા હતા. દરમિયાન શહેરની સેન્ટ્રલ જેલમાં પણ ત્રણ ફુટનો મગર ઘૂંસી જતાં ભાગદોડ મચી ગઈ હતી. દરમિયાન આ અંગે વન વિભાગને જાણ કરાતા વન વિભાગના કર્મચારીઓએ ઘસી જઈને મગરનું રેસ્ક્યુ કર્યુ હતું.
વડોદરા શહેરમાં તાજેતરમાં ભારે વરસાદને કારણે વિશ્વામિત્રી નદીમાં પાણીનું જળસ્તર વધી જતાં મગરો કિનારાના રહેણાંક વિસ્તારોમાં ધસી આવ્યા હતા. તેથી લોકો ભયભીત બન્યા હતા. શહેરના રહેણાકના વિસ્તારોમાં મગરો ગણીવાર આવી જતાં હોય છે. ત્યારે વન વિભાગ દ્વારા છેલ્લા એક મહિનામાં 20થી વધુ મગરો રેસ્ક્યૂ કરી પુનઃ સલામત સ્થળે મુક્ત કરવામાં આવ્યા છે. આજે સવારે સેન્ટ્રલ જેલમાં વિશ્વામિત્રી નદીમાંથી આવી પહોંચેલા 3 ફૂટના મગરને વન વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
વિશ્વામિત્રીના કિનારે આવેલી વડોદરા સેન્ટ્રલ જેલમાં અવારનવાર જળચર જીવો આવી જવાના બનાવો બનતા હોય છે. બે દિવસ પહેલા જેલની અંદર કોબ્રા આવી જતા જીવદયા કાર્યકરોએ તેનું રેસ્ક્યુ કર્યું હતું. આ બનાવના 24 કલાકમાં વધુ એક બનાવ બન્યો છે. જેમાં ત્રણ ફૂટનું મગરનું બચ્ચું જેલ પરિસરમાં આવી જતા ફોરેસ્ટ વિભાગની મદદ લેવામાં આવી હતી. મગરના બચ્ચાનું રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે છોડવાની તજવીજ કરવામાં આવી હતી.
વિશ્વામિત્રી નદીમાં ખૂબ મોટી સંખ્યામાં મગરો છે. જે મગરનું ઘર કહેવાતું હોય છે. આ વખતે વડોદરા શહેરમાં 24 જુલાઈના રોજ પડેલા ભારે વરસાદના કારણે સમગ્ર શહેર જળબંબાકાર થઈ ગયું હતું. પરિણામે વિશ્વામિત્રી નદી અને વરસાદી કાંસોમાંથી મગરો અને ઝેરી-બિન ઝેરી સરીસૃપો રહેણાંક વિસ્તારોમાં ધસી આવ્યા હતા.
આ અંગે વન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં મોટી સંખ્યામાં નાના-મોટા મગરો વસવાટ કરે છે. જ્યારે નદીમાં પાણીનુ જળસ્તર વધે છે. ત્યારે મગરો નદી કિનારાના વિસ્તારોમાં આવી જાય છે. ચોમાસામાં મગરો વધુ પ્રમાણમાં નદીમાંથી બહાર આવી જતાં હોય, વન વિભાગની ટીમને એલર્ટ રાખવામાં આવે છે. આ ટીમ રાત-દિવસ કામ કરે છે. જે વિસ્તાર કે ગામમાંથી મગર નિકળ્યા હોવાના કોલ આવે છે. ત્યારે ટીમ રવાના થઈ જાય છે. મગરોનુ રેસ્ક્યૂ કરી વન વિભાગમાં લાવવામાં આવે છે. જ્યાં જરૂર જણાય તો મગરને સારવાર આપવામાં આવે છે. બાદમાં મગરોને પુનઃ સલામત સ્થળે મુક્ત કરવામાં આવે છે. છેલ્લા એક માસમાં વન વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાંથી 20 જેટલા મગરોનુ રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. તેને સલામત સ્થળે મુક્ત કરવામાં આવ્યા છે. વન વિભાગની સાથોસાથ ખાનગી સંસ્થાઓ દ્વારા પણ વન વિભાગની ટીમને સાથે રાખી મગરોનુ રેસ્ક્યૂ કરવામાં આવે છે.