
અમદાવાદઃ રાજકોટના અગ્નિકાંડ બાદ સરકારી તંત્ર વધુ એલર્ટ બન્યુ છે. સરકારના આદેશ બાદ તમામ શાળાઓમાં ફાયર સેફ્ટી અંગે તપાસ કરવામાં આવી હતી. અને જે શાળાઓમાં ફાયરસેફ્ટી સુવિધા ન હોય તેમને નોટિસો આપીને આકરા પગલાં લેવામાં આવ્યા હતા. તદઉપરાંત પરમિટ વિના દોડતી સ્કુલવાન સામે પણ આરટીઓ દ્વારા ઝૂંબેશ ચલાવવામાં આવી હતી. જેમાં અમદાવાદ શહેરમાં આરટીઓની કડક કાર્યવાહીને લીધે છેલ્લા દોઢ મહિનામાં 600 જેટલા સ્કુલવાહનોએ પરમિટ લીધી છે.
અમદાવાદ આરટીઓ દ્વારા પરમિટ વગરના સ્કૂલવાહનો વિરૂદ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેમાં ગુરુવારે આરટીઓ દ્વારા કાર્યવાહી કરાતા 8 ઈકો વાન અને બે સ્કૂલબસોને ડિટેઈન કરવામાં આવી છે. 8 સ્કૂલવાન પાસે સ્કૂલવર્ધીની પરમિટ ન હતી અને સ્કૂલબસોના ટેક્સ ભરવાના બાકી હતા. આરટીઓ દ્વારા 19 જૂનથી 31 જુલાઈ સુધી સ્કૂલવર્ધીના વાહનો માટે ચેકિંગમાંથી છૂટછાટ આપવામાં આવી હતી. જોકે 43 દિવસ સુધી છૂટછાટ આપ્યા બાદ માંડ 600 સ્કૂલવાહનોએ પરમિટ લીધી હતી. 43 દિવસના સમયગાળા દરમિયાન આરટીઓ દ્વારા ત્રણ વખત મીટિંગ યોજી જલદી પરમિટ લેવા માટેના સૂચનો આપ્યા હતા.
આરટીઓની બે ટીમે ગઈકાલથી સ્કૂલોમાં જઈ તપાસની ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત શાહીબાગ કેન્દ્રીય વિદ્યાલય, વસ્ત્રાપુરમાં આવેલી જે.જી. સ્કૂલ, એકલવ્ય સ્કૂલ અને સત્વ શાંતિ સ્કૂલમાં જઈ સ્થળ તપાસ દરમિયાન કાર્યવાહી કરવામાં આવી હતી. આવનારા દિવસોમાં આરટીઓ દ્વારા પરમિટ વગરના સ્કૂલ વાહનો સામે કાર્યવાહી કરવાનું ચાલુ રાખવામાં આવશે. ગુરુવારે 60 સ્કૂલ વાહન અને 10 સ્કૂલબસોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. બે બસોમાં કુલ મળીને 2.31 લાખ રૂપિયાનો ટેક્સ બાકી હોવાના કારણે બસને ડિટેઈન કરવામાં આવી હતી. સ્કૂલવર્ધી એસો. દ્વારા હડતાળ કરાઈ તેની પહેલા સરેરાશ રોજ 30-40 જેટલા વાહનો પરમિટ લેતા હતા. છૂટછાટ આપ્યા બાદ પરમિટ લેવા આવતા વાહનોની સંખ્યા સાવ ઘટી હતી. (file photo)