1. Home
  2. ગુજરાતી
  3. સંરક્ષણ ક્ષેત્રે ભારતનો ઐતિહાસિક રેકોર્ડ: સંરક્ષણ ઉત્પાદન 1.78 લાખ કરોડની સર્વોચ્ચ સપાટીએ
સંરક્ષણ ક્ષેત્રે ભારતનો ઐતિહાસિક રેકોર્ડ: સંરક્ષણ ઉત્પાદન 1.78 લાખ કરોડની સર્વોચ્ચ સપાટીએ

સંરક્ષણ ક્ષેત્રે ભારતનો ઐતિહાસિક રેકોર્ડ: સંરક્ષણ ઉત્પાદન 1.78 લાખ કરોડની સર્વોચ્ચ સપાટીએ

0
Social Share

નવી દિલ્હી, 17 જૂન 2026: ભારતે સંરક્ષણ ઉત્પાદનના ક્ષેત્રમાં એક નવો ઈતિહાસ રચી દીધો છે. સરકારે સત્તાવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, ગયા નાણાકીય વર્ષ (2025-26)માં દેશનું વાર્ષિક સંરક્ષણ ઉત્પાદન 1.78 લાખ કરોડ રૂપિયાના રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે. દેશના ઈતિહાસમાં સંરક્ષણ ઉત્પાદનનો આ અત્યાર સુધીનો સૌથી મોટો અને ઐતિહાસિક આંકડો છે. નાણાકીય વર્ષ 2024-25ની સરખામણીએ આ વર્ષે ઉત્પાદનમાં 15.6 ટકાનો મોટો વધારો નોંધાયો છે. ગત વર્ષે આ આંકડો 1.54 લાખ કરોડ રૂપિયા હતો. સંરક્ષણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, જો વર્ષ 2020-21 સાથે સરખામણી કરવામાં આવે તો સંરક્ષણ ઉત્પાદનમાં 110 ટકાનો જંગી ઉછાળો આવ્યો છે, કારણ કે તે સમયે ઉત્પાદન માત્ર 84,643 કરોડ રૂપિયા હતું. આ ઉપરાંત, વર્ષ 2013-14માં દેશનું સંરક્ષણ ઉત્પાદન 43,746 કરોડ રૂપિયા હતું, જેની સામે વર્તમાન આંકડો જોતાં છેલ્લા કેટલાક વર્ષોમાં દેશનું કુલ સંરક્ષણ ઉત્પાદન લગભગ ચાર ગણું વધી ગયું છે.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આ ઐતિહાસિક સફળતાનો શ્રેય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રેરણાદાયી નેતૃત્વને આપ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટમાં તેમણે સંરક્ષણ ઉત્પાદન વિભાગની સાથે-સાથે સરકારી અને ખાનગી ક્ષેત્રના પ્રયાસોની જમકર પ્રશંસા કરી હતી. તેમણે ઉમેર્યું કે, આ વધારો દેશના મજબૂત થઈ રહેલા સંરક્ષણ ઔદ્યોગિક આધારનો સ્પષ્ટ સંકેત છે. સરકારની નીતિઓ, નવી પહેલો અને ખાનગી ક્ષેત્રની વધતી ભાગીદારીને કારણે આગામી વર્ષોમાં આ ક્ષેત્ર હજુ વધુ ઝડપે આગળ વધશે.

  • સંરક્ષણ ઉત્પાદનમાં સરકારી કંપનીઓનો સિંહફાળો

આ કુલ સંરક્ષણ ઉત્પાદનમાં સરકારી કંપનીઓ હજુ પણ સિંહફાળો ધરાવે છે, જે અંદાજે 76 ટકા જેટલો છે. જોકે, આ ક્ષેત્રમાં ખાનગી કંપનીઓની સક્રિયતા પણ હવે પહેલા કરતાં વધુ ઝડપથી વધી રહી છે. આ વર્ષે કુલ ઉત્પાદનમાં ખાનગી ક્ષેત્રનું યોગદાન વધીને 24 ટકા થયું છે, જે અગાઉના વર્ષે 22 ટકા હતું. નાણાકીય વર્ષ 2025-26માં ખાનગી ક્ષેત્રે આશરે 42,000 કરોડ રૂપિયાનું ઉત્પાદન કર્યું છે, જે અત્યાર સુધીનું સૌથી ઉચ્ચ સ્તર છે.

સંરક્ષણ ઉત્પાદનમાં થયેલા આ અભૂપૂર્વ વધારાની સીધી અને હકારાત્મક અસર દેશની નિકાસ પર પણ જોવા મળી છે. નાણાકીય વર્ષ 2025-26માં ભારતે 38,424 કરોડ રૂપિયાની ઐતિહાસિક સંરક્ષણ નિકાસ કરી છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ મોટી ઉપલબ્ધિ પ્રધાનમંત્રીના ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનને મળેલી એક મોટી અને મહત્વપૂર્ણ સફળતા છે. ભારત હવે સંરક્ષણ ઉપકરણોના નિર્માણમાં વૈશ્વિક સ્તરે સ્વનિર્ભર બનવા તરફ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code