1. Home
  2. revoinews
  3. ભારતની કુલ નિકાસ આશરે 441 અબજ ડોલરથી વધીને 863 અબજ ડોલર સુધી પહોંચી: અજય ભાદુ
ભારતની કુલ નિકાસ આશરે 441 અબજ ડોલરથી વધીને 863 અબજ ડોલર સુધી પહોંચી: અજય ભાદુ

ભારતની કુલ નિકાસ આશરે 441 અબજ ડોલરથી વધીને 863 અબજ ડોલર સુધી પહોંચી: અજય ભાદુ

0
Social Share

નવી દિલ્હી, 17 જૂન 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ છેલ્લા એક દાયકામાં ભારતના વેપાર અને નિકાસ ક્ષેત્રે અભૂતપૂર્વ પરિવર્તન જોવા મળ્યું છે. નીતિગત સુધારાઓ, ડિજિટલ ગવર્નન્સ, વેપાર સુગમતા અને વૈશ્વિક અર્થવ્યવસ્થા સાથે વધતા એકીકરણના પરિણામે ભારતે વૈશ્વિક વેપારમાં પોતાની મજબૂત ઓળખ સ્થાપિત કરી છે. આ પરિવર્તનશીલ યાત્રામાં વિશેષ કરીને સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના વિકાસ, રોકાણ આકર્ષણ અને નિકાસ વૃદ્ધિ દ્વારા મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.

ગુજરાતના SEZ ક્ષેત્રની છેલ્લા 12 વર્ષની સિદ્ધિઓ, પ્રગતિ અને ભાવિ દ્રષ્ટિકોણને ઉજાગર કરવા માટે આયોજિત આઉટરીચ કાર્યક્રમનું ઉદ્ઘાટન ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના અધિક સચિવ અજય ભાદુ, કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (KASEZ)ના ઝોનલ ડેવલપમેન્ટ કમિશનર જ્ઞાનેશ્વર બી. પાટીલ તથા ગુજરાત સરકારના ઉદ્યોગ કમિશનર પી. સ્વરૂપના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન ગુજરાત સરકાર અને ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના વિદેશ વેપાર મહાનિદેશાલય દ્વારા કરવામાં આવ્યું હતું.

ભારતના વધતા વૈશ્વિક વ્યાપારિક વિસ્તરણને ઉજાગર કરતાં અધિક સચિવ અજય ભાદુએ જણાવ્યું હતું કે છેલ્લા એક દાયકામાં ભારતની કુલ નિકાસ આશરે 441 અબજ અમેરિકી ડોલરથી વધીને 863 અબજ અમેરિકી ડોલર સુધી પહોંચી છે. આ વૃદ્ધિમાં એન્જિનિયરિંગ ઉત્પાદનો, પેટ્રોલિયમ ઉત્પાદનો, ઇલેક્ટ્રોનિક્સ, ફાર્માસ્યુટિકલ્સ, રત્ન અને આભૂષણ તેમજ રસાયણ ક્ષેત્રનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે. ગુજરાત આ વિકાસયાત્રામાં મુખ્ય યોગદાનકર્તા તરીકે ઉભર્યું છે, જેનો નિકાસમાં અંદાજે 110 અબજ અમેરિકી ડોલરનો ફાળો છે. ગુજરાતે વર્ષ 1996માં મુક્ત વેપારી ક્ષેત્રોની સ્થાપના કરીને એક ઐતિહાસિક પહેલ કરી હતી. તે સમયે માત્ર ભારતમાં જ નહીં, પરંતુ સમગ્ર એશિયામાં પણ આવા દુરંદેશી ઔદ્યોગિક વિકાસના મોડેલ અંગે બહુ ઓછો વિચાર કરવામાં આવ્યો હતો. ગુજરાતે આ ક્ષેત્રમાં અગ્રણી ભૂમિકા ભજવી અને વૈશ્વિક રોકાણ તથા નિકાસ આધારિત વિકાસ માટે નવી દિશા પ્રસ્થાપિત કરી છે.

  • નિકાસ વૃદ્ધિના મુખ્ય ચાલક બળો

તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘મેઇડ ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ’ વિઝનને મહત્ત્વપૂર્ણ ગણાવ્યું હતું. દેશમાં ઈઝ ઑફ ડૂઇંગ બિઝનેસ માટે રાષ્ટ્રીય સ્તરે ટ્રેડ કનેક્ટ, ટ્રેડ ઇન્ટેલિજન્સ એન્ડ એનાલિટિક્સ (TIA) પોર્ટલ અને મર્ચેન્ડાઇઝ ઇમ્પોર્ટ્સ મોનિટરિંગ પોર્ટલ (MIMP) જેવા મહત્ત્વના ડિજિટલ પ્રકલ્પો શરૂ કરવામાં આવ્યા છે. જ્યારે ઇન્ડિયા બ્રાન્ડ ઈક્વિટી ફાઉન્ડેશન પણ વૈશ્વિક સ્તરે ભારત માટે વિશ્વાસનું સીમાચિહ્ન હોવાનું ઉમેર્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું કે ભારતની સક્રિય વેપાર કૂટનીતિના પરિણામે મોરીશિયસ, સંયુક્ત આરબ અમીરાત, ઓસ્ટ્રેલિયા તથા યુનાઇટેડ કિંગડમ સાથે મહત્વપૂર્ણ મુક્ત વેપાર કરારો થયા છે, જ્યારે યુરોપિયન યુનિયન અને ન્યૂઝીલેન્ડ સાથે પણ પ્રગતિ પર છે, જેના કારણે ભારતીય નિકાસકારો માટે નવી તકો ઊભી થઈ છે. તેમણે આગળ જણાવ્યું કે સરકારે નાણાંકીય વર્ષ 2025-26થી 2030-31 દરમિયાન રૂ. 25,600 કરોડના ખર્ચ સાથે Export Promotion Mission શરૂ કર્યું છે, જેનો હેતુ નિકાસ તંત્રને મજબૂત બનાવવાનો, MSME ક્ષેત્રને સહાય આપવાનો તથા ભારતના વૈશ્વિક મૂલ્ય શૃંખલાઓ (Global Value Chains) સાથેના એકીકરણને ગતિ આપવાનો છે. ઝોનલ વિકાસ કમિશનરજ્ઞાનેશ્વર બી. પાટીલ એ જણાવ્યું હતું કે વિશેષ આર્થિક ક્ષેત્રો (SEZ) રોકાણ, રોજગાર, નવીનતા અને નિકાસના મુખ્ય પ્રેરક કેન્દ્રો તરીકે ઉભર્યા છે અને “મેક ઇન ઇન્ડિયા”, “આત્મનિર્ભર ભારત” તથા “વિકસિત ભારત 2047”ના વિઝનને સાકાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે.

  • દેશની કુલ SEZ નિકાસમાં ૨૧ ટકા ફાળા સાથે ગુજરાત અગ્રેસર

તેમણે જણાવ્યું કે ગુજરાતના SEZમાંથી થતી નિકાસ વર્ષ 2014-15ના રૂ. 1,79,808 કરોડથી વધીને વર્ષ 2025-26માં રૂ. 3,00,793 કરોડ થઈ છે, જે લગભગ 67 ટકા વૃદ્ધિ દર્શાવે છે. હાલમાં ગુજરાત દેશની કુલ SEZ નિકાસમાં આશરે 21 ટકા ફાળો આપે છે. આ જ સમયગાળામાં ગુજરાતના SEZમાં રોકાણ રૂ. 1,22,654 કરોડથી વધીને રૂ. 2,28,624 કરોડ થયું છે, જ્યારે રોજગારની તકો 63,475થી વધીને 2.22 લાખથી વધુ થઈ છે. ગુજરાત ઉચ્ચ ટેક્નોલોજી આધારિત ઉત્પાદન કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે તે બાબત પર પ્રકાશ પાડતાં તેમણે જણાવ્યું કે રાજ્યમાં CG Semi Technologies, Kaynes Semicon, Tata Semiconductor Manufacturing અને Micron Technology સહિત ચાર સેમિકન્ડક્ટર SEZને મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાતને વર્ષ 2047 સુધીમાં 3.5 ટ્રિલિયન અમેરિકી ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાના લક્ષ્ય તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરતાં ગુજરાત સરકારે 15 જૂન 2026ના રોજ “વિકસિત ગુજરાત ઔદ્યોગિક નીતિ 2026”ની જાહેરાત કરી છે. આ નીતિ વિશે વિગતે વાત કરતાં ઉદ્યોગ કમિશનર શ્રી પી. સ્વરૂપે વિકસિત ગુજરાત ઔદ્યોગિક નીતિ 2026 જણાવ્યું કે આ નીતિ એક દૂરંદેશી અને પરિવર્તનકારી માળખું રજૂ કરે છે, જેનો હેતુ ગુજરાતને અદ્યતન ઉત્પાદન, નવીનતા અને ટકાઉ વિકાસના વૈશ્વિક કેન્દ્ર તરીકે વિકસાવવાનો છે. આ નીતિ હેઠળ ગુજરાતને વૈશ્વિક ઉત્પાદન અને મૂલ્યવર્ધન કેન્દ્ર તરીકે વિકસાવવા માટે 21 મુખ્ય ક્ષેત્રોની ઓળખ કરવામાં આવી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code